જીએસટીમાં આમૂલ પરિવર્તન આવશ્યક : યશવંત સિંહા

જીએસટીમાં આમૂલ પરિવર્તન આવશ્યક : યશવંત સિંહા
અંદાજપત્ર સુધી મોકૂફ રાખવા સિંહાનું સૂચન : નોટબંધી-જીએસટી પર આકરા પ્રહારો
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.14 નવે.
મોદી સરકારે નોટબંધી-જીએસટી સહિતના આર્થિક સુધારા ઉતાવળે અને વિના વિચાર્યે કરતા દેશની અર્થવ્યવસ્થા પર ગંભીર ખતરો તોળાઇ રહ્યો છે. જીએસટી લાગુ થયો છે પણ તેમાં હજુ આમૂલ પરિવર્તનની તાત્કાલિક જરૂર છે. તેના પરિણામે જીએઁસટી આવનારા ફેબ્રુઆરી બજેટ સુધી મોકૂફ રાખવાની માગ અમદાવાદ આવેલા પૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન અને અર્થશાત્રી યશવંત સિંહાએ કરી હતી.
લોકશાહી બચાવો અભિયાનના નેજા હેઠળ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા પૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન અને અર્થશાત્રી યશવંત સિંહાએ પત્રકાર પરિષદમાં નોટબંધી અને જીએસટીને લઇને મોદી સરકાર, ખાસ કરીને નાણાપ્રધાન અરુણ જેટલી પર આકરા પ્રહાર કર્યા હતા. નોટબંધી તેમ જ જીએસટીના અમલને અસફળ નિર્ણય ગણાવ્યા હતા.
તેમણે કહ્યું કે, આના કારણે દેશમાં હાલ અર્થવ્યવસ્થાનો વિકાસ દર 7.7 ટકા જેટલો થઇ જવા પામ્યો છે. જુની ફોર્મ્યુલા પ્રમાણે જોવામાં આવે તો તે માત્ર 3.7 ટકા જ છે. એટલું જ નહીં નોટબંધીને લઇને દેશમાં 20 લાખ કરતા વધુ લોકોએ રોજગારી ગુમાવવાનો વારો આવ્યો છે. 
નોટબંધીનો મુખ્ય ઉદ્દેશ કાળા નાણાં પકડવા અને તેને સમાપ્ત કરવા, ઉગ્રવાદ અને આતંકવાદ પર રોક આવે તે હતો તેમ છતાં રિઝર્વ બેંક દ્વારા તાજેતરમાં બહાર પડાયેલા જુની નોટોના આંકડા પરથી એ સિદ્ધ થયું્ છે કે નોટબંધી સફળ થઇ નથી.
સિંહાના મતે જીએસટી એ દેશ માટે સારી કરપ્રણાલી છે. વ્યક્તિગત રૂપે હું જ્યારે નાણાંપ્રધાન અને ફાયનાન્સ ચેરમેન હતો ત્યારે મેં જીએસટી 2009 થી 2014 દરમિયાન આગળ વધારવાનો પ્રયાસ કર્યો હતો. જે રીતે જેસટીને દેશમાં લાગુ કર્યો છે અને તેના સ્લેબ બનાવ્યા છે તેને લઇને દેશની સમસ્યામાં વધારો થયો છે. નોટબંધી અને જીએસટી લાદવાના 9 મહિના દરમિયાન દેશની અર્થવ્યવસ્થામાં આર્થિક સકંજો કસાયો છે. નાના વેપારીઓને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જીએસટી ના ફોર્મ જટિલ બની ગયા છે. જીએસટી એક સારી કરપ્રણાલી હતી પરંતુ તેને રજૂ કરવામાં વર્તમાન કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલી નિષ્ફળ નીવડયા છે. જીએસટીમાં આમૂલ સુધારાની જરૂર છે. હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા જે સુધારા કરાયા છે તે તેમની નિષ્ફળતા છે. સુધારા કરવા એ સમસ્યાનું સમાધાન નથી. 
તેમણે સરકારને અનુરોધ કર્યો હતો કે, જાણીતા અર્થશાત્રી વિજય કેલકરજીની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની ટીમનું ગઠન કરવામાં આવે અને આ ટીમ રોજબરોજ નાણાપ્રધાન સહિત જીએસટી કાઉન્સીલના સભ્યો સાથે, જે સૂચનો આવે તેની ચર્ચા-વિચારણા હાથ ધરે અને બે મહિનાની અંદર તેમનું કાર્ય પૂર્ણ કરે અને બજેટ દરમિયાન નાણાપ્ર્રધાન અરુણ જેટલી સંસદમાં સભ્યોને જાણકારી આપીને તેનો અમલ કરે અને ત્યાં સુધી જીએસટીને મોકૂફ રાખે.
એક પ્રશ્નના પ્રત્યુતરમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના પૂર્વ નાણાપ્રધાન સૌરભ પટેલે સૌથી વધુ વિરોધ જીએસટીનો કર્યો હતો. તેના કારણમાં જીએસટીને લઇને ગુજરાતને રૂા.9000 કરોડનું નુકસાન થશે એમ તેમણે જણાવ્યું હતું. 
એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, પેટ્રોલિય પેદાશને જીએસટીના દાયરામાં લાવવું જ જોઇએ એટલું જ નહીં વર્તમાન સરકારે ક્રુડ ઓઇલના ભાવ ઘટવા છતા તેનો સીધો લાભ ઉપભોક્તાઓને આપ્યો નહીં અને માત્ર સરકારી તિજોરી ભરવા પર જ ધ્યાન આપ્યું. જો કે છેલ્લે તેમણે પ્રતિ લિટરે બે રૂપિયા એક્સાઇઝમાં ઘટાડયા હતા.  નોંધનીય છે કે, પૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન અને અર્થશાત્રી  યશવંત સિંહા તેમના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસમાં આજે અમદવાદમાં, આવતીકાલે તા.15મી નવેમ્બરે રાજકોટમાં અને તા.16મી નવેમ્બરે સુરતમાં લોકશાહી બચાવો અભિયાનના નેજા હેઠળ પોતાનુ વક્તવ્ય આપશે.  

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer