મોરબીના ઘડિયાળ ઉદ્યોગને જીએસટીનું ગ્રહણ

મોરબીના ઘડિયાળ ઉદ્યોગને જીએસટીનું ગ્રહણ
એક સમયે મોરબીની ઓળખ ઘડિયા (ઘડિયાળ), તળિયા (ટાઈલ્સ) અને નળિયાના શહેર તરીકે હતી. હાલ સિરામિક ઉદ્યોગમાં નવી ટેકનોલોજીના કારણે નળિયાનો ઉદ્યોગ ઠપ થઈ ગયો  છે. નળિયાના કારખાના સિરામિકમાં ફેરવાઈ ગયા છે. જ્યારે ઘડિયાળ ઉદ્યોગમાં પણ નવી ટેકનોલોજીનો પગપેસારો થયો છે. બીજી તરફ જીએસટીનો દર 18 ટકાજેટલો લાગુ કરવામા ંઆવ્યો છે. સરકારે તાજેતરમાં રિસ્ટવોચનો 28 ટકાવાળો જીએસટી 18 ટકા કર્યો છે પણ દીવાલ ઘડિયાળમાં વિશ્વભરમાં ડંકો વગાડનાર ઉદ્યોગનો ટેક્સ 12 ટકા કરવાની માગણી હતી તે પૂરી થઇ નથી.
એક સમયે મોરબીની ઘડિયાળની દેશ વિદેશમાં માગ હતી. હવે મોબાઈલ યુગમાં ઘડિયાળની માગ ઘટી છે. બીજી બાજુ સરકારની નીતિના કારણે આ ઉદ્યોગની મુશ્કેલી વધી છે. મોરબીને બેઠું કરનારા ઉદ્યોગમાં ઘડિયાળનું નામ આવે છે. મોરબીમાં જ્યા આ ઉદ્યોગ વિકસ્યો છે તે લાતી પ્લોટ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ પણ નથી ત્યારે ઉદ્યોગ ભારે મુશ્કેલી વેઠી રહ્યો છે. 
મોરબીમાં હાલ 120થી 125 જેટલા નાના મોટા કારખાના આવેલા છે. તેમાં વધુ પડતા લાતી પ્લોટમાં છે. ઘડિયાળ ઉદ્યોગથી મોરબીમાં અંદાજે 20 હજાર લોકોને રોજગારી મળે છે. તેમાં 16થી 17 હજાર તો મહિલાઓ છે. સૌથી ઓછી મૂડીમાં આ ઉદ્યોગ ચાલુ કરી શકાય છે, વધુને વધુ લોકોને રોજગારી આપી શકાય છે. છતાં સરકાર દ્વારા પૂરતું પ્રોત્સાહન અપાતું નથી. ઊલટાનું જીએસટી લાગુ પડયો તેમાં આ ઉદ્યોગ પર 18 ટકા દર લાગુ પાડવામાં આવ્યો છે. તેના કારણે ઘડિયાળ ઉદ્યોગને સારો એવો માર પડયો છે. 30થી 35 ટકા ધંધો ઘટી ગયો છે. 
મોરબીમાં આ ઉદ્યોગ સાથે સંકળાયેલા એસોસિયેશનના પ્રમુખ શશાંગભાઈ દંગીએ જણાવ્યું છે કે અમારી માગણી 18 ટકા જીએસટીના બદલે 12 ટકાના દરમાં લઈ જવાની હતી પણ સરકારે આ માગણી સ્વીકારી નથી. ઓછી મૂડીમાં વધુ લોકોને રોજગારી પૂરી પાડતા આ ઉદ્યોગને સરકારે કોઈ રાહત આપી નથી. મોરબીના લાતી પ્લોટ વિસ્તારની શેરી નં. 1થી 14માં ઘડિયાળના અનેક કારખાના છે.
છેલ્લાં 25 વર્ષથી આ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા સારા રસ્તાની સુવિધા પણ આપવામાં આવી નથી. દર વર્ષે ચોમાસામાં પાણી ભરાતું હોવાથી કારખાના બંધ રાખવા પડે છે.  દર વખતે રજુઆત થાય ત્યારે ધારાસભ્ય સહિત નેતાઓ માત્ર ખાતરી આપે છે પણ પ્રાથમિક સુવિધા મળતી નથી.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer