રૂની ગુણવત્તા એક ગંભીર સમસ્યા : શું તે સીમિત પાકનો સંકેત છે?

રૂની ગુણવત્તા એક ગંભીર સમસ્યા : શું તે સીમિત પાકનો સંકેત છે?
મહારાષ્ટ્રના વિદર્ભ અને તેલંગણાના કેટલાંક કપાસ કેન્દ્રોથી એવો ચોંકાવનારો અહેવાલ આવી રહ્યો છે કે ત્યાં ગુલાબી બોલ વોર્મને કારણે કપાસના ઊભા પાકને ભારે નુકસાન થયું છે. કૉટન ગુરુના પ્રતિનિધિએ તેલંગણાના અદિલાબાદની આસપાસના કેટલાક વિસ્તારોની મુલાકાત લીધી તો જણાયું કે દિવાળી પછી કેટલાંક ખેતરોમાં કપાસના કાલા (બોલ) ખુલ્યા જ નથી. ચિંતિત ખેડૂતોએ જ્યારે એ વિકસેલા કાલા હાથેથી ખોલ્યા તો અંદર પુષ્કળ પ્રમાણમાં ગુલાબી બોલ વોર્મ જોઇને એમને ઊંડો આઘાત લાગ્યો. ગુલાબી બોલ વોર્મ અંદરથી કપાસના તાંતણાને ખાઈ જાય છે અને બહારથી કાલા વિકસેલા દેખાય છે, પરંતુ અંદર તાંતણા હોતા નથી.
મહારાષ્ટ્રના વિદર્ભ જિલ્લાથી ઘાટનજી ગામના જિનર મોહન રુંગટાએ `કૉટન ગુરુ'ને જણાવ્યું હતું કે એમના વિસ્તારમાં 75 ટકા ખેતરોમાં આ જ પરિસ્થિતિ છે. યવતમાળ અને અમરાવતી જિલ્લામાં ગુલાબી બોલ વોર્મને ઉપદ્રવ વધુ હોવાનો અહેવાલ ઘણા ખેડૂતોએ જણાવ્યો છે. કેટલાક ખેડૂતોનું કહેવું છે કે મોડેથી વાવેતર કર્યું હોય તેવા ખેતરોમાં ગુલાબી બોલ વોર્મનો હુમલો વધુ તીવ્ર છે. કેટલાકનું કહેવું છે કે તેઓ તેલંગણાથી ગેરકાયદેસર બીટી બિયારણ લાવ્યાં હતાં. તેના પર ગુલાબી બોલ વોર્મનો હુમલો થયો છે. એક વાત તો નિશ્ચિંત છે કે ભારતમાં હાલ મોજુદા બીટી બિયારણ અને ટેક્નોલોજી બંને બિનપ્રભાવી જ નહીં પરંતુ હાનિકારક પણ છે. ખેડૂતો બીટી બિયારણનું વાવેતર કરીને બોલ વોર્મ બાબતે નિશ્ચિત થઈ જાય છે અને બીજા રોગો (સફેદ ઇલી, લાલ્યા)ના પ્રતિકાર માટે દવાનો છંટકાવ કરે છે. રાજ્ય અને કેન્દ્ર સરકારોને આ વિષયમાં ગંભીરતાથી વિચારીને રાહત ઉપાય કરવો સમયની માગ છે.
દેશમાં અૉક્ટોબરમાં થયેલા વરસાદને લીધે કપાસની ગુણવત્તા પર પણ વિપરીત અસર થઈ છે. લગભગ એક મહિનાથી થઈ રહેલી કપાસની આવકમાં કોડી (જંતુ)નું પ્રમાણ વધુ છે. કેટલાક જિનરો તો કહે છે કે એમણે ઘણાં વર્ષોથી આટલી વધુ માત્રામાં કોડીનું પ્રમાણ જોયું નથી. કોડીને કારણે કપાસમાં કાળા અને પીળા રંગની ટૉંચ (ટપણ) આવી રહ્યા છે. જિનિંગમાં સુપર કિલનર અને પૂરી સતર્કતા રાખવા છતાં પીળી ટૉંચ નીકળી નથી રહી. ગ્રેડમાં ખરાબી થવાથી રૂના ભાવમાં દબાવ રહ્યો છે. ખેડૂતોનો જિનરો પાસે અને જિનરોનો યાર્ન મિલો પાસે ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. જેથી બધા હેરાન છે.
સ્થાનિક રૂ બજારમાં ટોન નરમ છે. હાજર બજારમાં ગુજરાત શંકર-6ના રૂા. 37,200થી 37,700, મહારાષ્ટ્ર બન્ની રૂા. 37,000થી 38,000, તેલંગણા બન્ની રૂા. 37,000થી 38,000 અને કર્ણાટક 31 મિ.લી. રૂા. 38,500થી 39,000 સુધી કામકાજ થઈ રહ્યું છે. કપાસની દૈનિક લગભગ 1.40 લાખ ગાંસડીની થઈ રહી છે. ગુજરાતમાં 30,000, મહારાષ્ટ્રમાં 40,000, ઉત્તર ભારતમાં 23,000 અને તેલંગણા-આન્ધ્રમાં 25,000 ગાંસડીની આવક છે. ખાનગી એજન્સી જસ્ટ એગ્રીના જણાવવા મુજબ દેશમાં પહેલી અૉક્ટોબરથી 7 નવેમ્બર 2017 સુધીમાં 27.60 લાખ ગાસડી કપાસની આવક થઈ છે જે ગયા વર્ષે આ સમયે 25.46 લાખ ગાંસડીની થઈ હતી.
વૈશ્વિક રૂ બજાર સ્થિર છે. અમેરિકાના આઇસીઇમાં ડિસેમ્બર વાયદો 68.29 અને માર્ચ 2018 વાયદો 68.54ના ભાવ પર 9 નવેમ્બર 2017ના રોજ બંધ થયો હતો. હાલમાં જ અમેરિકી કૃષિ વિભાગનો અહેવાલ આવ્યો છે જેમાં એમણે વિશ્વના ઓપનિંગ સ્ટોકને લગભગ 11 લાખ ગાંસડી જેટલો ઘટાડયો છે, અને ઉત્પાદન અને વપરાશને પૂરક પ્રમાણમાં વધાર્યો છે. પાકિસ્તાનના કાપડ ઉદ્યોગે સરકાર પાસે આયાત પર લગાવેલી 4 ટકા ડયૂટીને નાબૂદ કરવાની માગ કરી છે જેથી મિલોને જરૂરી પ્રમાણમાં રૂ મળતું રહે.
`કોટન ગુરુ'નો 27 વર્ષનો અનુભવ જણાવે છે કે જે વર્ષે કપાસ અને રૂની ગુણવત્તાની સમસ્યા ગંભીર રહી હોય તે વર્ષમાં રૂનો પાક અસાધારણ વધુ ન હોઈ શકે. હાલ વિશ્વમાં અને ખાસ કરીને ભારતમાં જોવા મળી રહેલી કપાસની ગુણવત્તા, સંપૂર્ણ પણે ટેક્સ્ટાઇલ ઉદ્યોગ માટે એક `લાલ સિગ્નલ' સાબિત થઈ શકે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer