તેલક્ષેત્રો ખાનગી કંપનીઓને આપવા સામે ઓએનજીસીમાંથી વિરોધ

તેલક્ષેત્રો ખાનગી કંપનીઓને આપવા સામે ઓએનજીસીમાંથી વિરોધ
નવી દિલ્હી, તા. 14 નવે.  
ઓએનજીસીનાં કેટલાંક કાર્યરત તેલક્ષેત્રો  ઉત્પાદન વધારવાના નામે ખાનગી ક્ષેત્રને હવાલે કરી દેવાના પ્રસ્તાવનો તેના કેટલાક અધિકારીઓએ વિરોધ કર્યો છે.  
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા એક પત્રમાં તેમણે કહ્યું છે કે આ પ્રસ્તાવના અમલની પ્રક્રિયા વિષે સ્પષ્ટતાનો અભાવ હોવાથી તેની ફેરવિચારણા થવી જરૂરી છે.  
તેલ મંત્રાલયે ઓએનજીસીનાં 11 અને ઓઇલ ઇન્ડિયા લિમિટેડનાં 4 તેલક્ષેત્રોમાં ખાનગી કંપનીઓને 60 ટકા હિસ્સો આપવાની દરખાસ્ત તૈયાર કરી છે જેથી આ જૂનાં તેલક્ષેત્રોનું ઉત્પાદન વધારી શકાય.  
ઓએનજીસીના અધિકારીઓનું કહેવું છે કે ખાનગી કંપનીઓને આપવા માટે પસંદ કરાયેલાં તેલક્ષેત્રો વાસ્તવમાં સારું ઉત્પાદન કરે છે અને તેમને બહેતર કામગીરી માટે વધુ નાણાં પણ ફાળવાયાં છે. જો તે બીજાને આપી દેવાશે તો ઓએનજીસીના ઉત્પાદનમાં 15 ટકાનો ઘટાડો નોંધાશે અને તેની મૂડી પરનું વળતર નહિવત થઇ જશે.  
અધિકારીઓએ કહ્યું છે કે પ્રસ્તાવિત પ્રક્રિયામાં પારદર્શકતાનો અભાવ છે અને ખાનગી ક્ષેત્ર દ્વારા સંચાલિત ક્ષેત્રોની કામગીરીનું પણ મૂલ્યાંકન થવું જોઈએ.  કેજી-ડી6 તેલક્ષેત્રમાં ઉત્પાદન વધારવાના રિલાયન્સ-બીપીના પ્રયાસો હજી વિવાદનાં વાદળ હેઠળ જ છે અને તાપ્તિ ક્ષેત્રને પણ સમેટી લેવાની વાત ચાલે છે. ઓએનજીસીનાં અંકલેશ્વર, કલોલ અને ગાંધાર ખાતેનાં ક્ષેત્રોને જે માપદંડ લાગુ પાડવામાં આવ્યા છે તે જ માપદંડથી પન્ના-મુક્તા-તાપ્તિ સંયુક્ત સાહસનું પણ મૂલ્યાંકન થવું ઘટે, એમ અધિકારીઓએ જણાવ્યું છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer