નિકાસમાં 1.12 ટકા ઘટાડો, આયાત 7.6 ટકા વધી

નિકાસમાં 1.12 ટકા ઘટાડો, આયાત 7.6 ટકા વધી
પીટીઆઈ

નવી દિલ્હી, તા. 14 નવે.

અૉક્ટોબરમાં ભારતની નિકાસ 1.12 ટકા ઘટી 23 અબજ ડૉલરની થઈ છે. આમ સપ્ટેમ્બરમાં 6 મહિનાનો સૌથી વધુ વધારો જે દેખાયો હતો તેથી ઉલટી નિકાસ ઘટી છે. ટેક્સ્ટાઇલ્સ, દવા, ચર્મ પેદાશ, જરઝવેરાતના શિપમેન્ટો ઘટયા છે, એમ કૉમર્સ મંત્રાલયના આંકડા પરથી જાણવા મળે છે.

આમ છતાં આયાત 7.6 ટકા વધી અૉક્ટોબરમાં 47.11 અબજ ડૉલરની થઈ છે જે અગાઉના વર્ષના આ જ મહિનામાં 34.5 અબજ ડૉલરની હતી.

વેપારની ખાદ્ય વધી અૉક્ટોબરમાં 14 અબજ ડૉલરની થઈ છે જે અૉક્ટોબર 2016માં 11.13 અબજ ડૉલરની હતી.

સોનાની આયાત અૉક્ટોબરમાં 16 ટકા ઘટી 2.94 અબજ ડૉલરની થઈ હતી.

તેલની આયાત 27.89 ટકા વધી 9.28 અબજ ડૉલરની થઈ છે. અૉઇલ સિવાયની આયાત 2019 ટકા વધી 27.83 અબજ ડૉલરની થઈ છે.

2017-18ના એપ્રિલથી અૉક્ટોબરની કુલ નિકાસ 9.62 ટકા વધી 170.28 અબજ ડૉલરની થઈ છે. જ્યારે આયાત 22.21 ટકા વધી 256.43 અબજ ડૉલરની થઈ છે. આથી વેપારની ખાધ 86.14 અબજ ડૉલરની થઈ છે.

અૉક્ટોબરમાં પેટ્રોલિયમની નિકાસ 14.74 ટકા, એન્જિનિયરિંગ નિકાસ 11.77 ટકા અને કેમિકલ્સની નિકાસ 22.29 ટકા વધી હતી.

સપ્ટેમ્બરમાં ભારતની નિકાસ 25.67 ટકા વધી 28.61 અબજ ડૉલરની થઈ હતી. કેમિકલ્સ, પેટ્રોલિયમ, એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ, ગાર્મેંટ્સની નિકાસ સપ્ટેમ્બરમાં ઝડપી વધી હતી.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer