સમગ્ર દેશમાં ખાંડનું ઉત્પાદન વાર્ષિક ધોરણે 42 ટકા વધ્યું

કોજેન્સીસ
નવી દિલ્હી, તા.5 ડિસે.
અૉક્ટોબર-નવેમ્બર ગાળામાં સમગ્ર દેશમાં ખાંડ મિલો દ્વારા કુલ 27.8 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે, જે ગત વર્ષના સમાન ગાળાની સરખામણીમાં 42.1 ટકા વધુ હોવાનું ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિયેશન (ઈસમા)ના આંકડા દર્શાવે છે. 
30 નવેમ્બર સુધીમાં  દેશમાં 443 સુગર મિલ્સે શેરડીનું પિલાણ કર્યું હતું, ગત વર્ષના સમાન ગાળામાં 393 મિલ્સે પિલાણ કર્યું હતું. દેશમાં ખાંડના સૌથી મોટા ઉત્પાદક રાજ્ય ઉત્તર પ્રદેશમાં 30 નવેમ્બર સુધીમાં ઉત્પાદન 13.6 લાખ ટનનું થયું હતું, જ્યારે ગત વર્ષના સમાન ગાળામાં 8.48 લાખ ટનનું ઉત્પાદન થયું હોવાનું એસોસિયેશને જણાવ્યું હતું. આ રાજ્યમાં સૂચિત ગાળામાં 110 સુગર મિલ્સે શેરડીનું પિલાણ શરૂ કર્યું હતું, ગત વર્ષના સમાન ગાળામાં 103 મિલ્સે પિલાણ શરૂ કર્યું હતું. 
મહારાષ્ટ્રની સુગર મિલોએ 14.9 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું છે, જે ગત વર્ષના સમાન ગાળાનાં 9.42 લાખ ટનની સરખામણીએ 58.2 ટકા વધુ ઉત્પાદન છે. મહારાષ્ટ્રમાં ગત વર્ષના 142 મિલ્સની સરખામણીએ આ વર્ષે 170 સુગર મિલ્સે શેરડીનું પિલાણ શરૂ કર્યું છે. 
અૉક્ટોબર-નવેમ્બર દરમિયાન કર્ણાટકમાં ખાંડનું ઉત્પાદન ગત વર્ષના 6.80 લાખ ટનથી આંશિક વધીને આ વખતે 6.82 લાખ ટન થયું છે. જ્યારે ગુજરાતમાં સૂચિત ગાળામાં ખાંડનું ઉત્પાદન ગત વર્ષના સમાન ગાળાના 1.42 લાખ ટનથી 26.8 ટકા વધીને 1.80 લાખ ટન થયું છે. 
2017 - 18 (અૉક્ટો.-સપ્ટે.)નો ઓપનિંગ સ્ટોક બે વર્ષના તળીયે 38.8 લાખ ટનનો હોવાનું એસોસિયેશને જણાવ્યું હતું. 
2.51 કરોડ ટન ખાંડનાં ઉત્પાદનની ધારણા છે, જેમાંથી આયાત 2.85 લાખ ટન અને વર્તમાન સિઝનમાં ખાંડની કુલ ઉપલબ્ધતા 2.92 કરોડ ટન હશે. ઈસમાનો અંદાજ છે કે ખાંડનો સ્થાનિક વપરાશ 2.50-2.52 કરોડ ટનનો હશે અને 2017 - 18નો ક્લોઝિંગ સ્ટોક 40 -42 લાખ ટન હશે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer