શ્રીલંકા સાથેના વેપાર કરારમાં મરીને રક્ષણ રદ કરવાની માગણી

વાયા શ્રીલંકા વિયેતનામના મરી દેશમાં ઘુસાડવાનું કૌભાંડ
વિશેષ સંવાદદાતા તરફથી
મુંબઈ, તા. 5 ડિસે.
શ્રીલંકાના કસ્ટમ્સ વિભાગે વિયેતનામમાં ઉગાડેલા મરીને શ્રીલંકામાં ઉગાડયા હોવાનું ખોટું પ્રમાણપત્ર આપી ભારતમાં 4000 ટન મરી ઘુસાડવામાં આયાતકારોને મદદ કરી હોવાનો આક્ષેપ કોચીનના ઈન્ડિયન પેપર એન્ડ સ્પાઈસ ટ્રેડર્સ ગ્રોવર્સ, પ્લાર્ન્સ કોન્સોર્શિયમે કર્યો છે.
શ્રીલંકાએ સાફટા (સાઉથ એશિયન ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ)ની જોગવાઈનો ગેરલાભ લઈ 8 ટકાની રાહતના ડયૂટી દરે વિયેતનામ મૂળના આ મરી પોતાના હોવાનું કહી ભારતમાં ઘુસાડયા છે.
આ મરી જો વિયેતનામથી આયાત કરવામાં આવ્યા હોત તો તેની ઉપર 54 ટકા ડયૂટી લાગુ થઈ હોત, પરંતુ સાફટાની જોગવાઈનો ગેરલાભ લઈ 46 ટકા ડયૂટી ગેરકાયદે રીતે બચાવવામાં શ્રીલંકાના કસ્ટમ્સ સત્તાવાળાઓએ ભારતીય આયાતકારોને સાથ આપ્યો હોવાનો આક્ષેપ આ કોન્સોર્શિયમે કર્યો છે.
ભારતમાં વિયેતનામના મરી વાયા શ્રીલંકા ઘુસાડવાનું ઓછું હોય તેમ શ્રીલંકા પોતાના 2500 ટન મરીની નિકાસ આખા વર્ષ દરમિયાન ભારતને કરી શકશે, જેની ઉપર અહીંના આયાતકારોએ કોઈ ડયૂટી ચૂકવવી નહીં પડે.
આ સંગઠન ઉપરાંત મરી ઉગાડતા ખેડૂતો અને વેપારીઓના ઊહાપોહ પછી સત્તાવાળાઓએ મુંબઈ, અમદાવાદ, કંડલા, મુંદ્રા અને દિલ્હીના આયાતકારો સામે પગલાં લેવાનું શરૂ કર્યું છે, પરંતુ બજારમાં મરીના ભાવ ખૂબ ઘટી જતા ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. મરીના ભાવ પ્રતિ કિલોના રૂા. 600થી ઘટીને રૂા. 350 જેવા થઈ ગયા છે.
આ કોન્સોર્શિયમે મરીની આયાતમાં થઈ રહેલી ગેરરીતિઓ વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું આવેદનપત્ર દ્વરા ધ્યાન દોર્યું છે.
કોન્સોર્શિયમના કો-ઓર્ડિનેટર કિશોરભાઈ શામજી કુરુવાએ કહ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ વેપાર મંત્રાલય, સ્પાઈસીસ બોર્ડ અને અન્ય વિભાગોના અધિકારીઓએ ઈન્ટરનેશનલ પીપર કૉમ્યુનિટીની મિટિંગોમાં હાજરી આપી હતી. આ મિટિંગમાં બ્રાઝિલ, ઈન્ડોનેશિયા, મલેશિયા, વિયેતનામ, શ્રીલંકા અને ભારત સહિતના ઉત્પાદક દેશોએ ભાગ લીધો હતો. આમાં શ્રીલંકાનો મરીનો પાક સરેરાશ 10,000-12,000 ટનની સરખામણીમાં ત્રણ ગણો - 30,000 ટન પાક આ વર્ષે થયો હોવાનું શ્રીલંકાના સત્તાવાળાઓએ જણાવ્યું હતું. આમ છતાં ભારતીય અધિકારીઓ સરકારને આ મહત્ત્વની માહિતી પહોંચાડી નહીં.
શ્રીલંકાએ સાફટા અને આઈએસએફટીએ કરારની જોગવાઈનો ખુલ્લો ભંગ કર્યો છે અને તેનો મરીનો પાક વધ્યો હોવાથી તેને ડયૂટીના રક્ષણની કોઈ જરૂર નથી એવી રજૂઆત કોન્સોર્શિયમે વડા પ્રધાન સમક્ષ કરી હોવાનું કિશોરભાઈએ વ્યાપારને જણાવ્યું હતું. અત્યારે શ્રીલંકાના નહીં, પણ ભારતીય ખેડૂતોનાં હિતોનું રક્ષણ કરવાની જરૂર છે. શ્રીલંકા સાથેના આ કરાર હેઠળ મરીની રાહતના ડયૂટી દરે આયાત કરવાની કોઈ આવશ્યકતા નહીં હોવાનું આ સંગઠને સરકારને કહ્યું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer