પીએસયુ બૅન્કોને બેડ લોનથી રૂા. 40 હજાર કરોડનું નુકસાન

મુંબઈ, તા. 5 ડિસે.
કમર્શિયલ બૅન્કોએ જુલાઈ-સપ્ટેમ્બરમાં રૂા.35,000 કરોડની ડૂબવાપાત્ર લોન માંડી વાળતાં નાણાકીય વર્ષના પહેલા છ માસિકમાં રૂા.65,800 કરોડની કુલ લોન બૅન્કોએ માંડી વાળી છે. તેમાં પીએસયુ બૅન્કોના રૂા.40 હજાર કરોડ છે. 
રેટિંગ એજન્સી ઈક્રાના જણાવ્યા મુજબ, નોન-પરર્ફોમિંગ એસેટ (એનપીએ)નો ક્રેડિટ ખર્ચ અને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી)ના કેસોથી કવરેજ રેશિયો નાણાકીય વર્ષ-18ના અંત સુધીમાં 58-60 ટકા હશે, જે માર્ચ -17ના અંતે 44.3 ટકા હતી.
બૅન્કની ક્રેડિટ જોગવાઈ નાણાકીય વર્ષ-18ના બીજા ત્રિમાસિક ગાળામાં વધીને રૂા.64,500 કરોડ થઈ છે, જે ગત ત્રિમાસિક ગાળા કરતાં 40 ટકા અને ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની સરખામણીમાં 30 ટકા વધુ છે. એપ્રિલ-સપ્ટેમ્બર નાણાકીય વર્ષ-18માં કુલ ક્રેડિટ જોગવાઈ વાર્ષિક ધોરણે 17 ટકા વધીને રૂા.1.1 લાખ કરોડ થઈ છે. 
રૂા.3 લાખ કરોડની બેડ લોનનો નિવેડો ઈન્સોલવન્સી બૅન્કરપ્ટસી કોડ (આઈબીસી)  હેઠળ આવવાની શક્યતા છે. નાણાકીય વર્ષ-18માં એકંદર ક્રેડિટ જોગવાઈ રૂા.2.4-2.6 લાખ કરોડ હશે, જે નાણાકીય વર્ષ-17માં રૂા.2 લાખ કરોડની હતી, એમ ઈક્રાએ જણાવ્યું હતું. એનસીએલટી કેસોમાં જરૂરી જોગવાઈ વર્તમાન નાણાકીય વર્ષના બીજા છમાસિક માટે રૂા.45,000-60,000 કરોડની છે. આથી બધો બોજો જાહેર ક્ષેત્રની બૅન્કો પર આવશે.
નાણાકીય વર્ષ-18ના બીજા ત્રિમાસિક ગાળામાં સ્લિપેજ 3.9 ટકા (વાર્ષિક) હતું, જે રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાએ નાણાકીય વર્ષ-16ના ત્રીજા ત્રિમાસિકથી શરૂ કરેલી અસ્ક્યામત ગુણવત્તા સમીક્ષાથી અત્યાર સુધીની સૌથી ઓછું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer