ધિરાણ નીતિ પૂર્વે નફાતારવણીથી શૅરોમાં ઢીલાશ

વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 5 ડિસે.
શૅરબજારમાં દિવસ દરમિયાન સતત ઘટાડો જોવાયા પછી નીચા મથાળેથી થોડા સુધારા છતાં એનએસઈ ખાતે નિફટી 10 પૉઈન્ટ ઘટીને (0.09 ટકા) 10118.25 પૉઈન્ટ બંધ હતો. રિઝર્વ બૅન્કની ધિરાણ નીતિના બે દિવસની બેઠક શરૂ થવાથી સટ્ટાકીય રોકાણકારોએ મોટા પાયે નફો તારવતા ઊંચા ભાવના અગ્રણી શૅરો નોંધપાત્ર ઘટયા હતા. જોકે, બૅન્કિંગ શૅરોમાં થોડો સુધારો જણાયો હતો. બીએસઈ ખાતે સેન્સેક્ષ 67 પૉઈન્ટ ઘટીને સત્રના અંતે 32802 બંધ રહ્યો હતો. મોનેટરી પૉલિસી કમિટી ફેબ્રુઆરી, '18 સુધી વ્યાજ યથાવત્ રાખે એવી સંભાવના છે.
વૈશ્વિક રીતે મહત્ત્વપૂર્ણ બ્રિટન અને યુરોપિયન દેશોની બેઠકમાં બ્રેક્ઝિટના મુદ્દે વિચારભેદ બહાર આવવાના અહેવાલથી એશિયન બજારોમાં પણ નિરાશા હતી. જેથી સ્થાનિક બજારમાં વધુ નબળાઈના સંકેત હતા. દરમિયાન નવેમ્બર, '17નો નિક્કી/આઈએચએસ માર્કેટ સર્વિસ પીએમઆઈ અગાઉના અૉક્ટોબર મહિનાના 51.7 આંકથી ઘટીને 48.5 (નકારાત્મક) આવતા આઈટી શૅરો દબાણમાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરબીઆઈ સંભવત: વ્યાજદર વધારો ટાળશે એવી શક્યતાથી ટૂંકા ગાળા માટે શૅરબજારમાં નોંધપાત્ર અને મોટા ઉછાળાનો અભાવ રહેશે તેમ જણાય છે. વ્યાજ ઘટાડાની સ્થિતિ યથાવત્ રહેવાના સંકેતથી વાહન ક્ષેત્રના અગ્રણી શૅરોમાં ઘટાડો આગળ વધશે એમ જાણકારો માને છે.
આજે ઘટતા બજાર સામે મુખ્ય સુધરતા શૅરોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 1.11 ટકા, એસબીઆઈ 1.92 ટકા, ભારતી એરટેલ 1.18 ટકા, સનફાર્મા અને આઈસીઆઈસીઆઈ અનુક્રમે 0.52 ટકા અને 0.38 ટકા વધ્યા હતા. જ્યારે મુખ્ય ઘટનારા શૅરોમાં હીરો મોટોકોર્પ સતત બીજા દિવસના તીવ્ર ઘટાડે 2.32 ટકા ઘટયો હતો. વિપ્રો 2.29 ટકા, તાતા સ્ટીલ 1.71, ડૉ. રેડ્ડીસ લેબ અને એનટીપીસીમાં અનુક્રમે 1.61 અને 1.7 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
બજારની સ્થિતિ અંગે કોટક સિક્યુરિટીઝના ઉપપ્રમુખ સુમિત પોખરનાએ જણાવ્યું હતું કે અગાઉના વૈશ્વિક ઘટાડામાં ટકનાર સ્થાનિક શૅરબજારમાં એશિયાનાં બજારોની નબળાઈથી દબાણ આવે તે સ્વાભાવિક છે. વ્યાજદરની સ્થિતિથી કંપનીઓના સમગ્ર ખર્ચ અને ચોખ્ખા નફા પર સીધી નકારાત્મક અસર થાય છે.
વૈશ્વિક શૅરબજારની સ્થિતિ
અમેરિકામાં મોટા વેરાકાપની સંભાવના છતાં એશિયન રોકાણકારોએ આજે ટેક્નૉલૉજી શૅરોમાં વેચાણ કર્યું હોવાથી બજાર પર દબાણ છે. એશિયન પેસિફિક શૅર આધારિત એમએસસીઆઈએસ ઈન્ડેકસ (બ્રોડેકસ) ઘટયો હતો. જેમાં સેમસંગમાં 1.5 ટકાના ઘટાડાનો મુખ્ય હિસ્સો હતો. જપાનમાં ટોકિયો ઈલેકટ્રોન અને શીનેત્સુ કેમિકલમાં જંગી ઘટાડાથી જપાન ખાતે નિક્કી 0.4 ટકા ઘટયો હતો. જોકે, ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ આજે વિક્રમી ઊંચી સપાટીએ રહ્યો હતો. ટેક શૅરોમાં વેચાણ સામે ઔદ્યોગિક શૅરોમાં ખરીદી વધી છે. જેથી ડાઉ ઈન્ડસ્ટ્રીયલ 0.24 વધીને 24290 થયો હતો. સામે એસએન્ડપી-500 0.11 ટકા ઘટાડે 2639 બંધ હતો. નાસ્દાક કમ્પોઝિટ 72.22 ઘટાડે 6775 બંધ હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer