નાદારી કાયદા વિશેનો વટહુકમ નાના અને મધ્યમ સપ્લાયરો માટે આશીર્વાદરૂપ

પ્રમોટરો અદાલતની બહાર પતાવટ કરવાનું પસંદ કરે  તેવી શક્યતા  
મુંબઈ, તા. 5 ડિસે.
નાદારી કાયદામાં ગત સપ્તાહે કરાયેલા ફેરફાર ખાસ કરીને નાના અને મધ્યમ કદના સપ્લાયરો માટે મોટી કંપનીઓ પાસેથી બાકી નીકળતી રકમ વસૂલ કરવા માટે ખૂબ ઉપયોગી બની રહે તેમ છે.  
કેન્દ્ર સરકારે ગત સપ્તાહે એક વટહુકમ બહાર પાડીને જેમની લોન એક વર્ષ કરતા વધુ સમયથી એનપીએ તરીકે વર્ગીકૃત થઇ હોય તેવા પ્રમોટરોને નાદારીનો સામનો કરી રહેલી  કંપનીઓ માટે બોલી લગાવવા માટે ગેરલાયક ઠરાવ્યા હતા. આ વટહુકમને પગલે પ્રમોટરો તેમના ધંધાકીય લેણદારો સાથે અદાલતની બહાર ઘરમેળે પતાવટ કરવાનું વધુ પસંદ કરે તેવી શક્યતા છે. કંપનીઓ માટે કામ કરી રહેલા વકીલો અને વ્યાવસાયિકોનું કહેવું છે કે પોતાની કંપની ખોઈ બેસવા કરતા પ્રમોટરો લેણદારો સાથે કોઈક પ્રકારની સમજૂતી કરી લે તેવી વકી છે.  
થોડાક લાખ રૂપિયા લેણા નીકળતા હોય તેવા ધંધાકીય લેણદારોએ કંપની સામે નાદારીની અરજી નોંધાવી  હોય તેવા ઘણા કિસ્સા બન્યા છે. ગયા વર્ષના ડિસેમ્બરમાં નાદારી કાયદો અમલમાં આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં નોંધાયેલા 4500 કેસમાંથી 75 ટકા કેસો ધંધાકીય લેણદારો દ્વારા ફાઈલ થયા છે, કેમ કે આ કાયદો નિશ્ચિત સમયમર્યાદામાં તેમની ફરિયાદનો ઉકેલ લાવવાની જોગવાઈ ધરાવે છે. ઘણા કિસ્સાઓમાં ચૂકવવાપાત્ર રકમ સંબંધી વિવાદને લીધે આવી ફરિયાદો પ્રમોટરો માટે માથાના દુખાવા જેવી હોય છે. કાયદામાં થયેલા ફેરફારને પગલે જો પ્રમોટરો આવી ફરિયાદોની ઉપેક્ષા કરે અને ફરિયાદી તેમને ઈરાદાભર્યા ડિફોલ્ટર સાબિત કરી બતાવે તો પ્રમોટરે કંપની ગુમાવવાનો વારો આવે તેમ છે. 
કંપનીને નાદાર જાહેર કરવાની અરજીની નોંધણી અને તેને સ્વીકારવા વચ્ચે 14 દિવસનો ગાળો હોય છે જે પ્રમોટર અને લેણદાર બન્ને માટે મહત્ત્વનો બની રહે છે. પ્રમોટર માટે કંપની ખોઈ બેસવાની શક્યતા હોય છે તો લેણદારને પોતાની નીકળતી રકમનું માત્ર નાદારી મૂલ્ય જ મળવાની શક્યતા હોય છે. જો કંપનીને ખરેખર સમેટી લેવાય તો ધંધાકીય લેણદારોનો વારો બૅંકો અને કર્મચારીઓ પછી આવતો હોવાથી તેમને પોતાની બાકી રકમ પૂરેપૂરી મળે તેવી શક્યતા ઝાંખી હોય છે. આ સંજોગોમાં બન્ને પક્ષો એવું જોખમ વહોરવા કરતા પતાવટ કરવાનું પસંદ કરે તેવી ધારણા રાખી શકાય, એમ એક ધારાશાસ્ત્રીએ જણાવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer