તાત્કાલિક ઇમ્પોર્ટ ડયૂટી ભર્યા વગર માલ છોડાવી શકાશે

નવી દિલ્હી, તા. 5 ડિસે.
સરહદ પર ચીજોની હેરફેર ઝડપી બનાવવા કસ્ટમ ફ્રેમવર્કની પુન: રચનાના ભાગરૂપ હવે અપફ્રન્ટ ડયૂટી ચુકવણી વગર જ આયાતી ચીજવસ્તુઓ છૂટી કરી દેવાનું સરકાર વિચારી રહી છે. આથી ઉદ્યોગને મોટું પ્રોત્સાહન મળી રહેશે. અત્યારે આયાતી ચીજવસ્તુઓના ક્લિયરન્સમાં અઠવાડિયાથી વધુનો સમય લાગી જાય છે.
જીએસટી બાદનું પ્રથમ બજેટ ફેબ્રુઆરી પ્રારંભે જાહેર થશે. તેમાં બિઝનેસ માટે કસ્ટમરાજમાં છૂટછાટો આપતાં કેટલાંક પગલાંનો સમાવેશ કરાશે. આ ઉપરાંત વર્તમાન સોદાઓ માટે કરવેરાની જવાબદારી કેટલી થશે તે અગાઉથી વેપારીઓ જાણી શકશે. સરકાર કસ્ટમ એક્ટને જ નવા રૂપરંગ આપનાર છે પણ અમુક મહત્ત્વના પગલાંઓ આ બજેટમાં જ જાહેર કરી દેવાશે.
અત્યારે આયાત કરાય ત્યારે તેના પર જકાતની આકારણી થાય છે અને જકાત ચૂકવ્યા બાદ જ માલ રિલીઝ કરાય છે. હવે આ સિસ્ટમનું શિર્ષાસન કરાશે. હવે પ્રથમ માલ છૂટો કરી દેવાશે અને જકાતની જવાબદારીની આકારણી પાછળથી કરાશે.
ફીઓના ડાયરેક્ટર - જનરલ અજય સહાયએ જણાવ્યું હતું કે ઉદ્યોગ માટે આ મોટું સકારાત્મક પગલું બની રહેશે. ભારતમાં લોજીસ્ટીક કોસ્ટ 16 ટકા આવે છે. જ્યારે ડિટેન્શન-ડેમરેજનો ખર્ચ 4 ટકા જેવો આવે છે. આ ખર્ચમાં મોટી બચત થઈ જશે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer