જીએસટી બાદ સુતરાઉ કાપડ, સૂતર અને મેનમેઇડ યાર્નની આયાતમાં વધારો

જીએસટી બાદ સુતરાઉ કાપડ, સૂતર અને મેનમેઇડ યાર્નની આયાતમાં વધારો
આયાત જકાતમાં 15 ટકા જેટલો વધારો કરવાની સીટીની માગણી
નવી દિલ્હી, તા. 5 ડિસે.
1 જુલાઇથી જીએસટીના અમલ બાદ કોટન યાર્ન, મેનમેઇડ યાર્ન અને કાપડની આયાતમાં નોંધપાત્ર વધારો થયો છે, એમ કોન્ફેડરેશન અૉફ ઇન્ડિયન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ (સીટી)એ જણાવ્યું છે.
બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ધરાવતા (એફટીએ) રાષ્ટ્રોમાંથી થતી સસ્તી આયાત સામે સ્થાનિક ઉદ્યોગનું રક્ષણ કરવા મેન મેઇડ ફાઇબર-યાર્ન, સુતરાઉ કાપડ, મેનમેઇડ કાપડ પરની આયાત જકાતમાં 15 ટકા જેટલો વધારો કરવાની માગણી સીટીએ કરી છે.
સીટીના આંકડા અન્વયે જુલાઈ, અૉગસ્ટ અને અૉક્ટોબરમાં આયાત વધી હતી જ્યારે સપ્ટેમ્બરના આંકડાઓ મળતા નથી. 
ભારતની એમએમએફ યાર્નની આયાત જુલાઈ '17માં વધી 149.7 લાખ ડૉલરની થઈ છે જે જુલાઈ '16માં 89.2 લાખ ડૉલરની હતી. સુતરાઉ કાપડની આયાત જુલાઈ '17માં વધી 128.1 લાખ ડૉલરની થઈ છે જે જુલાઈ '16માં 88.4 લાખ ડૉલરની હતી. મેનમેઇડ ફાઇબરના કાપડની આયાત જુલાઈ '17માં વધી 82.7 લાખ ડૉલરની થઈ છે જે જુલાઈ '16માં 63.6 લાખ ડૉલરની હતી. અૉગસ્ટમાં પણ આવી જ પરિસ્થિતિ હતી.
ટેક્સ્ટાઇલ યાર્ન, કાપડ અને મેઇડઅપ્સ જણસોની કુલ આયાત આ વર્ષના અૉક્ટોબરમાં વધી 15.39 કરોડ ડૉલરની થઈ છે જે ગયા વર્ષના અૉક્ટોબર માસમાં 13.73 કરોડ ડૉલરની હતી.
આયાતના ડમ્પિંગની જાણ સરકારને છે. આથી સરકારે તાજેતરમાં મેનમેઇડ ફાઇબરના કાપડ પરની આયાત જકાત 10 ટકાથી વધારી 20 ટકા કરી છે. આમ છતાં એમએમએફ યાર્ન અને સુતરાઉ કાપડ પરની આયાત જકાત જૂના દરે જ ચાલુ રહી છે.
ચીનમાં બનેલું કાપડ બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા દેશો મારફત ભારતમાં ઠલવાય છે. ભારત જોડે શ્રીલંકા અને બાંગ્લાદેશના એફટીએ કરાર છે. આથી સરકારે રુલ્સ અૉફ ઓરિજિન જેવી સેફગાર્ડ માર્ગદર્શિકા કડક બનાવવી જાઇએ એવો મત સીટીએ વ્યક્ત કર્યો છે.
જીએસટી પહેલાં ટેક્સ્ટાઇલ પ્રોડક્ટ્સની આયાત પર બેઝીક કસ્ટમ ડયૂટી (બીસીડી), કાઉન્ટરવેલિંગ ડયૂટી (સીવીડી) અને સ્પેશિયલ એડિશનલ ડયૂટી (સેડ) લાગુ પડતી હતી. જીએસટી બાદ સીવીડી અને `સેડ' નાબૂદ થઈ ગઈ છે અને આઈજીએસટી દાખલ કરવામાં આવી છે.
આથી ચીન, ઇન્ડોનેશિયા, થાઈલૅન્ડ, નોર્થ કોરિયાથી સસ્તી આયાત ઘણી વધી ગઈ છે. આ દેશોમાં કાપડ ઉદ્યોગને ભારે સબસિડી આપવામાં આવે છે કે જેથી વૈશ્વિક વેપારમાં તેમનો બજાર હિસ્સો વધી શકે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer