જીએસટી હેઠળ મહેસૂલી આવક વધારવાના વિકલ્પો વિચારવા શનિવારે બેઠક

જીએસટી હેઠળ મહેસૂલી આવક વધારવાના વિકલ્પો વિચારવા શનિવારે બેઠક
નવી દિલ્હી, તા. 5 ડિસે.

કેન્દ્ર અને રાજ્યોના ટૅક્સ અધિકારીઓ તા. 9 ડિસેમ્બરે દિલ્હીમાં મળશે અને તેઓ જીએસટીમાંથી આવક વધારવાના પગલાં અંગે વિચારણા કરશે અને કોમ્પ્લાયન્સ વધારવાના પગલાં પણ વિચારશે.

કેન્દ્રીય ફાઇનાન્સ સેક્રેટરી હસમુખ અઢિયાએ બોલાવેલી આ મિટિંગમાં આવકના છીંડા બંધ કરવાના પગલાં પણ વિચારાશે. વધુ મધ્યમ કદના બિઝનેસમૅનો કાયદાનું પાલન કરે અને સમયસર ટૅક્સ ચૂકવે એ માટે તેમને પ્રોત્સાહન આપવાનું વિચારાશે.

તા. 1 જુલાઈથી જીએસટી અમલી બન્યાના પાંચ મહિના બાદ આ હિલચાલ શરૂ થઈ છે.

જીએસટી કાઉન્સીલ જાન્યુઆરીમાં મળશે ત્યારે તેની સમક્ષમાં મુદ્દાઓની રજૂઆત કરાશે.

જીએસટી હેઠળ ટૅક્સ સ્લીપે જ તાજેતરના મહિનાઓમાં ઘટેલ છે અને આગામી થોડાક મહિનાઓમાં સ્થિરતા આવી જવાની શક્યતા છે.

વિહારના નાયબ મુખ્ય પ્રધાન સુશીલ મોદીએ જણાવ્યું હતું કે બધાં રાજ્યોની સરેરાશ રેવન્યુ ખાધ અૉગસ્ટમાં જે 28.4 ટકા હતી તે ઘટી અૉક્ટોબરમાં 17.6 ટકા થઈ છે. આમ છતાં તાજેતરમાં 200 આઇટમો પરનો જીએસટી દર ઘટવાથી વાર્ષિક રૂા. 20,000 કરોડની રેવન્યુ ખોટ જવાની શક્યતા છે.

જીએસટી વસૂલાત સપ્ટેમ્બરમાં જે રૂા. 92,000 કરોડની થઈ હતી તે ઘટી અૉક્ટોબરમાં રૂા. 83,346 કરોડ થઈ છે.

અૉગસ્ટ અને અૉક્ટોબર વચ્ચે કેન્દ્રનો જીએસટી હિસ્સો રૂા. 58,556 કરોડ થયો છે. જ્યારે રાજ્ય જીએસટીનો હિસ્સો રૂા. 87,238 કરોડ થયો છે. કેન્દ્ર સરકાર 2017-18 માટે રાજકોષીય ખાધનો લક્ષ્યાંક 3.2 ટકા રાખવા ગામની હોવાથી કેન્દ્રનું ફાઇનાન્સ દબાણ હેઠળ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer