આસામ ચાના ભાવ કડક રહેશે

આસામ ચાના ભાવ કડક રહેશે
વિશ્વ બજારમાં નિકાસકારો માટે સાનુકૂળ સ્થિતિ

આસામ, તા. 5 ડિસે.

દેશમાં ચાના ઉત્પાદનમાં 50 ટકા હિસ્સો ધરાવતાં આસામમાં આ વર્ષે ચાનું ઉત્પાદન વર્ષ 2016 કરતાં પાંચ ટકા ઓછું આવવાની શક્યતા હોવાથી આગામી મહિનાઓમાં ભાવ વધવાની સંભાવના છે.

ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ચાના ભાવ મજબૂત રહેવાની અપેક્ષા રેટિંગ એજન્સી ઇકરાએ વ્યક્ત કરી છે. કેનિયામાં પણ ચાનું ઉત્પાદન ઘટયું હોવાથી વિશ્વ બજારમાં ચાનો પુરવઠો ઘટશે. આનો લાભ ભારતીય નિકાસકારોને મળશે.

ટી બોર્ડ અૉફ ઇન્ડિયાએ જણાવ્યું કે દેશમાં સપ્ટેમ્બરમાં ચાનું નોંધપાત્ર ઉત્પાદન ઘટયું પરંતુ આસામમાં ચાના પાંદડા ચૂંટવાની પ્રવૃત્તિ સારી રહેતા અૉક્ટોબરમાં ગયા વર્ષની સરખામણીએ 17.31 ટકા વધીને 1773.2 લાખ કિ.ગ્રા. થયું છે.

આસામમાં અૉક્ટોબર મહિનામાં ચાનું 1005.5 લાખ કિ.ગ્રા. ઉત્પાદન થયું હતું,  જે ગયા વર્ષના સમાન સમય કરતાં 13.8 ટકા  વધારે છે.

ટી બોર્ડના જણાવવા મુજબ ઉત્તર ભારતમાં ઉત્પાદન સપ્ટેમ્બરમાં 420 લાખ કિ.ગ્રા. જેટલું ઘટયું હતું. આસામ સિવાય ડુર્સ અને બંગાળના અન્ય પ્રાંતમાં પણ પ્રતિકૂળ હવામાનને લીધે લગભગ 90 લાખ કિ.ગ્રા. ઉત્પાદન ઘટયું હતું. આ વર્ષે જાન્યુઆરીથી અૉક્ટોબર સુધીમાં 10,899 લાખ કિ.ગ્રા. ચાનું ઉત્પાદન થયું છે જે અગાઉના વર્ષ કરતાં 1.5 ટકા વધારે છે.

ગયા વર્ષે આસામ અને બંગાળમાં 10545.10 લાખ કિ.ગ્રા. સહિત દેશમાં 12673.60 લાખ કિ.ગ્રા. ચાનું ઉત્પાદન થયું હતું.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer