ચીનની આઠ કંપનીઓ સામે એન્ટિ-ડમ્પિંગ ડયુટી કેસમાં મોરબીની જીત

ચીનની આઠ કંપનીઓ સામે એન્ટિ-ડમ્પિંગ ડયુટી કેસમાં મોરબીની જીત
મોરબી સિરામિક ઉદ્યોગની ચીનને લપડાક

દક્ષિણ ભારતનાં રાજ્યોમાં હવે ચીનનો સસ્તો માલ નહીં આવે

મોરબી, તા. 5 ડિસે.

ઝીરો એન્ટી ડમ્પીંગ ડયુટીનો લાભ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે હરીફાઈ કરી રહેલા ચીનને જોરદાર લપડાક ખાવી પડી છે, સિરામિક એસો.દ્વારા હાઇકોર્ટમાં કરેલી રીટ સામે ચીન ટ્રીબ્યુનલમાં ગયું હતું જ્યાં આઠે-આઠ અરજીઓ કાઢી નાંખવામાં આવતા હવે મોરબીના સિરામિક ઉત્પાદકોને દક્ષિણ ભારતનાં વેપારમાં ફાયદો મળશે.

મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા ટાઇલ્સ અને સેનેટરીવેર્સનું ક્વોલિટી ઉત્પાદન કરી વિશ્વભરમાં નિકાસ કરવામાં આવે છે. ભારતના ડાયરેકટર ઓફ એન્ટી ડમ્પીંગ ડયુટી દ્વારા ચીનની આઠ કંપનીઓને ઝીરો ટકા એન્ટી ડમ્પીંગ ડયુટીનો લાભ આપવામાં આવતા મોરબીના સિરામિક ઉદ્યોગને વ્યાપક નુકસાન થયું હતું.

ચીનની આઠ પેઢીઓને ઝીરો ડમ્પીંગ ડયુટીનો લાભ મળતાં કંપનીઓ મોરબીની સરખામણીએ સસ્તા દરે ટાઇલ્સ વેચાણ કરતી હતી. ભારતમાં જ્યાં મુખ્ય ખપત છે તેવા દક્ષિણના રાજ્યોમાં મોરબીના વેપાર ભાંગી ગયા હતા અને અંદાજે 40% વેપારને અસર પહોંચી હોવાનું મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ કે.જી. કુંડારીયાએ જણાવ્યું હતું.

કુંડારીયાએ ઉમેર્યું હતું કે, જે ચીની કંપનીઓને આપવામાં આવેલા આ લાભ મામલે મોરબી સિરામિક એસોસિએશન દ્વારા હાઇકોર્ટેમાં રીટ પિટિશન દાખલ કરવામાં આવી હતી જેની સામે ચીનનાં ઉદ્યોગકારો ટ્રીબ્યુનલમાં ગયાં હતાં.

દરમિયાન ટ્રીબ્યુનલ ડાયરેકટર ઓફ એન્ટી ડમ્પીંગ ડયુટી દ્વારા ચીનને આપવામાં આવેલા ઝીરો ટકા લાભને અયોગ્ય ગણાવી આઠે-આઠના અરજીઓ રદ કરી નાખવામાં આવી છે.

નોંધનીય છે કે ચીનની નીતિઓથી અમેરિકા પણ નારાજ છે અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ચાઇનની સિરામિક પ્રોડકટ પર એન્ટી ડમ્પીંગ ડયુટી નાખવા નક્કી કર્યું હોય ચીનને બેવડો માર પડયો છે.

ઝીરો ટકા એન્ટી ડમ્પીંગ ડયુટીના લાભની સાથે-સાથે ચાઇના દરિયાઈ માર્ગે દક્ષિણ ભારતમાં બેહિસાબ માલ ઠાલવતું હતું પરિણામે મોટા ભાગના ખરીદદારો ચાઇનાનો સસ્તો માલ ખરીદતા હતા પરંતુ હવે ટ્રીબ્યુનલમાં ચાઇનાને લપડાક મળતાં મોરબીના સિરામિક ઉદ્યોગકારોને મોટો ફાયદો મળશે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer