સોનામાં માગ વધતાં ડિસ્કાઉન્ટ ઘટયું

સોનામાં માગ વધતાં ડિસ્કાઉન્ટ ઘટયું
સોનામાં નીચા ભાવે ખરીદી વધી

કોલકાતા, તા.5 ડિસે.

સોના ઉપરનું ડિસ્કાઉન્ટ નવેમ્બરમાં પ્રતિ ટ્રોય ઔંસ 4-5 ડૉલર ઘટાડીને 1 ડૉલર થયું છે, જે માગ વધતી હોવાનો સંકેત છે. મંગળવારે મુંબઈના ઝવેરી બજારમાં સોનું પ્રતિ 10 ગ્રામ રૂા.29,245ની રેન્જમાં હતું. છેલ્લા દસ દિવસમાં સોનાના ભાવ બે ટકા જેટલા ઘટતાં મુખ્ય શહેરોમાં સોનાની ખરીદીએ જોર પકડયું હોવાનું બુલિયનના વેપારીઓએ કહ્યું હતું.  

મોટાં શહેરોમાં સોનાની માગ વધી છે પરંતુ મધ્ય અને નાનાં શહેરોમાં હજી માગ નીકળી નથી. જીએસટીની અસર પચાવાઈ જાય એ પછી આ શહેરોની પણ માગ વધશે, એમ ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ટ્રેડ ફેડરેશન (જીજેએફ)ના ચૅરમૅન નીતિન ખંડેલવાલે જણાવ્યું હતું. 

વેપારીઓનું કહેવું છે કે ઘણા લોકો શૅરબજારમાં નફો બૂક કરીને હાલ સોનામાં રોકાણ કરી રહ્યા છે. 

બજારમાં વિશ્વાસ પાછો ફરી રહ્યો છે, એમ કોટક મહિન્દ્રા બૅન્કના ગ્લોબલ ટ્રાન્ઝેક્શન ( બૅન્કિંગ એન્ડ પ્રેશિયસ મેટલ્સ)ના વડા શેખર ભંડેરીએ જણાવ્યું હતું. શૅરબજારોના રોકાણકારો પણ સોનાને રોકાણનાં સાધન તરીકે જોઈ રહ્યા છે. લાંબા ગાળા માટે સોનાનો ભાવ આકર્ષક છે.

માગ વધી છતાં વર્ષ 2017માં ભારતમાં સોનાની માગ આઠ વર્ષના તળીયે જવાની શક્યતા છે. સોનાની માગ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે 24 ટકા ઘટીને 145.9 ટન થઈ છે. વિશ્લેષકોનું કહેવું છે કે, જીએસટી અને એન્ટિ-મની લોન્ડરિંગ નિયમને લીધે રિટેલ જ્વેલરીના વ્યવહાર ઘટયા છે. 

સપ્ટેમ્બર અંતમાં એન્ટિ-મની લોન્ડરિંગને પાછુ ખેંચવામાં આવ્યું હતું. સેનેટે કર માળખામાં ફેરફારના બિલને પાસ કરતાં અમેરિકા અર્થતંત્ર વિસ્તાર પામવાની ધારણાએ ડૉલર મજબૂત બનતાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer