તાતા ગ્રુપ ટાવરના સંયુક્ત સાહસમાંથી નીકળવા ઈચ્છે છે

તાતા ગ્રુપ ટાવરના સંયુક્ત સાહસમાંથી નીકળવા ઈચ્છે છે
એટીસી સાથેના ટાવર બિઝનેસનો સંપૂર્ણ 26 ટકા હિસ્સો વેચશે

મુંબઈ, તા.5 ડિસે.

ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રકચરમાં રોકાણ કરવાની જવાબદારી નિભાવવા માટે તાતા ટેલિસર્વિસીસ (ટીટીએસએલ)  બહુમતી શૅરહોલ્ડર અમેરિકન ટાવર કોર્પ (એટીસી)ને સ્થાનિક ટાવર બિઝનેસમાંના સંયુક્ત સાહસનું 26 ટકા શૅરહોલ્ડિંગ વેચશે, જેથી તેણે ભાડું ન ભરવું પડે. મોબાઈલ સર્વિસીસ બિઝનેસમાંથી નીકળી ગયા પછી તાતા ગ્રુપે આ પગલું ભર્યું છે.

તાતા જૂથે વેચવા ધારેલા શૅરહોલ્ડિંગનું મૂલ્ય રૂા.5000 કરોડનું છે, જ્યારે કરાર વહેલા સમાપ્ત કરવાનો દંડ રૂા.7000 કરોડનો છે. હજી એ સ્પષ્ટ થયું નથી કે તાતા આ ખાધને પૂરવા માટે વધારાની રોકડ ઓફર કરશે કે નહીં, એમ સૂત્રોએ જણાવ્યું હતું. ટીટીએસએલે એટીસીને જણાવ્યું છે કે તે એટીસી ઈન્ડિયા અને તેના એકમ વ્યોમ નેટવર્ક સાથેના 30,000 ટાવર ભાડે રાખવાના કરારનો અંત આણશે. ટીટીએસએલ વ્યોમ નેટવર્ક સાથેના છ વર્ષ માટે 25,000 ટાવરના કરાર ધરાવે છે, જ્યારે એટીસી ઈન્ડિયા નેટવર્ક સાથે તેને 5000 ટાવરના ત્રણ વર્ષ માટેના કરાર છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. 

એટીસીએ અૉક્ટોબર મહિનામાં તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, તેની પોપર્ટીમાંથી થતી કુલ આવકમાં ટીટીએસએલનો હિસ્સો 8 કરોડ ડૉલર (પાંચ ટકા) છે, જેમાં 3.2 કરોડ ડૉલરની આવક જૂન ત્રિમાસિકમાં થઈ હતી. ત્રિમાસિકમાં ટીટીએસએલનું ગ્રોસ માર્જિન ચાર કરોડ ડૉલર જેટલું છે. 

તાતા ટેલિસર્વિસીસ સાથેનો બાકી રહેતો નોન-કેન્સલેબલ કોન્ટ્રેક્ટ છ વર્ષથી વધુ સમયનો છે, એમ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. અમેરિકન ટાવર કોન્ટ્રેક્ટની મદતને પુરી કરવા માગે છે તેમ જ વ્યોમ ટ્રાન્ઝેક્શન સહિતની કરારની અન્ય જોગવાઈઓ પણ પૂરી કરવા માગે છે.  તાતા ગ્રુપે પહેલા જ આ બાબતના સંકેત આપ્યા હતા અને ભારતી એરટેલ ટેલિકોમ, જે બિઝનેસ ખરીદી રહી છે તે ટાવરોનું મૂલ્યાંકન કરે તેની રાહ જોતું હતું અને તેને કેટલાંક ટાવરો રાખવાં છે કે નહીં તે જાણવા માગતું હતું એમ સૂત્રોએ જણાવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer