...તો ઓએનજીસી પાસે માત્ર કંગાળ ક્ષેત્રો જ રહી જશે

...તો ઓએનજીસી પાસે માત્ર કંગાળ ક્ષેત્રો જ રહી જશે
નવી દિલ્હી, તા. 5 ડિસે.

સરકાર હસ્તકની ઓએનજીસીનાં 11 તેલ ક્ષેત્રોનું ખાનગીકરણ કરવાના ડીજીએચ (ડિરેક્ટરેટ જનરલ અૉફ હાઈડ્રોકાર્બન્સ)ના પ્રસ્તાવનો અમલ થશે તો ઓએનજીસીનાં કસદાર ક્ષેત્રો તેની પાસેથી ઝૂંટવાઈ જશે અને જેમનો કાર્યકાળ પૂરો થવા આવ્યો હોય તેવા જૂના કૂવાઓ જ તેની પાસે રહી જશે. પછી તેણે નવેસરથી ક્ષેત્રો શોધવાં પડશે જેમાં તાતિંગ રોકાણની જરૂર પડશે.  

નાઈજિરિયા, મેક્સિકો, ઇરાક અને ઇજિપ્તના દાખલાઓથી પ્રેરાયેલા આ પ્રસ્તાવથી ઓએનજીસીનો ટેક્નિકલ અને વૈજ્ઞાનિક સ્ટાફ નાહિંમત થઇ ગયો છે અને તેણે પોતાના સંગઠન મારફત વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દરમિયાનગિરી કરીને આ હિલચાલ રોકી દેવા જણાવ્યું છે. ઓએનજીસીના વર્તમાન તેમ જ નિવૃત્ત અધિકારીઓએ આ પ્રસ્તાવને વખોડી કાઢ્યો હતો અને ધ્યાન દોર્યું હતું કે ઉપરોક્ત દેશોમાં તેલ વિદેશી કંપનીઓએ શોધ્યું હતું, જયારે ભારતમાં તેલની શોધ ઓએનજીસીએ કરી હતી અને જે સમયે વિદેશી કંપનીઓ ભારત સામે જોવા પણ તૈયાર નહોતી તેવા સમયે સરકારે આપેલા જમીનના ટુકડાઓમાંથી તેલનું ઉત્પાદન શરૂ કર્યું હતું. નોમિનેશન ફિલ્ડઝ તરીકે ઓળખાતાં આ ક્ષેત્રો ભારતના તેલના ઉત્પાદનમાં 69 ટકા અને ગૅસના ઉત્પાદનમાં 75 ટકા જેવો જબ્બર ફાળો આપે છે.   

`ત્રીસ વર્ષ જૂના તેલ ક્ષેત્રો જાળવી રાખે અને તેમને ફરીથી ચેતનવાન બનાવે એવી દુનિયાની ગણીગાંઠી કંપનીઓમાં ઓએનજીસી એક છે. ખાનગીકરણને વેગ આપવાની ધગશમાં ડીજીએચ ખાનગી ક્ષેત્રની નિષ્ફ્ળતાઓ સામે આંખ આડા કાન કરી રહ્યું છે. રિલાયન્સનાં  કેજી બેઝિનમાં આવેલ ગૅસક્ષેત્રમાં બીપી જેવો ભાગીદાર હોવા છતાં માત્ર એક દસકામાં ઉત્પાદન દસમા ભાગનું થઇ ગયું છે તે વિષે ડીજીએચ શું કહે છે? કેઈર્ન ઇન્ડિયાના બારમેર ખાતેના બ્લોકમાં 2015-16માં ઉત્પાદન 4 ટકા ઘટી ગયું હતું તેનું શું?' એવો સવાલ એક અધિકારીએ કર્યો હતો.  

તમામ અધિકારીઓ ટેક્નિકલ સહયોગ માટે તૈયાર હતા. `ડીજીએચ પોતે જ કબૂલ કરે છે કે સરકારનો તેલ અને ગૅસનું ઉત્પાદન વધારવાનો ઉદ્દેશ ક્ષેત્રોની માલિકી બીજાને સોંપ્યા વગર નવી ટૅક્નોલૉજી દાખલ કરીને  સિદ્ધ કરી શકાય તેમ છે. તો પછી ખાનગીકરણ માટેનો આ આગ્રહ શા માટે?' એમ તેમણે પૂછ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer