`ઓખી''ની ઝપટમાં ગુજરાતના વેપાર- ઉદ્યોગો, ખેતી અને ચૂંટણીપ્રચાર

`ઓખી''ની ઝપટમાં ગુજરાતના વેપાર- ઉદ્યોગો, ખેતી અને ચૂંટણીપ્રચાર
વ્યાપાર ટીમ

રાજકોટ, સુરત,

મુંબઈ, તા. 5 ડિસે.

 મહારાષ્ટ્રને સ્પર્શી ગુજરાત પહોંચેલા ઓખી ચક્રવાતની અસર રવી પાક, ટેક્સ્ટાઈલ,  હીરા બજાર અને વિધાનસભાની ચૂંટણીના પ્રચાર ઉપર પડી છે. મુંબઈમાં સોમવાર સાંજથી શરૂ થયેલો વરસાદ બુધવાર સુધી ચાલુ રહે તેવી આગાહી છે. ભારે પવન સાથે વરસાદના કારણે શહેરમાં જનજીવનને માઠી અસર પડી હતી. ઓખી વાવાઝોડાથી સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને જીરું-ધાણાના પાકને નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે.  સુરતના ટેક્સ્ટાઈલ ઉદ્યોગના અનેક કર્મચારીઓ ચૂંટણી કાર્યમાં વ્યસ્ત હોવા સાથે ઓખીની અસરથી આવતી કાલે રજા જાહેર કરવાથી આ ઉદ્યોગને માઠી અસર થવાનો અંદેશો છે.

જીરું - ધાણાના પાકમાં જોખમ : ચણા - ઘઉંને લાભ

ઓખી વાવાઝોડું ધસમસતું ગુજરાતના કાંઠાળ વિસ્તારો સુધી પહોંચી ચૂક્યું છે ત્યારે તંત્ર સાબદું થઇ ગયું છે. જોકે, ખેડૂતોની હાલત કફોડી થઇ ગઇ છે કારણકે મહામહેનતે પકવેલા પાક પર જોખમ ઊભું થયું છે. માર્કેટિંગ યાર્ડોમાં મોટે ભાગે જણસીઓ સલામત સ્થળે ખસેડી લેવામાં આવી છે. જોકે, રાજકોટ યાર્ડ રાજ્યમાં સૌથી મોટું ગણાય છે ત્યાં યાર્ડે ખેડૂતો - વેપારીઓને માલ સગેવગે કરી લેવાનું કહીને હાથ ખંખેરી લીધા છે. ખુલ્લામાં આજે કેટલોક માલ પલળી પણ ગયો હતો. સૌથી વધારે નુક્સાન તો રવી પાકના વાવેતરને થવાની શક્યતા ઉપસ્થિત થઇ છે. કપાસમાં પણ ત્રીજી વીણીનો સમય છે ત્યારે પાકને નુક્સાની પહોંચી શકે છે. જોકે, ઘઉં અને ચણાના પાકને માવઠાથી ફાયદો મળશે.

રવી પાકનું વાવેતર ગુજરાતમાં જોરશોરથી થઇ રહ્યું છે. જોકે, સૌથી વધારે જોખમ જીરું અને ધાણા જેવી સેન્સિટિવ કૉમોડિટીઝ માટે ઉપસ્થિત થયું છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં સવારથી ધીમો ક્યારેક ઝડપી પણ એકંદરે ઝરમરીયો વરસાદ પડવા લાગ્યો છે. મોડી રાત્રે કે બુધવારે વરસાદનું જોર વધે તો જીરુંના વાવેતરને નુક્સાન થઇ શકે છે. જીરુંના વાવેતરમાં ઘણા વિસ્તારોમાં છોડ ચારથી છ ઇંચ સુધી જમીનની બહાર આવી ગયા છે તેમ રાજકોટ નજીકના નારણકા ગામના એક ખેડૂતે કહ્યું હતું.

જીરુંમાં કાળિયો અને ધાણામાં સુકારો આવી શકે છે તેવું આ ખેડૂતે કહ્યું હતું. જોકે, નુક્સાની કેવી અને કેટલી થશે તે અંગેનો ક્યાસ વાતાવરણમાં ઉઘાડ નીકળે અને તડકો પડે પછી જ કાઢી શકાય તેમ છે. ડુંગળીનો પાક જે વિસ્તારમાં ઊગીને બહાર આવી ગયો છે ત્યાં માલ દાગી થઇ જવાનું જોખમ છે.  લસણનાં પાનની ટોચ સુકાઇ જાય એવું બની શકે છે. ચાલુ વર્ષે લસણનું વાવેતર સૌરાષ્ટ્રમાં મોટા પાયે થયું છે. એ જ રીતે જીરુંના વાવેતર પણ બહોળાં છે.

કપાસનો પાક હજુ સૌરાષ્ટ્રનાં તમામ ખેતરોમાં ઊભો છે. ત્રીજી વીણીનો સમય થઇ ગયો છે ત્યારે વરસાદ પડવાથી કપાસ ખૂલી ગયો હોય અને વીણવાનો બાકી હોય તે ભેજવાળો થતાં ગુણવત્તાને અસર થશે. જોકે, વરસાદથી નુક્સાન થાય એવું નથી. ચણા અને ઘઉંના પાક માટે વરસાદ આશીર્વાદ સમાન છે, કારણકે બન્ને પાક માટે વરસાદ પિયતની ગરજ સારશે. દક્ષિણ ગુજરાતમાં શેરડીના પાકને પણ લાભ મળશે.

સુરત કાપડ માર્કેટના ટર્નઓવરને માઠી અસર

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લીધે રાજકીય નેતાઓ એકલા જ પ્રચારમાં વ્યસ્ત નથી. અલગ - અલગ રાજકીય પક્ષોના કાર્યકર્તાઓની વ્યસ્તતાને કારણે કાપડઉદ્યોગને પણ અસર પહોંચી છે. શહેરના કાપડઉદ્યોગની વાત છે ત્યાં સુધી વેપારીઓને કોઈને કોઈ રાજકીય પક્ષોના સમર્થકો કે કાર્યકર્તાઓ હોવાના કારણે ફરજિયાત રેલીઓ કે સભાઓમાં ઉપસ્થિત રહેવું પડે છે, જેના કારણે ધંધાને અસર પડી રહી છે. તો બીજી તરફ છેલ્લા બે દિવસથી કેરળ અને તામિલનાડુને ધમરોળ્યા બાદ ગુજરાત સુધી પહોંચેલા ઓખી વાવાઝોડાએ સુરતના કાપડઉદ્યોગના દૈનિક ટર્નઓવરને ભારે અસર પહોંચાડી છે.  

હવામાન ખાતાની આગાહી બાદ તંત્ર સાબદું બન્યું છે. આજે ભાજપ અને કૉંગ્રેસ બન્નેએ તેઓના નેતાઓની જાહેરસભા અને રેલીઓ રદ કરી હતી. એનડીઆરએફની ટીમોને નવસારી, વલસાડ અને સુરતમાં રવાના કરવામાં આવી છે. હજીરા વિસ્તારમાં 900 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને કેટલાક વિસ્તારમાં ગેસનો પુરવઠો પણ સલામતીના ભાગરૂપે બંધ કરાયો છે. 

જીએસટીના કારણે આમ પણ સુરતના કાપડઉદ્યોગના ટર્નઓવરને અસર પહોંચી છે. દૈનિક ટર્નઓવર રૂા. 120 કરોડથી ઘટીને રૂા. 70 થી 80 કરોડની આસપાસ પહોંચ્યું છે. જોકે, છેલ્લા પંદર દિવસથી રાજ્યભરમાં ચૂંટણીપ્રચાર તેની ચરમસીમાએ પહોંચ્યો હોવાથી બહારગામથી આવતા વેપારીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે.  

ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિયેશન(ફોસ્ટા)ના પૂર્વપ્રમુખ દેવકિશન મંઘાણીએ કહ્યું હતું કે, જીએસટી લાગુ થયા બાદથી કાપડઉદ્યોગની પરિસ્થિતિ બગડી છે.  ચૂંટણીપ્રચારના કારણે કાપડઉદ્યોગને અસર પહોંચી છે, વળી તેમાં ઓખી વાવાઝોડાના ભયે તેમાં ઉમેરો કર્યો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer