રૂના વેપારીઓ નિકાસ અૉર્ડરો કેન્સલ કરી રહ્યા છે

રૂના ભાવ વધ્યા, રૂપિયો મજબૂત થયો
મુંબઈ, તા. 12 જાન્યુ.
દેશના રૂના વેપારીઓએ ચાર લાખ ગાંસડીઓના નિકાસ કૉન્ટ્રાક્ટ કેન્સલ કર્યા છે. બજારમાં રૂના ભાવો વધી જવાથી અને ભારતીય રૂપિયો મજબૂત થવાથી તેમને નિકાસમાં આકર્ષણ રહ્યું નથી.
બાંગ્લાદેશ, વિયેટનામ, ચીનના આયાતકારોએ આ ખાધ પૂરવા યુનાઇટેડ સ્ટેટસ, અૉસ્ટ્રેલિયા, બ્રાઝીલથી રૂ આયાત કરવાના પ્રયત્નો શરૂ કર્યા છે, એમ કૉટન ઍસોસિયેશન અૉફ ઇન્ડિયાના પ્રમુખ અતુલ ગણાત્રાએ જણાવ્યું હતું.
વિશ્વમાં રૂનો સૌથી મોટો ઉત્પાદક દેશ ભારત છે પણ ગુલાબી ઇચળના ઉપદ્રવથી છેલ્લાં 6 સપ્તાહમાં રૂના ભાવો 15 ટકાથી ઉપર વધ્યા છે.
આ કેન્સેલેશન અને રૂના ઊંચા સ્થાનિક ભાવોથી 2017-18 માર્કેટિંગ વર્ષમાં રૂની નિકાસ ઘટી 50 લાખ ગાંસડી (170 કિલોની એક ગાંસડી) રહેશે જે લગભગ 25 ટકાનો ઘટાડો દર્શાવશે.
ટોપ નિકાસકાર યુએસમાં ગત વર્ષે હરીકેન વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો હતો. આથી ભારતીય વેપારીઓને ભરપૂર નિકાસ કૉન્ટ્રાક્ટ મળ્યા હતા. 1 અૉક્ટોબરથી ભારતીય વેપારીઓએ કરેલા 25 લાખ ગાંસડીના સોદામાંથી 15 લાખ ગાંસડીના શિપમેન્ટ કરી દીધા છે. ગત વર્ષે ભારતે 58 લાખ ગાંસડીની નિકાસ કરી હતી.
ભારતના વેપારીઓ એશિયન ગ્રાહકોને પૌંડદીઠ 87 સેન્ટના ભાવે (કોસ્ટ વીમો અને ફ્રેઇટ સહિત) વેચાણ કરે છે જે ભાવ હરીફ સપ્લાયર યુએસ કરતાં 4 ટકા વધુ છે.
ભારતીય રૂનો સૌથી મોટો ગ્રાહક બાંગ્લાદેશ છે. ભારતના સ્પર્ધાત્મક ભાવ અને નીચી ફ્રેઇટ કોસ્ટ બાંગ્લાદેશને આકર્ષે છે.
યુએસએ આ સિઝનમાં અત્યાર સુધીમાં બાંગ્લાદેશને 678720 ગાંસડીઓ જેટલું રૂ વેચ્યું છે જે એકાદ વર્ષ પૂર્વેના વેચાણથી બમણાથી વધુ જથ્થો દર્શાવે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer