પ્રીમિયમ કૉટન શર્ટિંગમાં વિદેશી બ્રાન્ડોનું આકર્ષણ વધ્યું : યાર્ન ડાઈડ શર્ટિંગ્સમાં વેચવાલી

કમૂરતાં પૂરાં થયે ઘરાકીનો આશાવાદ
વીતેલા સપ્તાહ દરમિયાન આડીમાસ, કમુરતાં, નોર્થમાં તીવ્ર ઠંડી, સાઉથમાં પોંગોલ વેકેશન, તીવ્ર નાણાભીડ થકી મુંબઈ કાપડ બજારમાં ઘરાકી સુસ્ત રહેલ છે. કાચી સામગ્રીના ભાવ વધ્યા હોવાથી વીવર્સો ગ્રે કાપડના ઊંચા ભાવ કવોટ કરે છે, પણ ઊંચા ભાવે ઘરાકીમાં રુકાવટ રહે છે. હવે સોમવારથી ઘરાકી ચાલવાની આશા છે, પણ તા. 1 ફેબ્રુઆરીએ બજેટ અને ઈ-વે બિલ શરૂ થવાથી ઘરાકી પાંગળી જ રહેશે. ઈ-વે બિલના કારણે બે નંબરના કામકાજ બંધ થઈ જવાની શક્યતા છે અને ઈ-વે બિલની પ્રક્રિયાના કારણે એકાદ-દોઢ મહિનો ધંધામાં રુકાવટ રહેશે એમ મનાય છે.
શૅરબજારમાં તેજી જેમ જેમ વધતી જશે તેમ કાપડ બજારમાં નાણાભીડ વધતી જશે. માર્કેટનાં પેમેન્ટનાં ધારાધોરણ વધુ ખરાબ થઈ ગયાં છે. મુંબઈના પેમેન્ટ હજી સમયસર કે બે-ચાર દિવસ આઘાપાછા થઈ આવી જાય છે. અમદાવાદમાં કોટન ગ્રેનો ધારો 60થી 90 દિવસનો, રેયોનનો 90થી 120 દિવસનો અને ફિનિશ્ડ કાપડનો 100 દિવસ બાદનો થઈ ગયો છે. આ ટાઈમમાં પેમેન્ટ આપનાર પાર્ટી સારી ગણાય છે.
દુબઈ જે અત્યાર લગી મહત્ત્વનું ટ્રેડિંગ સેન્ટર હતું અને ત્યાં કોઈ કરવેરા નહોતા, હવે દુબઈમાં 5 ટકા જીએસટી આવી ગયેલ છે. આથી વાયા વિરમગામની જેમ ભારતના માલ વાયા દુબઈ થઈ ઈરાન, ઈરાક, સાઉદી અરેબિયા, મસ્કત, શારજહા વગેરે દેશોમાં જતા હતા. હવે દુબઈમાં ટૅક્સ આવી જવાથી ભારતથી આ માલ સીધા અન્ય દેશોમાં જશે અને વાયા દુબઈ થઈ માલ જશે નહીં. આથી ઈરાન જેવા જે દેશોને બૅન્કિંગ કે કરન્સીની સમસ્યા હતી તે દુબઈમાં હવાલા મારફતે વેપાર ચલાવતા  હતા તેને હવે ફટકો પડશે.
પ્રીમિયમ કૉટન શર્ટિંગ્સ
પ્રીમિયમ કૉટન શર્ટિંગ્સનો છેલ્લો એક મહિનો સ્લો ગયો છે, પણ હવે કમુરતાં પતી જતા સોમવારથી ઘરાકી ચાલવાની ધારણા છે. ઉપર 4 મહિના સિઝનના છે. જૂન સુધી લગનસરા છે.
ઈટાલીની મોન્ટીની રેન્જ સોબર છે, પણ તે ભારતીય બજારમાં સૌથી જૂની બ્રાન્ડ છે. તુર્કીની સોકટાસ બ્રાન્ડની ફેશન રેન્જ વધારે હોવાથી તે સારી ચાલે છે. ચીનની લુથાઈ મિલની લુથાઈ બ્રાન્ડના ભાવ ઊંચા છે, પણ તે સ્વીકાર્ય બ્રાન્ડ છે. મોરારજી-મંધાનાનું કાપડ સારું હોય છે, પણ ડિઝાઈનની વિવિધતા તેમાં ઓછી હોય છે. અરવિંદ મિલના ભાવ સસ્તા હોવાથી તે સૌથી વધુ ચાલે છે. રેમન્ડનું પ્રોડકટ સારું છે, પણ રેમન્ડના પોતાના રિટેલ સ્ટોરોમાં તે વેચાતું હોવાથી એમબીઓ તે લેતા નથી. એસ. કુમાર્સ (ભરૂચ)નું કોટન પ્રીમિયમ શર્ટિંગ્સ સારું ચાલે છે. રીડ એન્ડ ટેલર્સ જે શુટિંગ્સની મિલ છે, તેણે પ્રીમિયમ શર્ટિંગ્સ બજારમાં મૂક્યું છે. રીડ એન્ડ ટેલર-પ્રીમિયમ શર્ટિંગ્સના ભાવ ઊંચા છે અને મર્યાદિત સિલેકશન હોવાથી બજારમાં તે ઓછું જોવા મળે છે.
કાગઝી ગ્રુપની શ્રીજી લાઈફસ્ટાઈલે ઈટાલીની `અવન્ત મોડા' બ્રાન્ડ બજારમાં પ્રસ્તુત કરી છે. આમાં ગીઝા કોટન શર્ટિંગ્સમાં 58'' પનામા કલાસિક પ્રિન્ટ, સેમિફોર્મલ ડિજિટલ પ્રિન્ટ, પેનલ પ્રિન્ટ, હોલીડે પ્રિન્ટ, સ્પોર્ટસ પ્રિન્ટ, આમરે પ્રિન્ટ પ્રસ્તુત કરેલ છે. આ ઉપરાંત પરફયુમ ફિનિશ, એન્ટી-સ્ટેઈન ફિનિશ, રીંકલ-ફ્રી ફિનિશ, યુવી ફિનિશના માલ બજારમાં મૂક્યા છે.
રેગ્યુલર શર્ટિંગ્સ
શર્ટિંગ્સમાં ડોબીની અત્યારે સારી માગ છે. યાર્ન ડાઈડ શર્ટિંગ્સ આજે ઢેઢે પીટાય છે. આમાં બિલકુલ માર્જિન ન હોવાથી કોઈ રસ બતાવતું નથી. સૂલ્ઝર લૂમના 40/40 108/72 61'' ગ્રેના ભાવ રૂા. 78થી 80 અને ફિનિશના રૂા. 95 છે. આમાં લૂમો ઘણી વધી ગઈ હોવાથી ઓવર પ્રોડકશન છે. આથી બે-ત્રણ મોટી મિલોના લોટના માલ સતત બજારમાં ઠલવાતા રહે છે, જે રૂા. 65ના ભાવે વેચાય છે. આ લોટના સેલ થકી ફ્રેસ શર્ટિંગ્સની બજાર ડહોળાઈ જાય છે.
ઍરજેટ લૂમની સુતરાઉ પોપલીન 40/40 132/72 63'' ગ્રેના ભાવ જે રૂા. 64 હતા તે વધી રૂા. 68 થઈ ગયા છે. યાર્ન પછવાડે કાપડના ભાવ વધ્યા છે.
પ્રિન્ટની માગ છે. લેડીઝ કુરતીમાં પીગમેન્ટ પ્રિન્ટ અને પ્રોશ્યન પ્રિન્ટ સારું ચાલે છે. આમાં ફલાવર ડિઝાઈન અને જયોમેટ્રિકલ ડિઝાઈનો ચાલે છે.
ડેનિમનો ભરાવો છે. ડેનિમની ઉત્પાદનક્ષમતા જે ગતિએ વધી છે તે ગતિએ માગ વધી નથી. આથી છેલ્લે ડેનિમના 1000 ઍરજેટ લૂમ  - સૂલ્ઝર લૂમ આવ્યા હતા તે ડેનિમના બદલે ચાલુ કવોલિટીઓમાં કન્વર્ટ થઈ ગયા છે. ઉલ્હાસનગરમાં જીન્સ વોશિંગના 200 એકમો હતા જે પ્રદૂષણની સમસ્યાના કારણે કોર્ટના આદેશથી બંધ થઈ ગયા છે. આથી ડેનિમની માગ એટલી ઘટી છે. ઉલ્હાસનગરમાં કોમન અફલુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બેસાડવાની વિચારણા ચાલે છે. હાલ બંધ પડેલા વોશિંગ એકમમાંથી એકાદ યુનિટ રાજકારણીઓના ટેકાથી શરૂ થયેલ છે, પણ એથી કંઈ ફરક પડે તેમ નથી. રિલાયન્સની વિમલ બ્રાન્ડે ટીઆર શુટિંગ્સ બજારમાં મૂક્યું છે, જે સારું સ્વીકાર્ય બન્યું છે. વિમલે ચીનના જ્યોજર્યો ગુલાની જોડે ટાઈઅપ કરી લીધું છે. ચીનનું ટીઆર ફેન્સી શુટિંગ્સ અગાઉ ઘણું આવતું હતું, પણ ભીલવાડા-સુરતે ટીઆરની આબેહૂબ નકલ કરી સસ્તા માલ બજારમાં મૂકતા હવે ટીઆરની આયાત ઘટી ગઈ છે.
આંગડિયા સેવા જોખમમાં
અૉક્ટ્રૉય ડયૂટી અને ચેક પોસ્ટ નીકળી ગયા બાદ આંગડિયા સર્વિસ ઝડપી બની છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે ટ્રાન્સપોર્ટની ડિલિવરી ત્રીજા દિવસે મળે છે, જ્યારે આંગડિયાઓ ટ્રેનમાં બીજા જ દિવસે તમે કહો ત્યાં હોમ ડિલિવરી આપે છે. આથી ટ્રાન્સપોર્ટરો કિલો દીઠ રૂા. 4નો ચાર્જ કરે છે, જ્યારે આંગડિયાઓ કિલો દીઠ રૂા. 6નો ચાર્જ કરે છે.
બે-ત્રણ દિવસ પૂર્વે જીએસટી ભર્યા વગર માલ લાવનાર આંગડિયાઓને સત્તાવાળાઓએ પકડયા છે. હવે જીએસટી ઉપરાંત ઈ-વે બિલ પણ જોડે રાખવાનું રહેશે. આથી આંગડિયાઓની મુશ્કેલીઓ વધશે.
ઉદ્યોગનું અવનવું
- બાર્સેલોનાની બ્રાન્ડેડ ઓપરલ ગ્રુપ-પેપે જીન્સે તેના ભારતીય એકમને રૂા. 2000 કરોડમાં વેચવા કાઢયું છે. પેપે જીન્સ ભારતમાં 1000 મલ્ટીબ્રાન્ડ આઉટલેટસ તેમ જ 200 ફ્રેન્ચાઈઝી સ્ટોર મારફત વેચાય છે.
- વેલસ્પન ઈન્ડિયાના એક પ્રમોટરે ટેક્સ્ટાઈલ ફર્મમાંનો લગભગ 5 ટકા હિસ્સો રૂા. 350 કરોડમાં વેચ્યો છે.
- આલોક ટેક્સ્ટાઈલ પર નાણાકીય ધિરાણકારોનું દેવું રૂા. 29,519 કરોડ અને ઓપરેશનલ ક્રેડીટરોનું દેવું રૂા. 624 કરોડનું છે. આ ટેક્સટાઈલ કંપની જે ખરીદવા માગતું હોય તેણે ઓછામાં ઓછો 51 ટકા ઈક્વિટી હિસ્સો હસ્તગત કરવો પડશે અને 5 વર્ષ સુધી શેરો ડિલિસ્ટ નહીં કરી શકાય. અત્યાર લગી આલોક હસ્તગત કરવામાં માત્ર બે પાર્ટીઓએ જ રસ દર્શાવ્યો છે. આમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. છે અને કર્મચારીઓ દ્વારા ઊભું કરાયેલું ટ્રસ્ટ છે.
- બિહારના પટણા નજદીકના બિહતા ખાતે 115 એકરમાં એપરલ અને ટેક્સ્ટાઈલ પાર્ક ઊભો કરાશે. બિહારમાંથી આવનાર કર્મચારી દીઠ રૂા. 20,000ની સ્કીલ ડેવલપમેન્ટ સબસિડી રાજ્ય સરકાર આપશે. પટણાને ગાર્મેન્ટ હબ બનાવવાની બિહાર સરકારની ઈચ્છા છે.
- જર્મનીના હેમટેક્સટીલ ફ્રેન્કફર્ટ એકસ્પોમાં આ વેળા 64 દેશોમાંથી 2975 પ્રદર્શનકારોએ ભાગ લીધો હતો. આમાં ભારતના 393 પ્રદર્શનકારો હતા. ભારતીય ટેક્સ્ટાઈલ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ પણ આ ફેરની મુલાકાત લીધી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer