ભારત આ વર્ષે ફરીથી સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર બનશે : વર્લ્ડ બૅન્ક

વર્લ્ડ બૅન્કે બુધવારે રજૂ કરેલા ગ્લોબલ ઈકોનોમિક પ્રોસ્પેક્ટ્સ મુજબ વર્ષ 2018માં ભારતનો વૃદ્ધિ દર ફરી 7.3 ટકા નોંધાશે તેવી ધારણા છે. તેમ જ ચીનનો આર્થિક વૃદ્ધિ દર વર્ષ 2017માં 6.8 ટકાથી વધુ ઘટીને 6.4 ટકા નોંધાય તેવી સંભાવના છે. આને પગલે વર્ષ 2017માં સૌથી વધુ વિકસતા અર્થતંત્ર તરીકે ચીનને મળેલું સ્થાન ફરી ભારતને મળશે. 
જોકે, વર્લ્ડ બૅન્કે ગયા વર્ષે અૉક્ટોબરમાં જણાવ્યું હતું કે ભારત 2017માં 7 ટકાનો વૃદ્ધિ દર હાંસલ કરશે, પરંતુ આ અંદાજ ઘટાડીને 6.7 ટકા કરાયો છે અને તેના માટે જીએસટીના અમલીકરણને પગલે ટૂંકા ગાળાના અવરોધોને જવાબદાર ગણાવાયા છે.
વર્લ્ડ બૅન્કના અંદાજો જે તે દેશના નાણાં વર્ષને આધારે અપાયેલાં હોય છે. એટલે ભારતનું વર્ષ 2017નો અર્થ 2017-18 (એપ્રિલ-માર્ચ)તેમ જ ચીન માટે વર્ષ 2017નો અર્થ કેલેન્ડર વર્ષ છે.
ગયા સપ્તાહે ભારતના આંકડાકીય બાબતોના કાર્યાલયે ડિમોનેટાઈઝેશન અને જીએસટીના અમલીકરણને કારણે ઊભા થયેલા અવરોધોને કારણે વર્ષ 2017-18 માટે ભારતનો આર્થિક વિકાસ દરનો અંદાજ ગયા વર્ષના 7.1 ટકાથી ઘટાડીને 6.5 ટકા કર્યો હતો. 
આર્થિક બાબતોના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે વર્લ્ડ બૅન્કે વર્ષ 2017માં ભારતની જીડીપીનો વૃદ્ધિ દર 6.7 ટકા તેમ જ 2018માં 7.3 ટકા અંદાજ્યો છે. ત્રીજા ત્રિમાસિક ગાળામાં કંપનીઓએ ઊંચો એડવાન્સ ટૅક્સ ભર્યો હોવાથી ભારત વધુ સારો વિકાસ હાંસલ કરશે.
એપ્રિલથી ડિસેમ્બરના પ્રથમ નવ મહિનામાં 18 ટકા વધુ પ્રત્યક્ષ (સીધા) વેરા એકઠાં થયા છે, જે સમગ્ર વર્ષના લક્ષ્યાંકના બે તૃતિયાંશ છે. આને પગલે સરકારને નાણાંકીય ખાધ સામે રાહત મળવાની આશા બંધાઈ છે. 
વલ્ડૅ બૅન્કે જણાવ્યું છે કે ખાનગી વપરાશ અને સેવાઓમાં મજબૂતાઈને પગલે આર્થિક પ્રવૃત્તિઓને ટેકો ચાલુ રહેશે. કંપનીઓ ક્રમશ: જીએસટી સાથે તાલમેળ સાધવા લાગી છે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળના ખર્ચ વધવાને પગલે જાહેર સેવાઓ અને ઈન્ટરનેટ કનેક્ટિવિટી સુધરશે. તેમ જ સરકાર અને આરબીઆઈના પ્રયત્નોને કારણે ખાનગી ક્ષેત્રની નબળી કંપનીઓને સાચવી લેવાઈ છે, જેના પગલે હવે ખાનગી રોકાણો વધશે. 
અહેવાલમાં જણાવાયું છે કે મધ્યમ ગાળામાં જીએસટીને કારણે આર્થિક પ્રવૃત્તિઓને ફાયદો થશે અને બેવડા રાજ્ય કરની વ્યવસ્થાઓ દૂર થતાં ખર્ચ ઘટશે. જાહેર ક્ષેત્રની બૅન્કો માટે ભારત સરકારે તાજેતરમાં જાહેર કરેલું રિકેપિટલાઈઝેશન પેકેજ બૅન્કિંગ ક્ષેત્રનાં પરિણામો સુધારશે, તેના પગલે ખાનગી ક્ષેત્રને ધિરાણો મળશે અને રોકાણોનો પ્રવાહ વધશે. વૈશ્વિક ટ્રેડ રિકવરીને પગલે નિકાસો વધે તેવી પણ સંભાવના છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer