સેન્સેક્ષની 35,000 અને નિફ્ટીની 11,000 તરફ આગેકૂચ

ટીસીએસમાં પ્રોફિટ બુકિંગ, ડિશ ટીવી ઘટયો અને એમ્ટેકમાં અપર સર્કિટ
વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 12 જાન્યુ.
વૈશ્વિક બજારોના સકારાત્મક સંકેતો અને કંપનીઓની કમાણીમાં વૃદ્ધિની આશાએ સાપ્તાહિક કામકાજના છેલ્લા દિવસે તેજીતરફી ખૂલેલા સૂચકાંકોને દિવસના કામકાજ દરમ્યાન સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓએ જાહેર કરેલા અસંતોષની અવળી અસર પડી હતી. પરંતુ સાપ્તાહિક કામકાજને અંતે બંને સૂચકાંકોએ નજીવા વધારા સાથે નવી વિક્રમી ટોચ નોંધાવી હતી. ઈન્ફોસિસનાં પરિણામોની અને બજેટની અટકળો વચ્ચે સેન્સેક્ષ 34,578.99 પોઈન્ટે ખૂલીને 34,638.42ની  બાવન સપ્તાહની ઊંચાઈ તેમ જ 34,342.16નું તળિયું જોયા પછી ગુરુવારના બંધ સામે 88.90 પોઈન્ટ વધીને 34,592.39 પોઈન્ટે બંધ નોંધાયો હતો.
એનએસઈમાં નિફ્ટીએ 10,690.40 પોઈન્ટે નવી વિક્રમી ટોચ નોંધાવી હતી અને સૂચકાંક 30.05 પોઈન્ટ વધીને 10,681.25 પોઈન્ટે બંધ નોંધાયો હતો. સમગ્ર સપ્તાહમાં સેન્સેક્ષે 438.54 પોઈન્ટ એટલે કે 1.28 ટકાનો જ્યારે નિફ્ટીએ 122.40 પોઈન્ટ એટલે કે 1.15 ટકાનો વધારો નોંધાવ્યો હતો. બંને સૂચકાંકોએ સળંગ છઠ્ઠી વખત સાપ્તાહિક વૃદ્ધિ નોંધાવી હતી.
આગામી સપ્તાહે ફુગાવાના ડિસેમ્બરના આંકડામાં વૃદ્ધિ તેમ જ તેલના વધતા ભાવની અસર સૂચકાંકો પર જોવા મળશે તેવું અનુમાન છે.
શૅર્સ સૌથી વધુ વધ્યા ઘટયા
આઈસીઆઈસીઆઈ બૅન્ક, મારુતિ સુઝુકી અને ઓએનજીસીની સાથે સાથે ક્રિપ્ટોકરન્સી લૉન્ચ કરવાના સમાચારને પગલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શૅર્સ સૌથી વધુ વધ્યા હતા. જ્યારે આરકોમ, ભારતી એરટેલ, એમટીએનએલ વગેરે ટેલિકોમ શૅર્સમાં ઈન્ટરનેશનલ ટર્મિનલ રેટમાં ઘટાડાના સમાચારને પગલે સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો.
એનર્જી ઈન્ડેક્ષ સૌથી વધુ વધ્યો
બીએસઈમાં માર્કેટ કેપ ગુરુવારે રૂા.155.18 લાખ કરોડથી વધીને શુક્રવારે રૂા.155.24 લાખ કરોડ નોંધાયું હતું. ક્ષેત્રવાર સૂચકાંકોમાં એનર્જી ઈન્ડેક્ષ સૌથી વધુ 0.72 ટકા વધ્યો હતો, જ્યારે રિયલ્ટી ઈન્ડેક્ષમાં સૌથી વધુ 1.46 ટકા ઘટાડો નોંધાયો હતો. 
ડિશ ટીવીનો શૅર 8 ટકા ઘટયો
ડિશ ટીવીએ વીડિયોકોન સાથેના મર્જરનું પુન:મૂલ્યાંકન કરવાની જાહેરાતને પગલે દિવસના કામકાજ દરમિયાન ડિશ ટીવીનો શૅર 8 ટકા ઘટીને રૂા.77 થયો હતો. વીડિયોકોન જૂથની કેટલીક કંપનીઓ સામે નાદારીની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાના અહેવાલોને પગલે ડિશ ટીવીએ વીડિયોકોન ડીટુએચ સાથેના સૂચિત મર્જરનું પુન:મૂલ્યાંક કરવાની જાહેરાત કરી હતી. એનએસઈ અને બીએસઈ ખાતે ડિશ ટીવીના કુલ 1604 લાખ શૅર્સમાં લેવડ-દેવડ થઈ હતી. એનસીએલટીએ વીડિયોકોનને નાદારીની મંજૂરી આપી હોવાને પગલે એનએસઈમાં કંપનીનો શૅર 2.3 ટકા વધીને રૂા.24.55એ ટ્રેડ થતો હતો. તેનાં કુલ 446 લાખ શૅર્સમાં કામકાજ નોંધાયા હતા.
ત્રિમાસિક પરિણામોને પગલે ટીસીએસમાં પ્રોફિટ બુકિંગ
છેલ્લા ચાર અઠવાડિયામાં નિફ્ટી 3.8 ટકા વધવાની સામે ટીસીએસનો શૅર 9 ટકા વધ્યો હતો. પરંતુ ગુરુવારે કંપનીએ ત્રીજા ત્રિમાસિક પરિણામો જાહેર કરવાને પગલે પ્રોફિટ બુકિંગ થતાં શુક્રવારે એનએસઈ ખાતે શૅર લગભગ 2 ટકા ઘટીને રૂા.2,741 નોંધાયો હતો. 
એમ્ટેક અૉટોમાં અપર સર્કિટ
એમ્ટેક અૉટોનો શૅર 5 ટકા વધતાં તેમાં અપર સર્કિટ લાગી હતી. યુકેના મેટલ ગ્રુપ લિબર્ટી હાઉસ અને અમેરિકામાં રજિસ્ટર્ડ હેજ ફંડ ડેક્કન વેલ્યુ ઈન્વેસ્ટર્સ આ કંપની ખરીદવા ટોચના દાવેદાર હોવાના અહેવાલોને પગલે શૅરમાં આ પ્રતિક્રિયા જોવા મળી હતી. એમ્ટેક અૉટો નાદારીની અદાલતના ચુકાદાની રાહ જુએ છે. બીએસઈ ખાતે શૅરમાં રૂા.29.40ની ટોચ જોવા મળી હતી. કંપનીને લગભગ બે સપ્તાહ અગાઉ આ વિદેશી કંપનીઓ તરફથી બિડ મળ્યા હતા. છેલ્લાં ત્રણ વર્ષમાં કંપનીનાં રૂા.12,722 કરોડનાં નાણાંકીય લેણદારો અને રૂા.223 કરોડના ઓપરેશનલ લેણદારો હોવાને પગલે કંપનીની માર્કેટ વેલ્યુમાં 80 ટકા ઘટાડો થયો છે.
મર્જરને મંજૂરી મળતાં આઈડિયાનો શૅર વધ્યો
એનસીએલટીએ આઈડિયા સેલ્યુલર અને વોડાફોનના મર્જરને લીલી ઝંડી આપતાં આઈડિયાનો શૅર 1.4 ટકા વધીને રૂા. 108.45 નોંધાયો હતો. શૅર 1.45 ટકા વધીને રૂા. 108.60એ બંધ નોંધાયો હતો.
120 શૅર્સમાં બાવન સપ્તાહની ટોચ
એનએસઈ ખાતે 120 કરતાં વધુ શૅર્સમાં બાવન સપ્તાહની નવી ટોચ જોવા મળી હતી. કેપિટલ ફર્સ્ટ, સીજી પાવર એન્ડ ઈન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સ, ડેલ્ટા કોર્પ, એસ્કોર્ટસ અને ગોવા કાર્બને બાવન સપ્તાહની નવી ટોચ નોંધાવી હતી. ગ્રેવિટા ઈન્ડિયા, એચઈજી, હેક્સાવેર ટેકનૉલૉજિઝ, હિન્દુસ્તાન યુનિલિવર, ઈન્ફોસિસ, જૈન ઈરીગેશન સિસ્ટમ્સ, જેએસડબ્લ્યુ એનર્જી, માન એલ્યુમિનિયમ, ઓબેરોય રિયલ્ટી, પીસી જ્વેલર્સ, તાતા ગ્લોબલ બિવરેજીસ અને ટોરેન્ટ પાવરના શૅર્સમાં પણ નવી ટોચ જોવા મળી હતી. જ્યારે જેન્સન ઍન્ડ નિકોલસન (ઈન્ડિયા) તેમ જ ઓરિયન્ટ પેપર ઍન્ડ ઈન્ડસ્ટ્રીઝના શૅર્સમાં બાવન સપ્તાહનું નવું તળિયું નોંધાયું હતું.
લોજિસ્ટિક્સ શૅર્સ 10 ટકા ઉછળ્યા
એકંદરે સાંકડી વધઘટવાળા બજારમાં બીએસઈમાં મહિન્દ્ર લોજિસ્ટિક્સ, ટાઈગર લોજિસ્ટિક્સ અને સ્નોમેન લોજિસ્ટિક્સના શૅર્સ આઠથી નવ ટકા વધ્યા હતા. જ્યારે ફ્યુચર સપ્લાય ચેઇન, પટેલ ઈન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ, બ્લુ ડાર્ટ એક્સપ્રેસ, ગતિ અને ગેટવે ડિસ્ટ્રિપાર્કસ એકથી ત્રણ ટકા વધ્યા હતા.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer