ડિસે. ''17 ત્રિમાસિકમાં નિફ્ટી કંપનીઓની કમાણી આકર્ષક રહેવાની શક્યતા

મુંબઈ, તા.12 જાન્યુ.
ખાનગી ક્ષેત્રને ધિરાણ આપનાર કંપનીઓ, ઓઈલ માર્કેટિંગ કંપનીઓ, ઓટો મેન્યુફેક્ચરિંગ કંપનીઓ અને મેટલ ઉત્પાદક કંપનીઓનાં મજબૂત પરિણામોને પગલે નિફ્ટીમાં સામેલ કંપનીઓ ઓક્ટોબરથી ડિસેમ્બર, 2017ના સળંગ બીજા ત્રિમાસિક ગાળામાં પણ કમાણીમાં બે આંકડામાં વૃદ્ધિ નોંધાવશે તેવું અનુમાન છે. પાછલા નાણા વર્ષના સમાન ગાળામાં ડિમોનેટાઈઝેનશનને પગલે કંપનીઓની કમાણી અને નફા પર પ્રતિકૂળ અસર જોવા મળી હોવાથી પણ ચાલુ નાણા વર્ષના આ ત્રીજા ત્રિમાસિક ગાળામાં કંપનીઓ વધુ સારાં પરિણામો દર્શાવશે તેવો અંદાજ છે. ખાસ કરીને ઓટો, સિમેન્ટ અને કન્ઝ્યુમર ગુડ્સ ક્ષેત્ર માટે આ અનુમાન વધુ સચોટ જણાય છે.
વર્ષ 2017-18ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં નિફ્ટી ફિફ્ટીમાં સામેલ કંપનીઓનો સંયુક્ત ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 15.4 ટકા તેમ જ કમાણી 16.4 ટકા વધશે. પાછલા નાણાં વર્ષના સમાન ગાળામાં આ કંપનીઓની કમાણીમાં 16.4 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી, જ્યારે ચાલુ નાણા વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં 12.2 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. 
ઈન્ડેક્ષમાં સામેલ કંપનીઓનાં સંયુક્ત ચોખ્ખાં વેચાણોમાં વાર્ષિક ધોરણે 15.3 ટકા વધારો થશે તેવી ધારણા છે. આ વધારો પાછલા નાણા વર્ષના સમાન ગાળામાં 9.4 ટકા તેમ જ ચાલુ નાણા વર્ષના બીજા ત્રિમાસિક ગાળાના 11.5 ટકા વધારા કરતાં નોંધપાત્ર હશે.
જોકે, કંપનીઓની કમાણીમાં આ વધારો માત્ર ચોક્કસ ક્ષેત્રોની કંપનીઓની આવક અને નફામાં વૃદ્ધિને પગલે જ જોવા મળશે. એનર્જી, ખાનગી ક્ષેત્રને ધિરાણો, મેટલ અને માઇનિંગ તેમ જ ઓટો મેન્યુફેક્ચરર ક્ષેત્રને બાદ કરતાં બાકીનાં ક્ષેત્રોની કંપનીઓના ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 0.4 ટકા ઘટાડો થવાની ધારણા છે.
આવકની દૃષ્ટિએ પણ લગભગ 60 ટકા વૃદ્ધિ ચાર ક્રૂડ ઓઈલ અને માર્કેટિંગ કંપનીઓ - ઈન્ડિયન ઓઈલ, બીપીસીએલ, એચપીસીએલ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ મારફતે જ જોવા મળશે. 
આ વિશ્લેષણ અગ્રણી ઈક્વિટી બ્રોકરેજીસ - મોતીલાલ ઓસ્વાલ, એડલવેઇસ સિક્યોરિટીઝ, કોટક સિક્યોરિટીઝ, શેરખાન, એમકે ગ્લોબલ, એચડીએફસી સિક્યોરિટીઝ અને આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે ઓક્ટોબરથી ડિસેમ્બર, 2017ના ત્રિમાસિક ગાળા માટે જણાવેલાં કમાણીનાં અંદાજોને આધારે કરાયું છે.

વિશ્લેષકો તાતા મોટર્સ, તાતા સ્ટીલ અને ઓએનજીસીની કમાણીમાં મોટા ફેરફારો થવાનું જણાવે છે, જ્યારે એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સમાંથી કેટલોક હિસ્સો વેચવાને પગલે એચડીએફસીની કમાણીમાં મોટો વધારો જોવા મળે તેવી ધારણા છે. ટેકનૉલૉજી અને ફાર્મા ક્ષેત્રે ટોચની નિકાસકાર કંપનીઓ નબળાં પરિણામો નોંધાવશે તેવું અનુમાન છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer