મોટા 12 એનપીએ એકાઉન્ટ્સ માટે જાન્યુ. અંત સુધીમાં બીડ મગાવાશે

ભૂષણ સ્ટીલ, એસ્સાર સ્ટીલ, જયપી ઈન્ફ્રા...
બીજી 28 કંપનીઓ ઉપર વહેલો મોડો લિલામનો હથોડો મરાશે
નવી દિલ્હી, તા. 12 જાન્યુ.
દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક અૉફ ઈન્ડિયા (એસબીઆઈ)ના ચેરમેન રજનીશ કુમારે જણાવ્યું હતું કે તમામ 12 મોટી નોન પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ) ખાતાંના લિલામની પ્રક્રિયા આ મહિનાના અંત સુધીમાં પૂરી થવાની ધારણા છે. પરત નહીં મળેલાં ધિરાણોની સૌથી મોટી રકમનાં 12 ખાતાંઓમાં કુલ રૂા. 1.75 લાખ કરોડની લોન ચૂકવવાની બાકી છે, જેમાંથી છ એનપીએ એસબીઆઈની છે.
રજનીશ કુમારે ઉમેર્યું કે ઈલેક્ટ્રોસ્ટીલ અને મોનેત ઈસ્પાત માટે ફાઇનાન્સિયલ બિડ્સ મળ્યાં છે. બાકીના ખાતાં માટે પણ જાન્યુઆરીના અંત સુધીમાં બિડ્સ મળી જશે. 
નાદારી અને દેવાંળિયાપણાના કાયદા (ઈન્સોલ્વન્સી એન્ડ બેક્રપ્સી કોડ - આઈબીસી) હેઠળ નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી) સમક્ષ મુકાયેલા અન્ય મોટા પેન્ડિંગ કેસમાં એસ્સાર સ્ટીલ, ભૂષણ સ્ટીલ, ભૂષણ પાવર એન્ડ સ્ટીલ, લાન્કો ઈન્ફ્રા, આલોક ઈન્ડસ્ટ્રીઝ, એમ્ટેક ઓટો, એરા ઈન્ફ્રા, જયપી ઈન્ફ્રાટેક, એબીજી શિપયાર્ડ અને જ્યોતિ સ્ટ્રક્ચર્સ સામેલ છે.
ગયા વર્ષે જૂન મહિનામાં આરબીઆઈની ઈન્ટર્નલ એડવાયઝરી કમિટી (આઈએસી)એ રૂા. 5000 કરોડથી વધુ રકમની ચૂકવવાની બાકી લોન દર્શાવતાં 12 ખાતાં અલગ તારવ્યાં હતાં, જે બેન્કોની કુલ એનપીએમાં 25 ટકા હિસ્સો નોંધાવે છે. 
દરમિયાન, ગયા બુધવારે સુપ્રીમ કોર્ટે જયપ્રકાશ એસોસિએટ્સનો કેસ નાદારી માટે એનસીએલટીને રિફર કરવાની આરબીઆઈની અરજી બાબતે તે પછીના તબક્કે નિર્ણય લેશે તેમ જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે રિયલ એસ્ટેટ કંપની જયપ્રકાશ એસોસિએટ્સને તેના સમગ્ર દેશમાં ચાલી રહેલા હાઉસિંગ પ્રોજેક્ટ્સની વિગતો રજૂ કરવાનો આદેશ આપ્યો હતો અને કંપનીના ડાયરેક્ટર્સને પોતાની વ્યક્તિગત પ્રોપર્ટીઝ બીજાને નામે નહીં કરવાની ફરી તાકીદ કરી હતી.
જાહેર ક્ષેત્રની બૅન્કોની એનપીએ માર્ચ, 2017માં રૂા. 2.78 લાખ કરોડથી વધીને જૂન, 2017માં રૂા. 7.33 લાખ કરોડ નોંધાઈ હતી. આરબીઆઈએ વધુ મોટા એનપીએ એકાઉન્ટ્સની બીજી યાદી પણ જાહેર કરી છે, જેમાં વધુ 28 જેટલાં મોટી રકમનાં ચૂકવવાની બાકી લોન ધરાવતાં ખાતાંઓ સામેલ છે. ઓગસ્ટ, 2017માં આરબીઆઈએ બૅન્કોને આ ખાતાંઓ સરભર કરવા અથવા તો 31મી ડિસેમ્બર, 2017 સુધીમાં આ ખાતાંઓ એનસીએલટીને રિફર કરવાનો આદેશ આપ્યો હતો.
બીજી યાદીમાંથી એન્રાક એલ્યુમિનિયમ, જયસ્વાલ નેકો ઈન્ડસ્ટ્રીઝ, સોમા એન્ટરપ્રાઈસીઝ અને જયપ્રકાશ એસોસિએટ્સને બાદ કરતાં બાકીની તમામ કંપનીઓ એનસીએલટીને રિફર કરવાનું બૅન્કોએ નક્કી કર્યું હતું.
આરબીઆઈની બીજી યાદીમાં સામેલ 28 કંપનીઓમાં એશિયલ કલર કોટેડ ઈસ્પાત, કાસ્ટેક્સ ટેકનોલોજીસ, કોસ્ટલ પ્રોજેક્ટ્સ, ઈસ્ટ કોસ્ટ એનર્જી, ઓર્ચિડ ફાર્મા, ઉત્તમ ગેલ્વા મેટાલિક, ઉત્તમ ગેલ્વા સ્ટીલ, વિસા સ્ટીલ એસ્સાર પ્રોજેક્ટસ, જય બાલાજી ઈન્ડસ્ટ્રીઝ, મોનેત પાવર, નાગાર્જુન ઓઈલ રિફાઈનરી, રુચિ સોયા, આઈવીઆરસીએલ તેમ જ વિન્ડ વર્લ્ડ ઈન્ડિયા સામેલ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer