ઈન્ફોસિસનો ડિસે. ત્રિમાસિક નફો વધીને રૂા. 5129 કરોડ

બજારની અપેક્ષાથીય ઊજળો દેખાવ : આ વર્ષની ગાઈડન્સ જાળવી રાખી
નવી દિલ્હી, તા. 12 જાન્યુ.
દેશની બીજા ક્રમાંકની આઈટી કંપની ઈન્ફોસસિનો ડિસેમ્બર ત્રિમાસિકમાં ચોખ્ખો નફો 37.65 ટકા વધીને રૂા.5,129 કરોડનો થયો છે. જે તેની ગાઈડન્સને અનુરૂપ છે. જોકે, આ નફામાં રૂા.1432 કરોડ (22.50 કરોડ ડૉલર)ની ટૅક્સ માટે અગાઉ કરેલી વધારાની ફાળવણીનો પણ સમાવેશ છે. આ જોગવાઈઓ જરૂરી નથી.
કંપનીએ આ વર્ષની આવકમાં 5.5-6.5 ટકાની અને ઈબીઆઈટી નફા ગાળો 23-25 ટકાએ રહેવાની ગાઈડન્સને થમવી રાખી છે. વિશ્લેષકોની ધારણા હતી કે ચોખ્ખો નફો રૂા.3,599 કરોડનો આવશે.
સપ્ટેમ્બર ત્રિમાસિકમાં કંપનીનો ચોખ્ખો નફો રૂા.3,726 કરોડનો હતો. સૂચિત ત્રિમાસિક ગાળામાં આવક 1.3 ટકા વધીને રૂા.17,794 કરોડની થઈ છે જે વાર્ષિક ધોરણે 3 ટકા વધુ છે. 
ડૉલરની દૃષ્ટિએ કંપનીની આવક એક ટકા વધી છે. નફામાં વધારા પાછળનું કારણ એડવાન્સ પ્રાઈસિંગ એગ્રિમેન્ટ અને પ્રતિ શૅર કોન્સોલિડેટેડની આવકનું હતું, જે રૂા.6.29 વધી હતી. સૂચિત ત્રિમાસિક ગાળામાં કંપનીની આવક પ્રતિ શૅર રૂા.22.55 હતી. 
ઈન્ફોસિસના નવા સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર સલીલ પારેખે જણાવ્યું હતું કે, ત્રીજા ત્રિમાસિકની કામગીરી સારી રહી હતી. 
વાર્ષિક ધોરણે આઠ ટકાની વૃદ્ધિ થઈ છે અને કાર્યકારી નફા શક્તિ 24.3 ટકા હતી. ઓપરેટિંગ નફા શક્તિ 59.30 કરોડ ડૉલરની હતી. 
આ સાથે ઈન્ફોસિસમાં સૌથી વધુ પગાર મેળવનારા પ્રેસિડેન્ટ રાજેશ મૂર્તિએ રાજીનામું આપ્યું છે. તેઓ 31 જાન્યુઆરીએ કંપની છોડશે. કંપનીએ પ્રવીણ રાવને વર્ષ 2022 સુધી પૂર્ણ સમયના ડિરેક્ટર તરીકે ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. 
ઈન્ફોસિસનો બિઝનેસ યુરોપ અને ઉત્તર અમેરિકામાં વધ્યો હતો જ્યારે ભારત અને વિશ્વના બાકીના ભાગમાં વધુ વધારો થયો નથી. 
ઈન્ફોસિસના સીએફઓ એમડી રંગનાથે જણાવ્યું હતું કે, કામકાજની ક્ષમતામાં સુધારો થતા કાર્યકારી માર્જિન સ્થિર રહ્યું હતું. સૂચિત ત્રિમાસિકમાં કેશ ફ્લો મજબૂત રહ્યો હતો. 
કંપનીનો શૅર 0.26 ટકા વધીને 1078.65 ઉપર બંધ રહ્યો હતો.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer