આર્થિક સુધારા : આગેકદમ

કેન્દ્ર સરકારના આગામી બજેટમાં લોકહિત અને લોકપ્રિય પગલાંની સમતુલા હશે અને વિકાસ ઝડપી બનશે એવી આશા અને અટકળો વચ્ચે એનડીએ સરકારે આર્થિક સુધારાની દિશામાં ગતિ વધારી છે. વિદેશી ખાનગી મૂડીરોકાણ આકર્ષવા માટે જે છૂટછાટો - સિંગલ બ્રાન્ડ રિટેલ, વિદ્યુત પાવર એક્સ્ચેન્જિસ, ફાર્મસી તથા બાંધકામનાં ક્ષેત્રમાં જે સુધારા કર્યા છે તેના પરિણામે રોજગારી વધશે અને ઉત્પાદકો તથા ગ્રાહકોને લાભ થશે. અલબત્ત, આર્થિક સુધારાની દિશામાં આ આગેકદમ છે. હવે પછી બીજાં પગલાં બજેટમાં જાહેર થશે એવી અપેક્ષા છે. બજેટને બદલે અત્યારે જ આ સુધારા જાહેર કરવા જરૂરી હતા. આ માટે કારણ છે - વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે સપ્તાહ પછી વર્લ્ડ ઈકોનોમિક ફોરમની પરિષદમાં હાજરી આપવા જઈ રહ્યા છે - તેની આ અગમછડી પોકારવામાં આવી છે! વિશ્વ ફોરમની પરિષદમાં મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ હાજરી આપે છે. અગાઉ વડા પ્રધાન એચ. ડી. દેવેગૌડાએ હાજરી આપી હતી, તે પછી નરેન્દ્ર મોદી બીજા છે! એમની સાથે નાણાપ્રધાન અરુણ જેટલી હશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજરી આપનાર છે અને નરેન્દ્ર મોદી સાથે એમની મુલાકાત નિશ્ચિત મનાય છે.
કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી ભલે આર્થિક સુધારાની મજાક કરતા ફરે, જીએસટીને ગબ્બરસિંહ ટૅક્સ કહે અને `જીડીપી'ને ગ્રોસ ડિવાઈઝીસ પોલિટિકસ કહે. વિદેશની ભૂમિ ઉપર જઈને ભારતની ટીકા કર્યા કરે - ભારત સરકારની આર્થિક નીતિને વિશ્વના નિષ્ણાતો વખાણી રહ્યા છે. આપણા વિકાસદરની ચિંતા હોવા છતાં વિદેશી ખાનગી મૂડીપતિઓને ભારતના આર્થિક ભવિષ્યમાં પૂરો વિશ્વાસ છે અને તેથી જ - યુપીએ સરકારના છેલ્લા વર્ષમાં - 2013-14માં વિદેશી ખાનગી મૂડીરોકાણ જે 30 અબજ ડૉલર હતું તે 2016-17માં વધીને 60 અબજ ઉપર પહોંચ્યું છે!
વિશ્વ બૅન્કના અહેવાલમાં જણાવાયું છે કે ચાલુ વર્ષે ભારતનો વિકાસદર 7.3 ટકા હશે અને આ પછીનાં વર્ષોમાં સતત વધતો રહેશે. ભારતની સરખામણીમાં ચીન જુઓ : વર્ષ 2017માં વિકાસદર 6.8 ટકાની ધારણા હતી તે ઘટીને 6.4 ટકા થઈ છે!
વર્ષ 2017માં ભારતીય અર્થતંત્ર ઉપર નોટબંધી અને જીએસટીની અસર પડી, પણ હવે તેની કળ વળી રહી છે અને સકારાત્મક પાસાં દેખાઈ રહ્યાં છે. તેથી ચાલુ અને આગામી વર્ષોમાં ફળ દેખાશે અને મળશે એવી આશા છે. આર્થિક સુધારા અને વિદેશી ખાનગી મૂડીરોકાણ માટે અપાતી છૂટછાટના પરિણામે વ્યાપાર-ઉદ્યોગમાં મૂડીરોકાણ વધશે અને રોજગારી પણ વધશે.
સરકારના નક્કર સુધારાનો પણ કૉંગ્રેસ વિરોધ કરે છે. અત્યાર સુધી અચ્છે દિન અને રોજગારીના મુદ્દે નરેન્દ્ર મોદીની મજાક ઉડાવતા નેતાઓને હવે સુધારા થઈ રહ્યા છે તેની ચિંતા છે! આ વર્ષે કર્ણાટક અને અન્ય રાજ્યોની ચૂંટણી છે ત્યારે હિન્દુવાદનો ઊભરો-ઊમળકો આવ્યો છે! ત્યારે અર્થતંત્રના સુધારાને આવકારવાને બદલે વિદેશી મૂડીની ટીકા થાય છે! અલબત્ત, ડૉ. મનમોહન સિંઘના પ્રત્યાઘાત કેવા હશે?

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer