ઔદ્યોગિક ઉત્પાદન વધીને 8.4 ટકા, ગ્રાહક ભાવાંક વધીને 5.2 ટકા

અર્થતંત્રની નવે.-ડિસે.માં મિશ્ર કામગીરી
નવી દિલ્હી, તા. 12 જાન્યુ.
નાણાપ્રધાન અરુણ જેટલી ફેબ્રુઆરીમાં છેલ્લું બજેટ રજૂ કરે એ પહેલાં સરકાર માટે આર્થિક સૂચકાંકો સ્વરૂપે સારા અને નરસા એવા મિશ્ર સમાચાર છે. 
સ્ટેટિસ્ટિક્સ ઍન્ડ પ્રોગ્રામ ઈમ્પલિમેન્ટેશન મંત્રાલયે ઔદ્યોગિક ઉત્પાદનના શુક્રવારે જાહેર કરેલા આંકડાં અનુસાર નવેમ્બર મહિનાના આઈઆઈપી (ઈન્ડેક્સ અૉફ ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન) ઔદ્યોગિક ઉત્પાદન નવેમ્બરમાં વધીને 8.4 ટકા થયું હતું, જે તેના આગલા મહિને 2.2 ટકા હતું. જોકે, ગ્રાહક ભાવાંક ફૂગાવો (સીપીઆઈ) ડિસેમ્બરમાં વધીને 5.2 ટકા થયો છે, જેની સરખામણીએ નવેમ્બરમાં તે 4.88 ટકા હતો. 
અૉક્ટોબર મહિનામાં તહેવારો હોવા છતાં આઈઆઈપી વૃદ્ધિ ત્રણ મહિનાને તળિયે 2.2 ટકાએ પહોંચી હતી, જ્યારે તેના આગલા મહિનામાં તે 4.1 ટકા હતી. આ સૂચવે છે કે જીએસટી લાગુ થયા પછીના સ્ટોકિસ્ટ દ્વારા નવેસરથી (રિસ્ટોકિંગ) માલ ભરાયો તેનો લાભ આઈઆઈપીને મળ્યો નથી. 
નવેમ્બરમાં ફૂગાવો વધ્યો તેથી રિઝર્વ બૅન્કે ગયા મહિને નાણાં સમીક્ષામાં વ્યાજ દર યથાવત રાખવાના નિર્ણયને ઉચિત ઠેરવ્યો છે. રિઝર્વ બૅન્કે આ વર્ષના ઉત્તરાર્ધમાં ફૂગાવો 4.3-4.7 ટકાના દરે રહેવાનું અનુમાન કર્યું છે. 
ઈંધણ અને શાકભાજીના ભાવ વધવાને કારણે ફૂગાવો વધ્યો હતો. જોકે, તેને કારણે કંપનીઓના નફા દબાશે, ખર્ચ વધશે અને સાથે વ્યાજ દર ઘટવાની સંભાવના ઘટશે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer