ભુજ નજીક દેશના પ્રથમ ખારેક કેન્દ્રનું મોદી-નેતન્યાહુ બુધવારે ઉદ્ઘાટન કરશે

ભુજ નજીક દેશના પ્રથમ ખારેક કેન્દ્રનું મોદી-નેતન્યાહુ બુધવારે ઉદ્ઘાટન કરશે
કૃષિ વિકાસનું નવું પ્રકરણ આલેખાશે
કેયૂર વૈદ્ય 
ભુજ, તા. 12 જાન્યુ.
આબોહવા અને વરસાદની અપૂરતી મહેર સહિતના પડકારો ધરાવતી કચ્છની ધરતી ખારેક જેવી અનેક ચીજો પકવે છે જે આ મુલકના આર્થિક કલેવરને બદલવાની તાકાત ધરાવે છે. ખારેકના પાકમાં સંશોધન કરીને તેનું ઉત્પાદન કઈ રીતે વધે અને તેની નિકાસ દ્વારા ખારેક પકવનારાઓ આર્થિક રીતે પણ કઈ રીતે મજબૂત બને તે માટે ઈઝરાયેલની ટેકનોલોજી હવે કચ્છના ઘરઆંગણે ઉપલબ્ધ બનશે. ઈઝરાયેલ સરકારના સહયોગથી કુકમા નજીક બનાવાયેલું દેશનું સર્વપ્રથમ ખારેક સંશોધન કેન્દ્ર તૈયાર થઈ ચૂક્યું છે. 17મી જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ  રિમોટ કન્ટ્રોલ વડે તેને ઉદઘાટિત કરશે તે સાથે જ ખારેકના ક્ષેત્રમાં એક નવું પ્રકરણ શરૂ થશે.
ભુજ-ભચાઉ રોડ પર જિલ્લામથકથી 10 કિ.મી.ના અંતરે આવેલા આ કેન્દ્રના પરિસરની મુલાકાત લીધી ત્યારે ઉદ્ઘાટન પહેલાંની આખરી તૈયારીઓનો ધમધમાટ નજરે પડયો હતો.  સેન્ટર ફોર એક્સેલેન્સ ફોર ડેટપામ એવા ભારેખમ અંગ્રેજી નામ ધરાવતું આ ખારેક ઉત્કૃષ્ટતા કેન્દ્ર ચાર હેક્ટર (10 એકર)માં ફેલાયેલું છે. 
અહીં મળી ગયેલા નાયબ બાગાયત નિયામક ભુજ ડૉ. ફાલ્ગુન મોઢે વિગતો આપતાં જણાવ્યું હતું કે આખો પ્રોજેક્ટ છેલ્લાં બે વર્ષથી વિચારણા તળે હતો અને હવે સાડા ચાર કરોડના ખર્ચે આ અદ્યતન ભવન નિર્માણ પામ્યું છે. તેમણે કહ્યું કે આખો પ્રોજેક્ટ મિશન ફોર ઈન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર તળે હાથ ધરાયો છે. ઇઝરાયેલની `મશાવ' એજન્સી આ પ્રોજેકટમાં જોડાયેલી છે.
તેમણે કહ્યું કે કચ્છમાં 18 હજાર હેક્ટરમાં સવા લાખ ટન ખારેકનો પાક લેવાય છે.
આ કેન્દ્ર થકી ખારેકનું ઉત્પાદન વધારવા, ગુણવત્તા વધારવા અને ખેડૂતોને સારા ભાવ અપાવવાના પ્રયાસો કરવામાં આવશે.
ડૉ. મોઢે કહ્યું કે કચ્છમાં જૂન - જુલાઈમાં ખારેકનું ઉત્પાદન થતું હોય છે અને તેની પાછળ તરત જ વરસાદ આવતો હોવાથી તે ઉતાર્યા બાદ બગડે નહીં, તેનું ઉત્પાદન વધે, સૂકી ખારેક બનાવીને તેનું મૂલ્યવર્ધન નિકાસ કઈ રીતે થઈ શકે તે દિશામાં ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે.
ડૉ. મોઢે જણાવ્યું કે આ પરિસરમાં  10 હજાર ચોરસ મીટરમાં એક નેટહાઉસ બનાવવામાં આવ્યું છે જેમાં પીલાની નર્સરીનું નિદર્શન આપવામાં આવશે. તે સિવાય પીલાના વાવેતર માટે વિશાળ ખેતર પણ બનાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે અહીં ખેડૂતોને નિદર્શન અને માર્ગદર્શન માટે બોલાવવામાં આવશે તથા તજજ્ઞો તેમના પ્રશ્નો સાંભળીને યોગ્ય સૂચનો કરશે. અહીં ખેડૂતોને રહેવા માટેની સુવિધા પણ વિકસાવવામાં આવી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer