દૂધનાં વધુ ઉત્પાદનથી ગોપાલકોની મુશ્કેલીઓ વધી

દૂધનાં વધુ ઉત્પાદનથી ગોપાલકોની મુશ્કેલીઓ વધી
અમદાવાદ, તા. 12 જાન્યુ.
માર્ચ મહિના સુધીમાં સ્કીમ્ડ મિલ્ક પાઉડર (એસએમપી)નો જથ્થો બે લાખ ટનના સ્તરે થવાની ધારણાને પગલે ભારતીય ડેરીઓ વિપુલતાની વિપત્તિઓનો સામનો કરી રહી છે. આ મોસમમાં દૂધની સહકારી મંડળીઓ પાસે અગાઉથી 20 ટકા વધુ દૂધ આવી રહ્યું છે, પરંતુ તેમની પાસે તેને પાઉડરમાં ફેરવવા પર્યાપ્ત ક્ષમતાનો અભાવ છે. પરિણામે ખેડૂતોને મળતા ખરીદભાવમાં સરેરાશ 20 ટકાનો ઘટાડો થયો છે.
દૂધની સહકારી મંડળીઓએ સરકારને બફર સ્ટોક તરીકે દૂધનો પાઉડર ખરીદવાની અથવા નિકાસ સબસિડી જાહેર કરવાની માગણી કરી છે, કેમ કે વૈશ્વિક ભાવ પણ નિકાસ માટે આકર્ષક રહ્યા નથી. જો આનો યોગ્ય ઉપાય નહીં કરાય તો તેની અસર આગામી સિઝનમાં દૂધના ઉત્પાદન પર થઈ શકે છે. દેશમાં એસએમપીનો જથ્થો રૂા. 16-20 અબજનો હોવાનો અંદાજ છે.
એસએમપીના ભરાવાને હળવો કરવા સરકાર ઓછામાં ઓછા 20,000-30,000 ટનનો બફર સ્ટોક ઊભો કરવાની અથવા નિકાસ સબસિડી જાહેર કરવાની અમે સરકારને વિનંતી કરી છે એમ ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ના મૅનેજિંગ ડિરેકટર આર. એસ. સોઢીએ કહ્યું હતું.
શિયાળાની હાલની સિઝનમાં રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સહકારી મંડળીઓ પાસે સામાન્ય કરતાં 30 ટકા વધુ દૂધ આવે છે. સોઢીએ જણાવ્યું હતું કે ખાનગી ડેરીઓએ દૂધની ખરીદી સંપૂર્ણપણે બંધ કરી છે, કેમ કે તેનાં વેચાણમાં પોસાણક્ષમતા હોય તેવું તેમને લાગતું નથી. એક મહિનાથી તો ઘીના ભાવ પણ પ્રતિ ટન 100 રૂપિયા ઘટયા છે.
કર્ણાટક સરકાર ખેડૂતોને પ્રતિ લિટર રૂા. 5 સબસિડી આપે છે. કર્ણાટક મિલ્ક ફેડરેશન (કેએમએફ)ને રોજનું 72 લાખ લીટર દૂધ મળી રહ્યું છે, જ્યારે દૈનિક વેચાણ 32 લાખ લીટરનું છે. વધારાના દૂધની આવકથી કેએમએફ ચેન્નઈ, મુંબઈ અને હૈદરાબાદની બજારોમાં દૂધનો પુરવઠો મોકલી રહ્યું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer