ખેડૂતોનાં કમોતને પગલે જંતુનાશક દવાઓનાં વેચાણ માટે વિગતવાર નીતિ ઘડાશે

ખેડૂતોનાં કમોતને પગલે જંતુનાશક દવાઓનાં વેચાણ માટે વિગતવાર નીતિ ઘડાશે
મુંબઈ, તા. 12 જાન્યુ. 
રાજ્યમાં અનેક ખેડૂતોનાં સંભવત: જંતુનાશકોના ઉપયોગને પગલે નીપજેલાં મોતને પગલે રાજ્ય સરકાર જંતુનાશકોનાં વેચાણ માટે નવી નીતિ ઘડી રહી છે. રાજ્યમાં હલકી કક્ષાની અને બિન-સલાહભરી જંતુનાશક દવાઓના વેચાણને અટકાવવાનો તેનો ઈરાદો છે.  
ઓક્ટોબર 2017થી આજ સુધીમાં યવતમાલ જિલ્લામાં સંભવિત ઝેરને કારણે 21 ખેડૂતોનાં મૃત્યુ થતાં દેશભરમાં આક્રોશ પેદા થયો હતો. કપાસના પાક પર ગુલાબી ઈયળનો ઉપદ્રવ સતત ચાલુ રહેતા આ ખેડૂતોએ ભારે માત્રામાં જંતુનાશકો દવાઓનો છંટકાવ કરવાનો માર્ગ લીધો હતો.   
મહારાષ્ટ્રના કૃષિ સચિવ બિજય કુમારે કહ્યું કે રાજ્ય સરકાર ખેડૂતોને વેચવામાં આવતી તમામ જંતુનાશક દવાઓનું પગેરું શોધી શકાય તેવી વ્યવસ્થા કરવા  ઈચ્છે છે. પ્રસ્તાવિત નીતિનો ઉદ્દેશ એવો હશે કે રાજ્યમાં માત્ર સેન્ટ્રલ ઇન્સેક્ટીસાઇડ બોર્ડ એન્ડ રજિસ્ટ્રેશન કમિટી પાસે નોંધાયેલી દવાઓ જ વેચાય. 
તેમણે કહ્યું હતું કે ઘણીવાર દવા બનાવે છે એક કંપની પણ તેનું વેચાણ અન્ય કંપની મારફત થાય છે. આને સહ-વેચાણ (કો-માર્કાટિંગ) કહે છે, પણ તેમાં ઘણાં છીંડાં છે. કો-માર્કાટિંગ દ્વારા વેચાતી દવાઓમાં દવા બનાવનારી અને વેચનારી કંપનીઓનાં નામ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવે તે જરૂરી છે.  કો-માર્કાટિંગમાં સંડોવાયેલી બન્ને કંપનીઓને દવા માટે જવાબદાર લેખવામાં આવશે.  
એક જાણીતી જંતુનાશક કંપનીના સલાહકારે કહ્યું કે કો-માર્કેટિંગમાં ઘણીવાર સ્થાપિત પ્રવિધિઓ અને વાજબી વેપારી રીતરસમોનું ઉલ્લંઘન થાય છે. દવાના પેકેજ પરનાં લેબલ પર તે બનાવનાર કંપનીનું નામ અને તેની અંદર વપરાયેલી સામગ્રી સ્પષ્ટપણે દર્શાવાતાં નથી. 
એક જ કંપની એક જ દવા અનેક નામ હેઠળ જુદાજુદા ભાવે વેચે છે. તેનાથી ખેડૂતમાં ગૂંચવાડો સર્જાય છે અને સરકાર અને કંપનીઓ વચ્ચે અવિશ્વાસ પેદા થાય છે.  
સત્તાવાર આંકડા અનુસાર 2016-17માં દેશમાં 57,000 ટન રાસાયણિક જંતુનાશકોનો વપરાશ થયો હતો જેમાં 13,496 ટન (23.5 ટન )ના વપરાશ સાથે મહારાષ્ટ્ર મોખરે હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer