ખેડૂતોએ બિયારણ કંપનીઓ પાસે રૂા. 6500 કરોડનું વળતર માગ્યું

ખેડૂતોએ બિયારણ કંપનીઓ પાસે રૂા. 6500 કરોડનું વળતર માગ્યું
કપાસનાં હલકી ગુણવત્તાનાં બિયારણથી પાકને નુકસાન થતાં
મુંબઈ, તા. 12 જાન્યુ.
રાજ્યના વિદર્ભ અને મરાઠાવાડમાં કપાસનું હલકી ગુણવત્તાનું બિયારણ વેચવા બદલ બિયારણની 216 ખાનગી કંપનીઓ સામે 12 લાખ ખેડૂતોએ કૃષિ વિભાગ સમક્ષ ફરિયાદ નોંધાવી છે.
ખાનગી કંપનીઓનું કપાસનું બિયારણ ગુલાબી ઇયળના હુમલાને અટકાવી શકયું નથી અને તેને પરિણામે કપાસનો પાક ઘટયો હોવાનું જણાવી ખેડૂતોએ રૂા. 6500 કરોડના વળતરની માગણી કરી છે.
કૃષિ વિભાગે ગુલાબી ઇયળને લીધે કપાસના કુલ પાકને થયેલાં નુકસાનની સમીક્ષા બુધવારે કરી હતી.
ખેડૂતોએ પહેલી વખત જ બિયારણની ખાનગી કંપનીઓ સામે ફરિયાદ નોંધાવી છે. અમે તેમને અરજી આપવા પ્રોત્સાહિત કર્યાં છે અને વળતર મેળવવાનો પ્રયાસ કરશે એમ વસંતરાવ નાઇક શેતી સ્વાવલંબન સંગઠનના પ્રમુખ કિશોર તિવારીએ કહ્યું હતું.
નાગપુરમાં વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન સરકારે ગુલાબી ઇયળથી નુકસાન પામેલા ખેડૂતોને નેશનલ ડિઝાસ્ટર રિસપોન્સ ફોર્સ (એનડીઆરએફ)ના નિયમો મુજબ વળતર આપવાનું વચન આપ્યું છે. વધુમાં નુકસાન ગ્રસ્ત કપાસના ખેડૂતોને બિયારણની ખાનગી કંપનીઓ અને પાક વીમા કંપનીઓ પાસેથી અલાયદું વળતર મળશે એમ પણ સરકારે જાહેર કર્યું છે.
તિવારીએ કહ્યું હતું કે એનડીઆરએફ અસરગ્રસ્ત પ્રતિ હેક્ટર રૂા. 18,000નું વળતર ચૂકવશે. જોકે, વળતરની આ લઘુતમ રકમ છે, વાસ્તવિક રકમ વધી શકે છે.
ખાનગી કંપનીઓનું બિયારણ વાપરવાથી પાકની ઊપજ નોંધપાત્ર ઘટી છે, જે ખેડૂતો માટે આર્થિક આફત છે. તેઓને વળતર મળવું જ જોઈએ, એમ તિવારીએ વધુમાં જણાવ્યું હતું.
દરમિયાન સરકારના રિલિફ ઍન્ડ રિહેબિલિટેશન વિભાગે ખેડૂતોના વળતર માટે કેન્દ્ર સરકાર પાસેથી રૂા. 2425 કરોડની  સહાયની માગણી કરી છે અને જે ખેડૂતોના પાકને 33 ટકા નુકસાન થયું છે, તેમને તે સહાય પહોંચાડાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer