સિંગલ બ્રાન્ડ રિટેલ વિષે સરકાર નિર્ણય નહીં બદલે તો આંદોલન : કૈટ

સિંગલ બ્રાન્ડ રિટેલ વિષે સરકાર નિર્ણય નહીં બદલે તો આંદોલન : કૈટ
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 12 જાન્યુ.
ધ કૉન્ફડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ)નાં નેશનલ જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, સરકાર સિંગલ રિટેલમાં 100 ટકા એફડીઆઈનો પોતાનો નિર્ણય પાછો નહિં ખેંચે તો વેપારીઓ દેશભરમાં આંદોલન કરશે. 
ભાજપે 2014માં આજ મુદે્ યુપીએ સરકારનો જોરદાર વિરોધ કરી સત્તાહાંસલ કરી હતી. હવે, જ્યારે પોતે જ સરકારમાં છે ત્યારે આ પ્રકારનાં નિર્ણય નાના વેપારીઓની મુશ્કેલીઓ વધશે. સરકારનાં આ નિર્ણયથી વેપારીઓને સીધી અસર થશે. સિંગલ રિટેલમાં 100 ટકા વિદેશી રોકાણનાં કારણે ઘરઆંગણનાં ઉત્પાદકોને અગણિત મુશ્કેલી આવશે. સરકારને આ નિર્ણયને પાછો ખેંચવા માટે કૈટ તમામ સ્તરે રજૂઆત કરશે. 
કૈટનાં ગુજરાત ચેપ્ટરનાં પ્રમુખ પ્રમોદ ભગતે ઉમેર્યુ હતું કે, એકબાજુ સરકાર સ્થાનિક ઉત્પાદન વધારીને નિકાસને પ્રોત્સાહન આપવાની હિમાયત કરે છે. આ પ્રકારનાં બેવડા વલણનો અમે વિરોધ નોંધાવીએ છીએ. જરૂર પડે તો કૈટ દેશભરમાં આ મુદે્ આંદોલન છેડશે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer