જીએસટી કાઉન્સિલ 18મીએ હેન્ડિક્રાફ્ટ્સની વ્યાખ્યા નક્કી કરશે

જીએસટી કાઉન્સિલ 18મીએ હેન્ડિક્રાફ્ટ્સની વ્યાખ્યા નક્કી કરશે
હાથ બનાવટનાં કાગળ, અગરબત્તી, લાકડાંનાં ફર્નિચર સહિત અનેક ચીજવસ્તુઓ ઉપર જીએસટીના દર સ્પષ્ટ થશે
નવી દિલ્હી, તા. 12 જાન્યુ.
હેન્ડિક્રાફ્ટ હેઠળ કઈ ચીજવસ્તુઓ આવશે તે વિશે અસ્પષ્ટતા હોવાને પગલે 18મી જાન્યુઆરીના રોજ મળનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં હેન્ડિક્રાફ્ટની ચીજવસ્તુઓની નવી વ્યાખ્યા નક્કી કરાશે તેવી ધારણા છે. દેશમાં હેન્ડિક્રાફ્ટનાં ઉત્પાદનોની નિકાસ વધવાની સંભાવનાને કારણે જીએસટી લાગુ કરવા માટે કઈ ચીજવસ્તુઓને હેન્ડિક્રાફ્ટ હેઠળ ગણવી એ વિશે ઘણા વાદ-વિવાદ થઈ રહ્યા છે. અગાઉ કાઉન્સિલે રચેલી કમિટીએ હેન્ડિક્રાફ્ટની ચીજવસ્તુઓના જોબવર્ક ઉપર જીએસટીનો દર ઘટાડીને પાંચ ટકા કરવાની દરખાસ્ત મૂકી હતી. પરંતુ તેના પગલે હેન્ડિક્રાફ્ટ હેઠળ કઈ ચીજવસ્તુઓને ગણવી એવી નવી મૂંઝવણ સર્જાઈ હતી.
જીએસટી કાઉન્સિલને કેટલીક ચીજવસ્તુઓ હાથ બનાવટના ક્ષેત્રમાં આવતી હોવાનું જણાવીને તેના પર જીએસટીનો દર ઘટાડવા અથવા જીએસટીમાંથી અપવાદ આપવા માટે કેટલાંક રાજ્યો તરફથી અરજીઓ મળી હતી. કાઉન્સિલે આ સમસ્યાનો ઉકેલ શોધવા સીબીઈસીના વડા વનાજા સરનાની આગેવાની હેઠળ એક પેનલ રચી હતી, જેણે કાઉન્સિલને પોતાનો અહેવાલ સુપરત કરી દીધો છે. ભારત દર વર્ષે હાથબનાવટની કાર્પેટ સહિત હેન્ડિક્રાફ્ટ્સની લગભગ $ 4000 કરોડની નિકાસ નોંધાવે છે. આ ક્ષેત્રની મુખ્ય સમસ્યા એ છે કે તેમાં હાથબનાવટ અને મશીન બનાવટની ચીજવસ્તુઓને અલગ તારવવામાં નથી આવી, જેના પગલે હાથબનાવટની ચીજવસ્તુઓને ગેરફાયદો થાય છે.
સૂચિત વ્યાખ્યામાં જણાવાયું છે કે પ્રોસેસમાં કોઈ સાધન કે મશીનરી વપરાઈ હોય તો પણ મુખ્યત્વે હાથબનાવટની ચીજો હોય, તે જ હેન્ડિક્રાફ્ટ ગણાશે. પેનલે એમ પણ સૂચવ્યું છે કે હેન્ડિક્રાફ્ટની ચીજવસ્તુઓ ઓળખવા માટે નામકારણની પ્રક્રિયા ફરી હાથ ધરવાની જરૂર છે. હાથબનાવટના કાગળ, પરબીડિયાં, લેટર કાર્ડસ, પોસ્ટકાર્ડસ, બોક્સીઝ, પાઉચીઝ અને વોલેટ્સ, અગરબત્તી, ફેબ્રિક, લાકડાનાં ટેબલ, વાંસનું ફર્નિચર વગેરે જેવી ચીજવસ્તુઓને હેન્ડિક્રાફ્ટ હેઠળ સામેલ કરવાની પણ પેનલે ભલામણ કરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer