વૈશ્વિક સોનું સપ્ટેમ્બર પછીની ટોચ ઉપર

વૈશ્વિક સોનું સપ્ટેમ્બર પછીની ટોચ ઉપર
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.12 જાન્યુ.
બુલિયન બજારમાં તેજી આવવાને લીધે એશિયન બજારમાં ફિઝિકલ ઘરાકી શોષાઇ ગઇ છે. અલબત્ત ચીનમાં નવું વર્ષ હવે ટૂંકમાં આવનાર હોવાથી સોનાની માગમાં થોડો વધારો થાય એવી શક્યતા અભ્યાસુઓએ બતાવી હતી. દરમિયાન આજે ન્યૂ યોર્કમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 1332 ડૉલરની સપ્ટેમ્બર 2017 પછીની ટોચની સપાટી પર પહોંચ્યું હતું. અમેરિકી ડૉલરનું મૂલ્ય ચલણ બજારમાં ઘટયું હતું. તેના કારણે સતત ચોથા અઠવાડિયામાં સોનાના ભાવમાં સુધારો જોવા મળ્યો છે. ચીનમાં નવા વર્ષની ખરીદી હવે ખૂલવાની ધારણા છે. તેના લીધે પ્રીમિયમથી સોનું વેંચાય છે. ચીનમાં ગયા અઠવાડિયામાં 6થી 7 ડૉલરનું પ્રીમિયમ ઔંસ દીઠ હતું હવે તે 8 ડૉલર સુધી થઇ ગયું છે. ફેબ્રુઆરીના મધ્યભાગથી ચીનમાં નવું વર્ષ શરૂ થશે. બીજી તરફ ભારતમાં માગ નહીં હોવાને લીધે 2 ડૉલરનું ડિસ્કાઉન્ટ સોના પર ચાલી રહ્યું છે. 
હોંગકોંગની ચી ચીઓંગ ગોલ્ડ ડિલર્સ કંપનીના રોનાલ્ડ લીઉંગ કહે છે, સોનાનો ભાવ ઊંચો છે પરંતુ 1300 ડૉલરની આસપાસ ભાવ સ્થિર થાય તો પ્રીમિયમ તો વધશે તે સાથે સાથે માગમાં પણ વધારો થવાનો અંદાજ છે. ભારતમાં અત્યારે સોનાની માગ સાવ ઠપ છે. હવે કમૂરતાનો સમય છે. ફેબ્રુઆરી અને માર્ચમાં લગ્નો છે એટલે માગમાં થોડો વધારો થઇ શકે છે. જોકે, ઊંચા ભાવને લીધે હાલ પૂરતી માગ પર પણ અસર થવાની શક્યતા છે. ભારતમાં સોનાની આયાત 2017માં 67 ટકા વધીને 855 ટન રહી હોવાનું જીએફએમએસના તાજા અહેવાલમાં જણાવાયું છે. નવા વર્ષે પણ આયાત સારી થશે.
દરમિયાન રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂા.150ના સુધારા સાથે રૂા.30,850 હતો. મુંબઈમાં રૂા.235 ઊંચકાઇને 4. 29,980 હતું. ચાંદી ન્યૂ યોર્કમાં ઔંસ દીઠ 17.11 ડૉલર હતી. સ્થાનિકમાં કિલોના રૂા.100 વધતા રૂા.39,400 હતા. મુંબઈ ચાંદી રૂા.255 વધીને રૂા.38,850 હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer