આધાર કાર્ડને બદનામ કરવા વ્યવસ્થિત ઝુંબેશ ચાલી રહી છે : નંદન નિલકેણી

આધાર કાર્ડને બદનામ કરવા વ્યવસ્થિત ઝુંબેશ ચાલી રહી છે : નંદન નિલકેણી
નવી દિલ્હી, તા. 12 જાન્યુ.

આધાર કાર્ડને બદનામ કરવા માટે વ્યવસ્થિત ઝુંબેશ ચાલી રહી છે, એવો આક્ષેપ યુનિક આઇડેન્ટિફિકેશન અૉથોરિટી ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ અધ્યક્ષ નંદન નિલકેણીએ કર્યો છે. ઇન્ફોસિસ સાયન્સ ફાઉન્ડેશન એવૉર્ડ સમારોહના નેપથ્યમાં `િટ્રબ્યુન' અખબારના સંવાદદાતા સામે નોંધાયેલા એફઆઈઆર વિષે પ્રતિભાવ આપતાં નિલકેણીએ કહ્યું હતું કે `હા, આધારને બદનામ કરવા માટે વ્યવસ્થિત ઝુંબેશ ચલાવાઈ રહી છે.' 

આશરે એક અબજ આધાર કાર્ડની માહિતી લીક થઇ ગઈ હોવાનો અહેવાલ ટ્રિબ્યુનમાં પ્રગટ થયા પછી યુઆઈડીએઆઈના એક અધિકારીએ કરેલી ફરિયાદના પગલે દિલ્હી પોલીસે સોમવારે તે અહેવાલ આપનાર પત્રકારના નામ સહિતનો એફઆઈઆર નોંધ્યો હતો. અધિકારીએ પોલીસને જણાવ્યું હતું કે પત્રકારે ખરીદદારના સ્વાંગમાં વોટ્સ ઍપ પર આધાર નંબરોની વિગતો આપતી માહિતી ગુમનામ વેચનારાઓ પાસેથી ખરીદી હતી.  

નિલકેણીએ કહ્યું હતું કે આ ઘટનાને વધુપડતી ચગાવવામાં આવી છે કેમ કે આધારમાં સુરક્ષાના ઘણા બધા સ્તરો આમેજ કરાયા છે અને તેમની પાછળની માહિતી સહેલાઈથી ઉઠાવી લેવાનું શક્ય નથી. એફઆઈઆર વિષે તેમણે કહ્યું હતું કે આધાર વિશેના નકારાત્મક વિચારોનો પ્રતિભાવ પણ નકારાત્મક જ આવશે. તેથી આધાર વિષે રચનાત્મક દૃષ્ટિકોણ અપનાવવો જરૂરી છે. દરેક વ્યક્તિએ સ્વીકારવું રહ્યું કે આધાર હવે અહીં રહેશે જ. આશરે 119 કરોડ લોકો પાસે આધાર છે, 55 કરોડ લોકોએ આધારને તેમના બેન્ક ખાતાં સાથે જોડી દીધો છે અને આધારને આધારે રૂા. 95,000 કરોડની સરકારી સહાય વિતરિત થઇ છે.  

નિલકેણીએ કહ્યું હતું કે સર્વોચ્ચ અદાલત અંગત ગુપ્તતાના મૂળભૂત અધિકાર અન્વયે આધાર કાર્ડને બહાલ રાખશે એવી મને ખાતરી છે કેમ કે આધારનો કાયદો પ્રમાણસરનો અને વાજબી છે.  

આધાર નંબરોની ગુપ્તતા જાળવવા માટે દ્વિસ્તરીય સુરક્ષા પદ્ધતિ દાખલ કરવાના નિર્ણયને આવકારતાં તેમને કહ્યું હતું કે યુઆઈડીએઆઈનો આ નિર્ણય ખરેખર મહત્ત્વનો છે અને તેનાથી આધાર કાર્ડ સામેનો કેસ લગભગ તૂટી પડે છે.  

તેમને કહ્યું હતું કે  યુઆઈડીએઆઈએ આધાર કાર્ડધારકો માટે એક ઓનલાઇન ઓળખ દાખલ કરી છે જેને લઈને હવે લોકોએ તેમની ઓળખ પ્રમાણિત કરવા માટે આધાર નંબર આપવાની જરૂરત રહેતી નથી. વળી વિવિધ ડેટાબેઝોમાં આધાર નંબરોને સંગ્રહવાની પદ્ધતિનું નિયમન કરવામાં આવનાર છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer