ભારતે ઉપગ્રહો છોડતાં પાકિસ્તાનને પેટમાં ચૂંક આવી

ભારતે ઉપગ્રહો છોડતાં પાકિસ્તાનને પેટમાં ચૂંક આવી
નવી દિલ્હી, તા. 12 જાન્યુ.

ધ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ અૉર્ગેનાઈઝેશન (ઈસરો)એ તેનો 100મો અને વર્ષ 2018નો પ્રથમ ઉપગ્રહ શુક્રવારે સવારે છોડયો હતો. આ પ્રક્ષેપણમાં કુલ 31 નાના (માઈક્રો અને નેનો) સેટેલાઈટ અવકાશમાં છોડવામાં આવ્યા હતા, જેમાં ભારત ઉપરાંત અમેરિકા, કૅનેડા, ફિનલૅન્ડ, ફ્રાન્સ, દક્ષિણ કોરિયા અને બ્રિટનના ઉપગ્રહોનો પણ સમાવેશ થાય છે. ભારતમાં આ સફળતાની ઉજવણી થઈ રહી છે, ત્યારે પાડોશી દેશને પેટમાં દુખ્યું છે. ઉપગ્રહો છોડાયા તે પહેલાં પણ પાકિસ્તાને ભારતને કઠોર ચેતવણી આપી હતી. 

પાકિસ્તાનમાં ગુરુવારે સાંજે યોજાયેલી પત્રકાર પરિષદમાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાને ઉપગ્રહ પ્રક્ષેપણ બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ``ભારત રિમોટ સેન્સિંગ સેટેલાઈટ કાર્ટોસેટ-2 સિરીઝ સહિત 31 નાના સેટેલાઈટ લોન્ચ કરશે, જેમાં સર્વેલન્સની ક્ષમતા હશે. ભારત સંરક્ષણ અને સર્વેલન્સમાં આ રીતનું રોકાણ કરી રહ્યું છે તે બાબતે તમારો શું મત છે? એમ પૂછવામાં આવતાં પ્રવક્તાએ કહ્યું કે, સેટેલાઈટ લોન્ચ કરવા પાછળ બિનલશ્કરી અને લશ્કરી બંને પ્રકારના હેતુ હોઈ શકે છે. જો આ સેટેલાઈટ છોડવા પાછળનો લક્ષ્ય લશ્કરી ક્ષમતામાં વધારો કરવાનો હોય તો તેનાથી આ વિસ્તારની વ્યૂહાત્મક સ્થિરતા પર નકારાત્મક અસર થઈ શકે છે. 

દરેક રાષ્ટ્રને શાંતિમય હેતુ માટે આવકાશી ટેકનૉલૉજીનો ઉપયોગ કરવાનો હક્ક છે. જોકે, એ વાતની ખાતરી કરવી જોઈએ કે દ્વિમુખી ટેકનૉલૉજીનો કોઈ દેશ લશ્કરી ક્ષમતા વધારવા માટે ઉપયોગ ન કરતો હોય. 

ભારતે ઈસરોની સ્થાપના કરી તેનાં આઠ વર્ષ પહેલાં 1961માં  પાકિસ્તાને સ્પેસ ઍન્ડ અપર એટમોસફિયર રિસર્ચ કમિશન (સુપાર્કો)ની સ્થાપના કરી હતી. જોકે, ત્યાર બાદ ભારતનું ઈસરો તેનાથી આગળ નીકળી ગયું હતું. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઈસરોની શુક્રવારની સફળતાને વધામણી આપતાં કહ્યું કે, ઈસરોનું 100માં ઉપગ્રહનું પ્રક્ષેપણ ઈસરોની નોંધપાત્ર સફળતા અને ભારતીય સ્પેસ પ્રોગ્રામના ઉજ્જવળ ભવિષ્યની નિશાની છે. 

ભારતીય અવકાશી કાર્યક્રમનું બજેટ ચાર અબજ ડૉલર જેટલું છે અને મોદી સરકારને આશા છે કે હાલના પ્રક્ષેપણને પગલે ભારત 300 અબજ ડૉલરના વૈશ્વિક અવકાશ બજારમાં પોતાનો હિસ્સો વધારી શકશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer