ન્યાયમૂર્તિ અરુણ મિશ્રાની બેન્ચને સોંપવા સામે ન્યાયમૂર્તિઓનો વિરોધ

ન્યાયમૂર્તિ અરુણ મિશ્રાની બેન્ચને સોંપવા સામે ન્યાયમૂર્તિઓનો વિરોધ
જસ્ટિસ લોયાનો મૃત્યુ કેસ 

વરિષ્ઠ ન્યાયાધીશોના પત્રકાર પરિષદમાં આક્ષેપો

નવી દિલ્હી, તા. 12 જાન્યુ.

એક અભૂતપૂર્વ ઘટનામાં સુપ્રીમ કોર્ટના દ્વિતીય વરિષ્ઠ ન્યાયાધીશ જે. ચલમેશ્વર ઉપરાંત ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ, ન્યાયમૂર્તિ એમ. બી. લોકુર અને ન્યાયમૂર્તિ કુરિયન જોસેફે તઘલખ રોડ પરના ન્યાયમૂર્તિ ચેલમેશ્વરના રહેઠાણ પર આજે સવારે એક પત્રકાર પરિષદ બોલાવીને એવો આક્ષેપ કર્યો હતો કે સુપ્રીમ કોર્ટનો કારોબાર યોગ્ય રીતે ચાલતો નથી. છેલ્લા થોડાક મહિનાઓમાં ઘણી અનિચ્છનીય બાબતો ઘટી છે.

ન્યાયમૂર્તિ લોયાના મૃત્યુસંબંધી કેસ ન્યાયમૂર્તિ અરુણ મિશ્રાની બેન્ચને સોંપવાની બાબત આ અસાધારણ પત્રકાર પરિષદ યોજવાનું કારણ હોવાનું મનાય છે.

જસ્ટિસ જે. ચલમેશ્વરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમે ચાર ન્યાયાધીશોએ દેશના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાને આ સંસ્થાના હિતમાં તેમની રીતરસમો સુધારવાનું કહ્યું હતું. 

અમે છેલ્લા કેટલાક મહિનાઓમાં બનેલી ઘટનાઓ તેમના ધ્યાન પર આણી હતી, દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેનું કોઈ પરિણામ આવ્યું નહોતું.

વીસ વર્ષ બાદ રાષ્ટ્ર અમને એમ ન કહે કે અમે અમારો આત્મા વેચી દીધો હતો - એટલે અમે આ પગલું લીધું છે.

બે-ત્રણ મહિના પૂર્વે અમે ચાર ન્યાયાધીશોએ સહી કરેલો એક પત્ર મુખ્ય ન્યાયાધીશને સોંપ્યો હતો. અમુક બાબત અમુક રીતે થવી જોઈએ તેમ અમે ઈચ્છતા હતા, છતાં આમ થઈ શક્યું નહોતું. આથી સુપ્રીમ કોર્ટની પ્રામાણિકતા બાબત વધુ પ્રશ્નો ઊભા થયા છે.

ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના અનુગામી તરીકે જેમનું નામ બોલાય છે તે જસ્ટિસ રંજન ગોગોઈએ જણાવ્યું હતું કે અમે કોઈ બિરાદરીનો ભંગ કર્યો નથી. અમે અમારું રાષ્ટ્ર પ્રત્યેનું ઋણ અદા કરીએ છીએ.

ન્યાયમૂર્તિ જે. ચલમેશ્વરે જણાવ્યું હતું કે અમે ચાર જણા આજે સવારે ચીફ જસ્ટિસને જજ લોયાના મૃત્યુ અંગેની ઘટના બાબત મળ્યા હતા, પણ તેનો કોઈ અર્થ સર્યો નહોતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer