નાદારી પ્રક્રિયામાં રેઝોલ્યુશન પ્રોફેશનલ્સને બદલી શકાશે

મુંબઈ, તા. 9 ફેબ્રુ.
નેશનલ કંપની લૉ એપલેટ ટ્રિબ્યુનલ (એનસીએલટી)એ સ્પષ્ટતા કરી છે કે નાદારીની અદાલતને જો રેઝોલ્યુશન પ્રોફેશનલ (આરપી - ઠરાવ મૂકનાર વ્યાવસાયિક)ની કામગીરીથી સંતોષ ન હોય તો તેને બદલવાનો અધિકાર છે. ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે નાદારીની પ્રક્રિયામાં આરપી પાસે ઘણી સત્તા છે, પરંતુ આ સત્તા અમર્યાદિત કે અબાધ્ય નથી. વીએનઆર ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ માટે નિયુક્ત આરપી દેવેન્દ્ર પદ્મચંદ જૈનની અરજીની સુનાવણી દરમ્યાન અદાલતે આ ચોખવટ કરી હતી. જૈને પોતાને હટાવવા સામે એનસીએલટીની હૈદરાબાદ બેન્ચ સમક્ષ અરજી કરી હતી.
દરમ્યાન સર્વોચ્ચ અદાલતે એક ચુકાદામાં કંપનીઝ એક્ટ, 2013 હેઠળ અરજી કરવા માટેનો સમયગાળો યથાવત્ રાખવાનો આદેશ આપ્યો છે અને તે વધુ લંબાવી નહીં શકાય તેમ જણાવ્યું છે. આને પગલે નાદારીના નવા કાયદા હેઠળ પરત નહીં ચૂકવાયેલાં દેવાંનો ઠરાવ પૂરો કરવા માટે વધુ સમય માગતી કંપનીઓને વધુ એક ફટકો પડયો છે. કંપનીઝ એક્ટની કલમ 421 (3) મુજબ એનસીએલટીને નાદારી બાબતે અરજી કરવાનો ગાળો એનસીએલટીના આદેશની તારીખથી 45 દિવસનો છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer