કાળાં નાણાંને હિસાબી બનાવતી 884 કંપનીઓ ઉપર તવાઇ

મુંબઈ, તા.9 ફેબ્રુ.
પ્રિવેન્શન અૉફ મની લૉન્ડરિંગ એક્ટ (પીએમએલએ - નાણાંની ગેરકાયદેસર હેરફેરના કાયદા) હેઠળ 884 કંપનીઓ ઉપર ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હોવાનું તેમ જ રૂા.5,000 કરોડની અસ્ક્યામતો ટાંચમાં લેવાઈ હોવાનું માહિતી કંપની બાબતોના રાજ્ય કક્ષાના પ્રધાન પી પી ચૌધરીએ રાજ્યસભામાં જણાવ્યું હતું. જોકે, આમાંથી એકપણ કંપનીએ સરકાર દ્વારા મુકાયેલા નાણાંની ગેરકાયદેસર હેરાફેરીના આક્ષેપને રદ્દ કર્યો નથી. 
તેમણે ઉમેર્યું કે આ કંપનીઓ સામેની તપાસને પગલે જ રૂા.5066.3 કરોડની અસ્ક્યામતો ટાંચમાં લેવાઈ છે અને પીએમએલએ હેઠળ 58 ફરિયાદો નોંધવામાં આવી છે. ઉપરાંત, ડિસેમ્બર, 2017 સુધીના બે વર્ષ કે તેથી વધુ સમયના ગાળા માટે નિક્રિય રહેવા બદલ 2.26 લાખ કંપનીઓને રદ્દ કરવામાં આવી છે. 
3,00,000 વ્યક્તિઓ નિયમનકારી જરૂરિયાતો પૂરી કરતા ન હોવાથી તેમને રજિસ્ટર્ડ કંપનીઓના ડિરેક્ટર પદ માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. આ ડિરેક્ટર્સમાંથી 2,00,000 ગેરલાયક ઠરેલા ડિરેક્ટર્સ ડિરજિસ્ટર્ડ કરાયેલી કંપનીઓના બોર્ડમાં હતા.
ચૌધરીએ એમ જણાવ્યું હતું કે સરકારે ચાલુ નાણાં વર્ષના જુલાઈથી નવેમ્બરના માત્ર પાંચ જ મહિનાના ગાળામાં 16 કિસ્સાઓમાં રૂા.5.70 કરોડની જીએસટીની ચોરી પણ પકડી પાડી છે. વર્ષ 2017-18માં એપ્રિલથી ડિસેમ્બરના ગાળામાં કુલ 2,938 કિસ્સાઓમાં રૂા.9,660 કરોડની સર્વિસ ટૅક્સની ચોરી પકડાઈ છે. સરકારે રૂા.7,242 કરોડની સેન્ટ્રલ એક્સાઈઝની ચોરીના 614 કિસ્સાઓ પણ પકડ્યા છે, જ્યારે રૂા.3,987 કરોડની કસ્ટમ્સની ચોરીના 29,969 કિસ્સાઓ પકડયા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer