જાહેર ક્ષેત્રની બૅન્કોએ સકંજો કસતાં લેભાગુ કંપનીઓમાં ફફડાટ

નવી દિલ્હી, તા. 9 ફેબ્રુ.
સરકારે જાહેર કરેલા સુધારાના એજન્ડાને પગલે રાજ્ય-હસ્તકની બૅન્કોએ ઝડપભેર હિસાબી સાફસફાઈ શરૂ કરી છે અને છેતરપિંડીના કિસ્સામાં હવે લેશમાત્ર પણ ઢીલ મુકાતી નથી. તાજેતરમાં અબજોપતિ જ્વેલર નીરવ મોદી સામે પંજાબ નેશનલ બૅન્કે રૂા. 280.70 કરોડની છેતરપિંડી માટે સીબીઆઈને નોંધાવેલી ફરિયાદ આનું તાજું ઉદાહરણ હોવાનું જાહેર ક્ષેત્રની બૅન્કના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
આગામી મહિનાઓમાં સંબંધિત અધિકારીઓ દ્વારા આ પ્રકારના વધુ કિસ્સાઓ પ્રકાશમાં આવી શકે છે કેમકે નાણાં મંત્રાલયે બૅન્કોને પરત નહીં મળેલાં લેણાંનો તફાવત ભરવા ગંભીરતાપૂર્વક પગલાં લેવાની તાકીદ કરી છે. 24મી જાન્યુઆરીએ નાણાં મંત્રાલયે તમામ બૅન્કોને મોકલેલા સુધારાના એજન્ડામાં શંકાસ્પદ ખાતાંઓની તપાસ હાથ ધરવા અને લેભાગુઓ સામે કડક હાથે યોગ્ય પગલાં લેવા જણાવાયું છે. નાણાં મંત્રાલયના આદેશને પગલે લેભાગુ કંપનીઓ અને તેના પ્રમોટરોમાં ફફડાટ વ્યાપ્યો છે.
જો આવી છેતરપિંડીમાં બૅન્કના કર્મચારીઓનું મળતિયાપણું હોય તો બૅન્કોએ પોતાના કર્મચારીઓ સામે પણ પગલાં લેતાં અચકાવું ન જોઈએ. તેમ જ બૅન્કોએ ચોક્કસ નોંધ ધરાવતા હાઈ વેલ્યુ ખાતાંઓ ઉપર નિયમિત નજર રાખવી જોઈએ, એમ પણ એજન્ડામાં જણાવાયું છે.
એજન્ડામાં બૅન્કોને બાકી લેણાં પરત મેળવવા માટે સંપૂર્ણ સમયના, નિષ્ણાત અને ઉત્સાહી કર્મચારીઓની ટુકડી બનાવી વધુને વધુ રિકવરી મળે તેમ જ સમયસર રિકવરી મળે તેવા પ્રયત્નો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવાયું છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer