આઈબીસીમાં સુધારાને પગલે બૅન્કોને હવે નાદાર કંપનીઓની ``વાજબી કિંમત'''' મળશે

નવી દિલ્હી, તા. 9 ફેબ્રુ.
નાદારી અને દેવાળિયાપણાના કાયદા (આઈબીસી)માં સુધારાને લગતા ખરડાને પ્રધાનમંડળે લીલીઝંડી આપવાને પગલે હવે નાદાર થયેલી કંપનીઓ માટે વાજબી કિંમત મળી શકશે. સુધારેલા નિયમો મુજબ કોર્પોરેટ વ્યક્તિઓની નાદારીની પ્રક્રિયામાં લિક્વિડેશનના મૂલ્ય ઉપરાંત કંપનીનાં દેવાં માટે ફરજિયાતપણે વાજબી મૂલ્ય નક્કી કરવું પડશે. આને પગલે બૅન્કોને બજારમાંથી નાદાર થયેલી કંપનીની યોગ્ય કિંમત મળી શકશે. અત્યાર સુધી બૅન્કોને ઠરાવની પ્રક્રિયા શરૂ થાય તે પહેલા ખૂબ જ નીચું લિક્વિડેશન મૂલ્ય મળતું હતું.
નિયમો મુજબ હવે લેણદારોની સમિતિ, રેઝોલ્યુશન પ્રોફેશનલ (ઠરાવ મૂકનાર વ્યાવસાયિક) અને વેલ્યુઅર (મૂલ્યાંકનકાર)એ વાજબી કિંમત અને લિક્વિડિશનના મૂલ્ય બંને માટે ગુપ્તતા જાળવી રાખવી પડશે. રેઝોલ્યુશન પ્રોફેશનલ દેવાદાર કંપનીની વાજબી કિંમત તેમ જ લિક્વિડેશનનું મૂલ્ય નક્કી કરવા માટે બે રજિસ્ટર્ડ વેલ્યુઅર્સ નિયુક્ત કરશે.
નવા નિયમો મુજબ દેવાદાર કંપનીની અસ્ક્યામતોનું મહત્તમ મૂલ્ય ઉપજાવી શકાય તે માટે રેઝોલ્યુશન પ્લાન પણ આવશ્યક છે. આ પ્લાનમાં લેણદારોને ચૂકવવાની રકમમાં ઘટાડો, પાકતી મુદત લંબાવવી કે વ્યાજ દરમાં ફેરફાર કરવો કે દેવાદાર કંપનીનાં બાકી દેવાંને અન્ય રીતે વ્યાખ્યાયિત કરવા, દેવાદાર કંપનીએ ઉત્પાદિત કરેલા કે મેળવેલા માલ કે સેવાના પોર્ટફોલિયોમાં ફેરફાર કરવો અને દેવાદાર કંપની દ્વારા વપરાતી ટેકનૉલૉજીમાં બદલાવ કરવો વગેરે જેવા મુદ્દા સામેલ થઈ શકે છે.
કોર્પોરેટ પ્રોફેશનલ્સના પાર્ટનર મનોજ કુમારે જણાવ્યું હતું કે સૌથી ઊંચી કિંમત આપનાર બિડર જ હંમેશા સાચી પસંદગી હોય એવું નથી. એટલે, શ્રેષ્ઠ બિડ નક્કી કરતાં કેટલાંક પરિબળો ધ્યાન ઉપર લેવાં જોઈએ. વાજબી કિંમત નક્કી કરવાનું ફરજિયાત બનવાને પગલે કોઈ અરજી ફગાવી દેવાનો આડેધડ નિર્ણય નહીં લેવાય.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer