ભૂષણ પાવર ઍન્ડ સ્ટીલના ખરીદદારની પસંદગી પ્રક્રિયા 16 ફેબ્રુ. સુધીમાં પૂરી થશે

જેએસડબ્લ્યુ સ્પર્ધામાં આગળ
મુંબઈ, તા. 9 ફેબ્રુ.
દેવાદાર અને નાદાર કંપની ભૂષણ પાવર એન્ડ સ્ટીલની ખરીદીના છેલ્લા દિવસે જેએસડબ્લ્યુ સ્ટીલ અને તાતા સ્ટીલે બિડ ભર્યાં હતાં. સૂત્રોના જણાવ્યા મુજબ જેએસડબ્લ્યુ સ્ટીલ રૂા. 130 અબજની ઓફર સાથે સ્પર્ધામાં આગળ છે, જ્યારે તાતા સ્ટીલે રૂા. 115 અબજની ઓફર મૂકી છે. આ બિડ લીગલ ટીમ સમક્ષ રજૂ કરાશે અને તે પછી એસબીઆઈ કેપિટલ્સ તેના નાણાકીય આયોજનોનું મૂલ્યાંકન કરીને લેણદારોની સમિતિ સમક્ષ પોતાનો અહેવાલ રજૂ કરશે. આ પ્રક્રિયા 16મી ફેબ્રુઆરી સુધીમાં પૂરી થશે.
આશરે 13 કંપનીઓએ બિડિંગ પ્રક્રિયામાં રસ દર્શાવ્યો હતો, જેમાંથી કેટલીક કંપનીઓ ગેરલાયક ઠરી હતી અને માત્ર પાંચ કંપનીઓને બિડિંગ માટે વર્ચ્યુઅલ ડેટા રૂમની એક્સેસ અપાઈ હતી. ભૂષણ પાવરના લિક્વિડેશનનું મૂલ્ય આશરે રૂા. 90 અબજ અંદાજવામાં આવ્યું હતું, જ્યારે તેનું વાજબી મૂલ્ય અત્યંત ઊંચું રૂા. 250 અબજ હોવાનું અનુમાન હતું.
નાદાર કંપનીઓનું વાજબી મૂલ્ય ફરજિયાત બનાવાયું તે અગાઉ જ લેણદારોએ વાજબી મૂલ્યનો આગ્રહ રાખ્યો હોય તેવી જૂજ કંપનીઓમાં ભૂષણ પાવર સ્થાન ધરાવે છે. દરમ્યાન રોકડથી સમૃદ્ધ એવી વેદાંતે ઈલેક્ટ્રોસ્ટીલ સ્ટીલ્સનું બિડ હાંસલ કર્યું છે અને ભૂષણ સ્ટીલ તેમજ ભૂષણ પાવર એન્ડ સ્ટીલની ખરીદીની હરીફાઈમાંથી બાકાત રહેવાનું પસંદ કર્યું છે. ઈલેક્ટ્રોસ્ટીલના બિડમાં તાતા સ્ટીલ બીજી સૌથી ઊંચી બિડર કંપની છે. જોકે, વેદાંત અને તાતા સ્ટીલ, બંનેએ ઈલેક્ટ્રોસ્ટીલની ઓફર પોતે ફરી આપવા માગતા હોવા બાબતે લેણદારોની સમિતિને જણાવ્યું છે. જેએસડબ્લ્યુ સ્ટીલે ભૂષણ સ્ટીલ માટે રૂા.300 અબજ, એટલે કે તાતા સ્ટીલની ઓફર કરતાં લગભગ રૂા. 50 અબજ વધુ રકમની ઓફર મૂકી હોવાનું કહેવાય છે. જેએસડબ્લ્યુ સ્ટીલ, ભૂષણ સ્ટીલ ઉપરાંત મોન્નેટ ઈસ્પાત એન્ડ એનર્જીની ખરીદીની સ્પર્ધામાં પણ મોખરે છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer