એલટીસીજી ટૅક્સમાંથી છટકબારી શોધતાં રોકાણકારો માર્ચમાં મોટી વેચવાલીની સંભાવના

મુંબઈ, તા. 9 ફેબ્રુ.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ખાનગી ઈક્વિટી ફંડ્સ અને ઊંચી નેટવર્થ ધરાવતી વ્યક્તિઓ (એચએનઆઈ) સહિતના અનેક રોકાણકારો લાંબા ગાળાના મૂડી વળતર (એલટીસીજી) ઉપરના ટૅક્સને ટાળવા કે તેની અસર ઘટાડવા માટે જાતજાતની તરકીબો કરી રહ્યા છે. આ ત્રણેય પ્રકારના રોકાણકારોની યુક્તિઓ અલગ અલગ છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં આ તરકીબોને પગલે માર્ચ મહિનામાં ભારે વેચવાલી નીકળે એવી સંભાવના વરતાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અનેક વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ) 31મી માર્ચે પોતાના પોર્ટફોલિયોનો અમુક હિસ્સો વેચી અને ફરી એ જ શૅર્સ પહેલી એપ્રિલે પાછા ખરીદવાનું વિચારી રહ્યા છે. હકીકતમાં આ રોકાણકારોની યુક્તિ પહેલી ફેબ્રુઆરીથી 31મી માર્ચ વચ્ચે મૂડી ઉપર મેળવેલા વળતર માટે ટૅક્સમાંથી છૂટ મેળવવાની છે. જો આ તમામ રોકાણકારો આ જ ગાળાની આસપાસ વેચાણ અને પછી ખરીદી કરશે તો શૅર્સના ભાવમાં ભારે ઉથલપાથલ મચી જશે.
કરવેરા નિષ્ણાતોના જણાવ્યા મુજબ કેટલાક રોકાણકારો એલટીસીજીની અસર વિશે ચિંતિત છે અને 31મી માર્ચે પોતાનો સમગ્ર પોર્ટફોલિયો વેચી અને પહેલી એપ્રિલે ફરી ખરીદી લે એવી સંભાવના છે. ડેલોઇટ ઇન્ડિયાના પાર્ટનર રાજેશ એચ ગાંધીએ જણાવ્યું હતું કે ટેક્નિકલી આ શક્ય હોવા છતાં જો વધુ રોકાણકારો આ રસ્તો અપનાવે તો શૅર્સના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળશે. આમ બને તો કેટલાક કિસ્સાઓમાં કરવેરા વિભાગ જનરલ એન્ટી એવોઇડન્સ રૂલ (જીએએઆર) લાગુ કરી શકે છે.
કેટલાક એફપીઆઈ પોતાનો બેઝ નેધરલેન્ડ્સ કે ફ્રાન્સમાં ખસેડવા પણ વિચારી રહ્યા છે, કારણ કે આ દેશોમાં રજિસ્ટર્ડ રોકાણ સાધનો મારફતે રોકાણ કરવાથી એલટીસીજી ટૅક્સ લાગુ નથી પડતો. આમ છતાં, જો ભારત સરકારને જાણ થાય કે ભારતમાં કરાયેલાં રોકાણો શેલ કંપનીઓ મારફતે કરવામાં આવ્યાં છે, તો વધારાનો ટૅક્સ લાગુ થશે. ભારતમાં રોકાણ કરનાર પ્રત્યેક રોકાણકારની ભારતમાં હાજરી અનિવાર્ય છે. 
ખાનગી ઈક્વિટી ફંડ્સ પણ એલટીસીજી ટૅક્સમાંથી છટકબારી શોધી રહ્યા છે. અમેરિકાના પીઈ ફંડનું ઉદારહણ જોઈએ તો, તે 2018ના અંત સુધીમાં મધ્યમ કદની કંપનીમાંથી રોકાણો પાછાં ખેંચવાનું વિચારી રહ્યું હતું. હવે, એલટીસીજીને કારણે ફંડે પોતાની યોજના અભરાઈએ ચઢાવી છે.
માઝર્સ ઇન્ડિયાના પાર્ટનર ભરત ધવને જણાવ્યું હતું કે ઘણાં ખાનગી ઈક્વિટી ફંડ્સે આઈપીઓ દ્વારા પોતાનો હિસ્સો ઘટાડવા માટે કરેલી યોજનાઓ હવે ફરી વિચારણા હેઠળ છે અને આ હિસ્સો હવે સેકંડરી માર્કેટ મારફતે ઓછો કરાય તેવી શક્યતા છે. 
કેટલાક એચએનઆઈ પણ એલટીસીજી ટૅક્સમાંથી છટકું શોધી રહ્યા છે. કરવેરા સલાહકારોએ પોતાના ક્લાયન્ટ્સને કહ્યું 31મી માર્ચ પહેલાં શૅર્સ વેચવામાં ખોટ જતી હોય, તો રોકાણો જાળવી રાખવાની સલાહ આપી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer