શૅરબજારોમાં ફરીથી મંદીવાળા છવાયા

સૂચકાંકો ફરીથી તૂટયા, સેન્સેક્ષ 407 અને નિફ્ટી 121 પૉઈન્ટ ઘટયો
વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 9 ફેબ્રુ.
શેરબજારોમાં આજે ફરીથી મંદીવાળાઓનું જોર જોવા મળ્યું હતું. વૈશ્વિક શેરબજારોમાં અમેરિકાના વ્યાજ દરમાં વધારા બાબતે ચિંતાનો માહોલ છવાયો હતો. અમેરિકાનાં બજારો વૈશ્વિક વેચવાલીનું એપિસેન્ટર બન્યાં હતાં. ડાઉ જોન્સ 4.1 ટકા અને સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 500માં 3.7 ટકાનો જબરદસ્ત કડાકો જોવા મળ્યો હતો. વૈશ્વિક સંકેતો ઉપરાંત, ફુગાવો વધવાની આશંકાને પગલે સેન્સેક્ષ અને નિફ્ટી એક ટકા કરતાં વધુ ઘટયા હતા, જેને પગલે સેન્સેક્સ અને નિફ્ટીમાં સળંગ સાત સેશનને અંતે ગુરુવારે નોંધાયેલો સુધારો ધોવાઈ ગયો હતો. 
સેન્સેક્ષ 407.40 પોઈન્ટ એટલે કે 1.18 ટકા ઘટીને 34,005.76ની સપાટીએ, જ્યારે નિફ્ટી 121.90 પોઈન્ટ એટલે કે 1.15 ટકા ઘટીને 10,455ની સપાટીએ બંધ નોંધાયો હતો. આમ, સેન્સેક્ષે 34,000ની અને નિફ્ટીએ 10,400ની મહત્ત્વની સપાટી માંડ માંડ જાળવી રાખી હતી.
વૈશ્વિક બજારોમાં અફડાતફડી
વોલ સ્ટ્રીટને પગલે એશિયાનાં બજારો પણ તૂટયાં હતાં. જાપાનનો નિક્કી, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ અને હોંગકોંગનો હેન્ગ સેન્ગ બેથી ચાર ટકા ઘટયા હતા. યુરોપનાં બજારોમાં ફ્રાન્સનો સીએસી, જર્મનીનો ડેક્સ અને બ્રિટનનો એફટીએસઈ પણ ઘટાડા તરફ હતા.
મહત્ત્વના આંકડા
બીએસઈમાં કુલ 1,369 શેર્સ વધ્યા હતા, જ્યારે 1,403 શેર્સ ઘટયા હતા. સેન્સેક્ષના છ શેર્સ વધ્યા હતા, જ્યારે 25 શેર્સ ઘટયા હતા. માર્કેટ કેપિટલાઈઝેશન, ગુરુવારે રૂા. 147.99 લાખ કરોડની સામે આજે રૂા. 147.46 લાખ કરોડ નોંધાયું હતું. સૌથી વધુ ઘટાડો બેન્કેક્સ ઈન્ડેક્ષમાં નોંધાયો હતો. બ્રોડ બેઝ્ડ સૂચકાંકોમાં બીએસઈ સ્મોલકેપ 0.23 ટકા વધ્યો હતો. જ્યારે એનએસઈમાં નિફ્ટીનો મિડકેપ ઈન્ડેક્ષ 0.3 ટકા વધ્યો હતો. એનએસઈના બ્રોડ બેઝ્ડ સૂચકાંકોમાં સ્મોલ અને મિડકેપ સૂચકાંકો સિવાયના તમામ સૂચકાંકો ઘટયા હતા. બીએસઈમાં કેશ સેગ્મેન્ટમાં કુલ રૂા. 4,044.42 કરોડનું ટર્નઓવર થયું હતું. એફઆઈઆઈની લેવાલી રૂા. 3,563.44 કરોડ તેમજ વેચવાલી રૂા. 4,915.14 કરોડ નોંધાઈ હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની લેવાલી રૂા. 3,151.85 કરોડ અને વેચવાલી રૂા. 2,563.43 કરોડ હતી. 
ક્ષેત્રવાર સૂચકાંકો
બીએસઈમાં મેટલ ઈન્ડેક્ષ 1.25 ટકા, રિયલ્ટી 0.56 ટકા અને પાવર 0.37 ટકા વધ્યા હતા, જ્યારે એફએમસીજી 0.41 ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ 0.47 ટકા, ટેલીકોમ 1.15 ટકા, ફાયનાન્સ 1.54 ટકા અને બેન્કેક્સ 1.75 ટકા ઘટયા હતા. એનએસઈમાં મેટલ 1.27 ટકા વધ્યો હતો, જ્યારે પ્રાયવેટ બેન્કના ઈન્ડેક્ષમાં સૌથી વધુ 1.81 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
ઉપલી-નીચલી સર્કિટ
બીએસઈમાં બી ગ્રુપની 55 કંપનીઓને ઉપલી તેમજ 14 કંપનીઓને નીચલી સર્કિટ લાગી હતી. તમામ ગ્રુપની કુલ 411 કંપનીઓમાંથી 252ને ઉપલી તેમજ 159ને નીચલી સર્કિટ લાગી હતી.
નબળા બજારમાં પણ 10 ટકાથી વધુ વધેલા શેર્સ
એફડીસી, સ્પાઈસ જેટ, સેઇલ, ભારત ફોર્જ, ઈપ્કા લેબ્સ, જેટ એરવેઝ અને બજાજ ઈલેક્ટ્રિકલ્સ સહિતના 23 શેર્સ હાલના નબળા બજારમાં પણ 10 ટકાથી વધુનો વધારો નોંધાવે છે. આ યાદીમાં બોમ્બે ડાઈંગ, હિમાચલ ફ્યુચરિસ્ટિક કોમ્યુનિકેશન્સ, જમ્ના ઓટો ઈન્ડ, ગ્રીનપ્લાય ઈન્ડ અને શંકરા બિલ્ડિંગ પ્રોડક્ટ્સ પણ સામેલ છે.
સારાં પરિણામોને કારણે શેર્સ
ભારત ફોર્જે અપેક્ષા કરતાં વધુ સારાં પરિણામો હાંસલ કરતાં ઈન્ટ્રાડેમાં કંપનીનો શેર લગભગ 8 ટકા વધ્યો હતો. ઈલેક્ટ્રિક વ્હીકલના સ્ટાર્ટઅપમાં રોકાણો કર્યાં હોવાને પગલે કંપની આકર્ષક પરિણામો મેળવી શકી હતી. 
જીએમડીસીનો નફો ત્રીજા ત્રિમાસિક ગાળામાં 68.8 ટકા વધીને રૂા. 78.5 કરોડ નોંધાયો હોવાને પગલે ઈન્ટ્રાડેમાં કંપનીનો શેર ચાર ટકા વધ્યો હતો.
સુગર શેર્સમાં તેજી
બજારના એકંદર વલણથી વિપરિત સુગર કંપનીઓના શેર્સ 20 ટકા સુધી વધ્યા હતા. સરકારે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં સુગર મિલો બજારમાં કેટલી ખાંડ વેચી શકશે તે બાબતે મર્યાદા મૂકી હોવાને પગલે અવધ સુગર એન્ડ એનર્જી, ધામપુર સુગર મિલ્સ, મગધ સુગર, મવાના સુગર્સ, દ્વારિકેશ સુગર અને ઉત્તમ સુગર મિલ્સના શેર્સ ઈન્ટ્રા ડેમાં ચાર ટકા કરતાં ઊંચા ભાવે ટ્રેડ થતા હતા.
ગ્લેનમાર્ક ફાર્માનો શેર 9 ટકા તૂટયો
ત્રીજા ત્રિમાસિક ગાળાનાં નિરાશાજનક પરિણામોને પગલે ગ્લેનમાર્ક ફાર્માના શેરમાં નવ ટકાનો જબરદસ્ત કડાકો જોવા મળ્યો હતો. બીએસઈમાં કામકાજની શરૂઆતમાં શેર નવ ટકા ઘટીને રૂ. 524એ બાવન સપ્તાહના તળિયે નોંધાયો હતો અને દિવસને અંતે 7.43 ટકાના ઘટાડા સાથે રૂા. 535.10ના ભાવે બંધ નોંધાયો હતો. અમેરિકાનાં વેચાણો ઘટવાને પગલે કંપનીનો કોન્સોલિડેટેડ નફો ડિસેમ્બર, 2017માં પૂરા થતા ત્રિમાસિક ગાળામાં 78 ટકા ઘટીને રૂા. 1.05 અબજ નોંધાયો હતો. પાછલા નાણાં વર્ષે સમાન ગાળા માટે કંપનીએ રૂા. 4.77 અબજનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. 
નિષ્ણાતોને મતે
મોટા ભાગના નિષ્ણાતોનું માનવું છે કે ઘટાડાનો દોર ચાલુ રહેશે અને વચ્ચે વચ્ચે કેટલાક ક્વોલિટી શેર્સમાં લેવાલી થવાને કારણે બજારને સપોર્ટ રહેશે. રેલિગેર બ્રોકિંગના પ્રેસિડેન્ટ જયંત માંગલિકે જણાવ્યું છે કે અત્યારે વૈશ્વિક સંકેતો મુજબ વર્તી રહ્યાં છે અને આ વલણ હજુ થોડા સમય માટે ચાલુ રહેશે. હજુ વધુ ઘટાડાના સંકેતો મળી રહ્યાં હોવાથી ટ્રેડર્સે `ઉછાળે વેચાણ'નો અભિગમ અપનાવવો જોઈએ. નિફ્ટી 10,400એ મહત્ત્વનું સપોર્ટ લેવલ ધરાવે છે અને જો આ સપાટી તૂટશે તો વધુ ઘટાડો જોવા મળશે. દરમ્યાન જો કોઈ વધારો જોવા મળશે તો સૂચકાંક 10,600થી 10,700 વચ્ચે ભારે પ્રતિકાર જોવા મળશે.
ઝેરોધાના સ્થાપક અને ટ્રેડિંગ વિભાગના વડા નિખિલ કામથે જણાવ્યું છે કે નબળાં વૈશ્વિક સંકેતો હોવા છતાં, ભારતીય શેરબજારો મજબૂત હોવાનું ધ્યાન ઉપર લઈએ તો બજારમાં મંદીભર્યા માહોલને બદલે તટસ્થ માહોલ જળવાશે તેમ જણાય છે. જોકે, અમે આ તબક્કે કોઈ નવી લેવાલી ટાળવાની સલાહ આપીશું.
વાસા રિટેલનો શૅર 10 ટકા વધ્યો
બજારના એકંદર ઘટાડાતરફી વલણને અવગણીને વાસા રિટેલ ઍન્ડ ઓવરસીઝનો શૅર આજે 9.94 ટકા વધીને રૂા.56.95 નોંધાયો હતો. લિસ્ટંગથી અત્યાર સુધીમાં શૅરનો ભાવ 90 ટકા વધ્યો છે. આ શૅર્સ મંગળવારે એનએસઈમાં 20 ટકા પ્રીમિયમે લિસ્ટેડ થયા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer