2019માં મોદીને સત્તાથી દૂર રાખવા વિષે કૉંગ્રેસ આશાવાદી

2019માં મોદીને સત્તાથી દૂર રાખવા વિષે કૉંગ્રેસ આશાવાદી
નવી દિલ્હી, તા. 9 ફેબ્રુ.
 2019માં આવનારી લોકસભાની ચૂંટણીમાં પોતાનો દેખાવ સુધારવા વિષે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બીજી મુદત મળતી અટકાવવવા વિષે સુધ્ધાં કૉંગ્રેસ આશાવાદી છે.   
કૉંગ્રેસ માને છે કે મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હરિયાણા, ઝારખંડ અને છત્તીસગઢમાં તે સારા એવા પ્રમાણમાં વધારાની બેઠકો મેળવી શકશે અને પંજાબમાં પોતાની હાલત સુધારી શકશે.  
એક ટોચના કૉંગ્રેસી નેતાએ કહ્યું હતું કે કૉંગ્રેસ ભાજપ પાસેથી 60 બેઠકો આંચકી લેશે જેને કારણે મોદી માટે વડા પ્રધાનપદે ટકી રહેવું મુશ્કેલ થઇ જશે. તેમનો તર્ક એવો હતો કે મોદીનો સ્વભાવ સાથી પક્ષો સાથે મળીને ગઠબંધનની સરકાર ચલાવવા માટે અનુકૂળ નથી. એનડીએમાંના પ્રાદેશિક પક્ષોની અસ્વસ્થતાથી આ વાત સ્પષ્ટ થઇ ગઈ છે.  
આ નેતાના મતે લોકસભાની આગામી ચૂંટણી બાદ બે પ્રકારની પરિસ્થિતિ સર્જાવાની શક્યતા છે. કૉંગ્રેસની સરકાર અથવા તો ભાજપની, પરંતુ નરેન્દ્ર મોદી વગરની સરકાર. એનડીએના હાલના કે ભવિષ્યના સાથી પક્ષોને મોદી સ્વીકાર્ય નહીં બને. શિવસેના, તેલુગુ દેશમ અને અકાલી દળ જેવા પક્ષોની નારાજગી જોઈને તેઓ આ નિષ્કર્ષ પર આવ્યા છે.   
કૉંગ્રેસ વર્તુળોમાં એવી માન્યતા સેવાય છે કે આવતી ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના ભાજપને આશરે 220 કરતાં વધારે બેઠકો નહીં મળે, જે હાલની  282 બેઠકો કરતા ઘણી ઓછી હશે. મોદીનો સ્વભાવ અને કાર્યશૈલી ગઠબંધનની સરકાર રચવા કે ચલાવવા માટે યોગ્ય નથી અને રાજનાથ સિંહ જેવા નેતા સંયુક્ત સરકાર માટે વધુ યોગ્ય રહેશે.   
તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીઓના પરિણામોથી કૉંગ્રેસનો ઉત્સાહ વધ્યો છે અને તેના પ્રાદેશિક એકમો હવે એકજૂટ થઈને કામ કરે છે એવો દાવો આ નેતાએ કર્યો  હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer