પૂર્વોત્તરનાં ત્રણ રાજ્યોમાં કૉંગ્રેસના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ

પૂર્વોત્તરનાં ત્રણ રાજ્યોમાં કૉંગ્રેસના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ
 નવી દિલ્હી, તા. 9 ફેબ્રુ.
ઈશાન ભારતનાં ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓને અહીં પાટનગરમાં બે મુખ્ય રાષ્ટ્રીય પક્ષો વચ્ચેના સંઘર્ષના અનુસંધાન તરીકે જ જોવાય છે. 
ભાજપ પોતાનું પ્રભાવક્ષેત્ર વિસ્તારવા માટે આક્રમક પ્રયાસો કરી રહ્યો છે, જયારે કૉંગ્રેસ પૂર્વોત્તરનાં રાજ્યોમાં તેની રહીસહી રાજકીય મૂડી બચાવવાની મથામણ કરી રહી છે. કૉંગ્રેસનો સૂર્ય તપતો હતો ત્યારે આ પ્રદેશ તેના ઘરના વંડા જેવો મનાતો હતો.  
પરંપરાગત માન્યતા એવી છે કે કેન્દ્રમાં સત્તાનાં સૂત્રો અને તેની સાથે સંકળાયેલી નાણાંની તાકાતને જોરે ઈશાન ભારતનાં રાજ્યોમાં સત્તાનાં ખેલનો ફેંસલો થાય છે. તેથી જ આ વિસ્તારમાં કૉંગ્રેસને ભાજપના `કૉંગ્રેસ-મુક્ત ભારત અભિયાન'નો સૌથી ઉગ્ર પરચો મળી રહ્યો છે. 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં વૈચારિક અને વ્યૂહાત્મક હિતોએ આ પ્રદેશમાં ભગવાં સંગઠનોની પકડને વધુ મજબૂત બનાવવાની તેની મહેચ્છાને વધુ ધારદાર બનાવી છે. પૂર્વોત્તરનાં રાજ્યોમાં લોકસભાની 25 અને રાજ્યસભાની 14 બેઠકો છે એ હકીકત પણ કોઈ પક્ષની નજરબહાર નથી.   
માર્ક્સવાદી સામ્યવાદી પક્ષના શાસન હેઠળના ત્રિપુરામાં કૉંગ્રેસ અસ્તિત્વ ટકાવવા ઝઝૂમી રહી છે અને ભાજપ તેમ જ તૃણમૂલ કૉંગ્રેસ તેના નેતાઓને ખેંચી લેવા પ્રયત્નશીલ છે. મેઘાલયમાં કૉંગ્રેસ તેના ચતુર મુખ્ય પ્રધાન સી એમ મુકુલ પર મદાર રાખી રહી છે. નાગાલૅન્ડમાં ભાજપ અને શાસક પક્ષ એનપીએફ સાથેના સંઘર્ષના આધારે કૉંગ્રેસ પોતાની વ્યૂહરચના ઘડનાર છે.  
નાગાલૅન્ડમાં વર્તમાન અને ભૂતપૂર્વ વિધાનસભ્યો ભાજપમાં જોડાવા ધસારો કરી રહ્યા છે.  ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કે  એલ ચીશી ભાજપમાં જોડાવાથી કૉંગ્રેસને ઝટકો લાગ્યો છે. નાગા પીપલ્સ ફ્રન્ટના વિધાનસભ્ય વિખો-ઓ યહોશુ અને વાય પેટન પણ ભાજપમાં જોડાઈ ગયા છે અને બીજા અનેક વિધાનસભ્યો ભાજપમાં જોડાવા માટે તેના નેતાઓના સંપર્કમાં છે. 
ત્રિપુરામાં ભાજપ નેશનલ કૉન્ફરન્સ અૉફ ત્રિપુરા અને ઇન્ડિજીનસ નેશનાલિસ્ટ પાર્ટી અૉફ ત્રિપુરા સાથે ચૂંટણી જોડાણ અંગે વાતચીત ચલાવી રહ્યો છે. ભાજપ ઇન્ડિજીનસ પીપલ્સ ફ્રન્ટ અૉફ ત્રિપુરાના એનસી દેબબર્મા જૂથ સાથે સમજૂતી ધરાવે છે. ભાજપ વતી રામ માધવ અને હિમંત બિસવા શર્મા વાતચીત ચલાવી રહ્યા છે.  
મોદી સરકારે 2014માં દિલ્હીમાં સત્તાનાં સૂત્રો સંભાળ્યાં તે પછી કૉંગ્રેસે આ વિસ્તારનાં ત્રણ રાજ્યો --આસામ, અરુણાચલ પ્રદેશ અને મણિપુર-- ગુમાવ્યા છે. હવે મેઘાલયમાં ચૂંટણી યોજાવાની હોવાથી કૉંગ્રેસ પાસે માત્ર મિઝોરમ રહ્યું છે, અને ત્યાં પણ આ વર્ષના અંત ભાગમાં ચૂંટણી થવાની છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer