તેલંગણામાં ભાજપ એકલે હાથે ચૂંટણી લડશે

તેલંગણામાં ભાજપ એકલે હાથે ચૂંટણી લડશે
હૈદરાબાદ, તા. 9?ફેબ્રુ.
આંધ્ર પ્રદેશમાં ભાજપ અને તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના ગઠબંધન વિષે ભલે અનિશ્ચિતતા પ્રવર્તતી હોય, પરંતુ તેલંગણામાં એ વિષે કોઈ અનિશ્ચિતતા નથી. ત્યાં ભાજપ એકલે હાથે ચૂંટણી લડનાર છે, કારણ કે ભાજપના મતે તેલંગણામાં ચંદ્રાબાબુ નાયડુના પક્ષનું અસ્તિત્વ જ રહ્યું નથી. 
તેલંગણા ભાજપના પ્રવક્તા કૃષ્ણસાગર રાવે કહ્યું હતું કે તેમનો પક્ષ તેલંગણામાં ટીડીપી સાથે કોઈ જોડાણ નહીં કરે. `તેલંગાણામાં લોકો ટીડીપીને આંધ્ર પ્રદેશનો પક્ષ સમજે છે. એટલે અહીં તેને માટે કોઈ સ્થાન નથી. આ ભાજપનો અભિપ્રાય નથી, પરંતુ છેલ્લી ચૂંટણીનો જનાદેશ છે,` એમ રાવે પ્રત્રકારોને કહ્યું હતું.   
બૃહદ હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો (જેમાં `વસાહતીઓ' અર્થાત આંધ્રના લોકોની હાજરી છતાં ટીડીપીએ કંગાળ દેખાવ કર્યો હતો તે) પણ દર્શાવે છે કે ટીડીપી માટે આ રાજ્યમાં કોઈ સ્થાન નથી, એમ રાવે ઉમેર્યું હતું.  
2014ની ચૂંટણીમાં ભાજપ અને ટીડીપીએ ચૂંટણી જોડાણ કર્યું હતું. 119 બેઠકો ધરાવતી તેલંગણા વિધાનસભામાં ટીડીપીને 15 અને ભાજપને 5 બેઠકો મળી હતી. પરંતુ આજે તેલંગાણામાં ટીડીપી ઘસાઈ ગયેલો પક્ષ છે કેમ કે તેના 12 સભ્યો તેલંગણા રાષ્ટ્ર સમિતિમાં જોડાઈ ગયા છે અને એક સભ્ય કૉંગ્રેસમાં ભળી ગયા છે. `એક-બે અપવાદ સિવાય બધા વિધાનસભ્યો પક્ષ છોડી ગયા પછી તેલંગણામાં ટીડીપીમાં કોઈ નેતા જ રહ્યા નથી. આ ત્રણ  બાબતો (ટીડીપી આંધ્રનો પક્ષ હોવાની માન્યતા, હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં હાર અને નેતાઓનો અભાવ) સ્પષ્ટ કરે છે કે ટીડીપીનું અહીં કોઈ અસ્તિત્વ જ નથી. તો પછી તેની સાથે જોડાણ કરવાનો સવાલ જ કયાં છે? એમ રાવે પૂછ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer