ભારત-ઇઝરાયલ વચ્ચે સીધી ફ્લાઇટને સાઉદી અરેબિયાની લીલી ઝંડી

ભારત-ઇઝરાયલ વચ્ચે સીધી ફ્લાઇટને સાઉદી અરેબિયાની લીલી ઝંડી
નવી દિલ્હી, તા. 9 ફેબ્રુ. પશ્ચિમ એશિયામાં બદલાઈ રહેલાં રાજકીય સમીકરણોના એક સંકેતમાં સાઉદી અરેબિયાએ ભારત અને ઇઝરાયલ વચ્ચેની સીધી ફ્લાઇટને પોતાની હવાઈ સીમામાંથી ઊડવાની મંજૂરી આપી છે. આવી પરવાનગી મેળવનારી પ્રથમ એરલાઇન એર ઇન્ડિયા હશે, જે નવી દિલ્હી અને તેલ અવીવ વચ્ચે વિમાની સેવા ચાલુ કરનાર છે. 
અત્યાર સુધી માત્ર અમેરિકન પ્રમુખો જ્યોર્જ બુશ અને ડોનાલ્ડ ટ્રમ્પને લઇ જતાં વિમાનો જ સાઉદી અરેબિયાથી સીધા ઇઝરાયલ જઈ શક્યા છે.  
સાઉદી અરેબિયાએ ઈઝરાયલને માન્યતા આપી ન હોવાથી અત્યારે ઇઝરાયલ અને અન્ય દેશો વચ્ચેની ફ્લાઇટોએ સાઉદી અરેબિયાની હવાઈ સીમાને ચાતરીને જવું પડે છે. તેલ અવીવ અને મુંબઈ વચ્ચેની એકમાત્ર ફ્લાઈટ રાતા સમુદ્ર પરથી પસાર થાય છે અને ભારત પહોંચતા આઠ કલાક લે છે.  સાઉદી અરેબિયાની મંજૂરીને પગલે આ સમયગાળો અઢી કલાક જેટલો ઘટી જશે.  
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુની ભારત મુલાકાતને પગલે બન્ને દેશો વચ્ચેની વિમાની સેવાઓ વિશેની ચર્ચાને વેગ મળ્યો હતો. એર ઇન્ડિયાએ અગાઉ ઇઝરાયલ એરપોર્ટ ઓથોરિટી પાસે 20 માર્ચથી ફ્લાઇટ ઉપાડવાના સ્લોટ માગ્યા હતા.     
સાઉદી અરેબિયાનો નિર્ણય ઇઝરાયલ અને સાઉદી નેતાગીરી વચ્ચેના બદલાતા સંબંધોનો અને પશ્ચિમ એશિયામાં ભારતના વધતા જતાં પ્રભાવનો સંકેત મનાય છે. વડા પ્રધાન મોદી આ વિસ્તાર સાથે ભારતના સંબંધો ગાઢ બનાવવા પ્રયત્નશીલ છે, જેને પરિણામે સાઉદીએ અરેબિયાએ ભારત માટેનો હજ ક્વોટા પણ વધારી આપ્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer