સૈન્યના માનવ અધિકારો સંબંધી અરજી વિષે પંચે કેન્દ્ર પાસેથી અહેવાલ મગાવ્યો

સૈન્યના માનવ અધિકારો સંબંધી અરજી વિષે  પંચે કેન્દ્ર પાસેથી અહેવાલ મગાવ્યો
કાશ્મીરી પથ્થરબાજો વિરુદ્ધ સૈનિકોનાં સંતાનો  
નવી દિલ્હી, તા. 9 ફેબ્રુ.
સૈન્યના જવાનો અને અધિકારીઓના માનવ અધિકારો સંબંધી તેમનાં સંતાનોએ કરેલી અરજીની દખલ લઈને માનવ અધિકાર પંચે કેન્દ્ર સરકાર પાસેથી અહેવાલ મગાવ્યો છે.  
સૈન્યના અધિકારીઓનાં ત્રણ સંતોનોએ માનવ અધિકાર પંચ સમક્ષ અરજી કરીને જમ્મુ-કાશ્મીરમાં જાન્યુઆરી 27ના રોજ શોપિયાં જિલ્લામાં બેલગામ ટોળા દ્વારા ભારતીય સૈનિકો પર હુમલો અને પથ્થરમારો કરવાની ઘટનામાં તેને દરમિયાનગીરી કરવાની અને તપાસ હાથ ધરવાની વિનંતી કરતી અરજી નોંધાવી છે.      
જમ્મુ-કાશ્મીર અને અન્ય અશાંત વિસ્તારોમાં ફરજ પર મુકાયેલા જવાનો અને અફસરોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવીને આ સંતાનોએ ખાસ કરીને જમ્મુ-કાશ્મીરમાં તેમનાં અપમાન અને માનવ અધિકારોના ભંગની વારંવાર બનતી અસંખ્ય ઘટનાઓ પ્રત્યે પંચનું ધ્યાન દોર્યું છે.  
માનવ અધિકાર પંચે સંરક્ષણ ખાતાને આ ઘટનાનો તથ્યાત્મક અહેવાલ અને વર્તમાન પરિસ્થિતિ અને સૈન્યના જવાનોની સુરક્ષા અને માનવ અધિકારોની જાળવણી માટે સરકારે લીધેલાં પગલાંની વિગતો  મોકલવાની સૂચના આપી છે. 
માનવ અધિકાર પંચે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતીય સૈન્યના અધિકારીઓનાં ત્રણ સંતાનોએ અમને ફરિયાદ કરી છે કે સુરક્ષા દળો પર બેફામ ટોળાં દ્વારા પથ્થરમારો કરવાની ઘટનાઓના અહેવાલોથી અમે ચિંતિત છીએ. 
સમાચારોને ટાંકીને અરજદારોએ જણાવ્યું છે કે શોપિયાં જિલ્લામાં સૈન્યની ટુકડી પર કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી વગર કરાયેલો હલ્લો તદ્દન બિનજરૂરી હતો; આમ છતાં સૈન્યના જવાનો સામે એફઆઈઆર નોંધવામાં આવ્યો છે. જે લોકોના રક્ષણ માટે સૈન્ય ગોઠવાયું હોય તે જ લોકોએ એના પર હુમલો કર્યો હોય એટલું જ નહિ સૈન્ય વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હોય તેવી ઘટનાઓની અરજદારોએ તારીખવાર યાદી આપી છે.  
ફરિયાદમાં ધ્યાન દોરવામાં આવ્યું છે કે વહીવટી તંત્રને સૈન્ય દ્વારા સહાય કરતી હોવા છતાં તે સૈન્યના માનવ અધિકારોનું રક્ષણ કરવામાં નિષ્ફ્ળ ગયું છે. અરજદારો એવા ઘણા દેશોનાં ઉદાહરણો આપ્યાં છે જ્યાં સૈન્ય પર પથ્થરમારો કરનારાઓને સખત શિક્ષા ફરમાવાતી હોય. તેમાં ધ્યાન દોરવામાં આવ્યું છે કે જમ્મુ-કાશ્મીર સરકારની સૂચનાથી પથ્થરબાજો સામેના એફઆઈઆર પાછા ખેંચી લેવાયા છે અને તેનાથી સૈન્યના જુસ્સા પર ગંભીર અસર પડવાની શક્યતા છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer